અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસ કર્મીને મારી ટક્કર

09 March 23 : અમદાવાદના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ સુધીના માર્ગ પર ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. પૂરઝડપે આવતી એક કારને પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર રોકવાની જગ્યાએ પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી અને પછી કાર લઈ ફરાર થઈ ગયો હતો. કારની ટક્કરે પોલીસકર્મીને ઇજા થઈ હતી. જ્યારે પોલીસની ટીમે કાર ચાલકનો પીછો કરી તેની ધરપકડ કરી હતી.

માહિતી મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે શહેરના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ જતા રોડ પર કોઈ ફિલ્મનું શુટિંગ થતું હોય તેવા દૃશ્યો લોકોને જોવા મળ્યા હતા. પોલીસ પોલીસ કોન્સ્બેટલ બલભદ્રસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કારચાલક સહિત 6 લોકો સામે હત્યાની કોશિશ તેમ જ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એ.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તેમ જ પોલીસ કર્મચારી સિરાજ ભાઇ સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન રાજપથ ક્લબની પાછળના રોડ પરથી એક કાર પૂરઝડપે આવી રહી હતી. આથી પોલીસ જવાને કારને રોકવા ઇશારો કર્યો હતો.

પોલીસની ટીમે કારનો પીછો કર્યો

પોલીસનો ઇશારો જોઈ કારચાલકે કાર રોકવાની જગ્યાએ વધુ સ્પીડમાં દોડાવી હતી અને પોલીસ કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસની ટીમે કારનો પીછો કર્યો હતો અને કારમાં બેઠેલા એક શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, કારમાં અવિનાશ રાજપૂત, ધ્રૂવિન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અન્ય એક અજાણ્યો શખ્સ બેઠા હતા. માહિતી છે કે, પકડાયેલા આરોપીનું નામ અનિવાશ છે અને પૂછપરછમાં તેણે કબુલ્યું છે કે કાર ક્રૃણાલ ચલાવતો હતો. જ્યારે નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી છે. તપાસમાં સામે આવ્યું કે, અવિનાશે ચાલુ કારમાંથી ઉતરી જવાનું કહેતા કૃણાલે તેને ઉતારી દીધો હતો અને પછી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો… ગાંધીનગર: રાજ્યના તમામ બ્રિજની સ્થિતિ અંગે સરકારની નવી નીતિ, હવેથી વર્ષમાં બે વાર થશે ઈન્સ્પેક્શન

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં રાજ્ય સરકારે સોગંધનામું રજૂ કર્યું હતું અને શહેરી વિસ્તારોમાં આવેલા બ્રિજની નીતિ-નિયમો અંગે જવાબ રજૂ કર્યો હતો. આ સાથે મનપા-પાલિકા અને સત્તા મંડળો માટે નવી બ્રિજ નીતિ જાહેર કરાઈ હતી.

માહિતી મુજબ, ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે નવી પુલ નીતિ જાહેર કરી છે. બ્રિજની જાળવણી માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ હવેથી રાજ્યના તમામ બ્રિજનું મે અને ઓક્ટોબરમાં નિરીક્ષણ કરાશે. એટલે હવેથી વર્ષમાં બે વાર રાજ્યના તમામ બ્રિજ અને નાળાનું નિરીક્ષણ કરાશે. આ સાથે બ્રિજ અને નાળાના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યૂટિવ ઈજનેરના શિરે રહેશે. સરકારી ગાઇડલાઇન્સ મુજબ, હવેથી વર્ષમાં સમયાંતરે અધિકારીઓએ બ્રિજ અને નાળાનું ફરજિયાત નિરીક્ષણ કરવાનું રહેશે. નિરીક્ષણ કરી રિપોર્ટ પણ રજિસ્ટર કરવાનો રહેશે.

રાજ્યના કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામની જરૂર

જાણાવી દઈએ કે, મોરબી ઝૂલતા પુલની હોનારતમાં આશરે 150 લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ હાઈકોર્ટે સુઆમોટો અરજી પર સુનાવણી હાથ ધરી હતી અને રાજ્ય સરકારને રાજ્યના તમામ બ્રિજ અંગે તપાસ કરી તેનો સંપૂર્ણ અહેવાલ કોર્ટમાં રજૂ કરે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યના કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામની જરૂર છે.

વધુમાં વાંચો… વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

વડોદરાની જાણીતી એમએસ યુનિનવર્સિટીમાં આજે ઠેર ઠેર વાઇસ ચાન્સેલર (વીસી) ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ લાપતા હોવાના બેનર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર સાથે પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા સહિતની વિવિધ માગ પણ કરવામાં આવી છે. જો કે,’વીસી લાપતા’ના પોસ્ટર લાગ્યા બાદ યુનિવર્સિટીમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વીસી સમક્ષ સિન્ડિકેટના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા માગ કરાઈ રહી છે. આ સાથે કોન્વોકેશનના ફોલ્ડર અને સ્કાર્ફ આપવા અને વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની માગ પણ સિન્ડિકેટના સભ્યો દ્વારા વારંવાર વીસી માગ સમક્ષ કરવામાં આવી રહી છે, તેમ છતાં વીસી દ્વારા કોઈ પ્રતિસાદ ન અપાતા હવે વિદ્યાર્થીઓ અને સિન્ડિકેટના સભ્યોમાં બારે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એમ.એસ. યુનિવર્સિટીમાં ઠેર ઠેર ‘વીસી લાપતા’ના બેનર લગાડી વિરોધ દાખવવામાં આવ્યો છે.

‘વીસી નિર્ણય ન લઈ શકતા હોય તો નૈતિકતા પ્રમાણે રાજીનામું આપે’

મીડિયા અહેવાલ પ્રમાણે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે વીસી દ્વારા ન તો પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવી છે અને ન તો વિદ્યાર્થીઓને હજી સુધી ફોલ્ડર, સ્કાર્ફ કે માર્કશીટ આપવામાં આવી છે. આથી વીસીએ વિદ્યાર્થીઓની માગ અંગે જલ્દી નિર્ણય લેવો જોઈએ. જો તેઓ નિર્ણય ન લઈ શકતા હોય તો તેમણે નૈતિકતા પ્રમાણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. યુનિવર્સિટીમાં લાગેલા પોસ્ટરથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. જ્યારે સિન્ડિકેટની બેઠકમાં પણ હોબાળો થવાની આશંકા છે.

વધુમાં વાંચો… અમરેલી જિલ્લામાં ડીડીઓની સરપ્રાઇઝ વિઝીટમાં 10 તલાટી મંત્રી ‘ગેર હાજર’: શિક્ષાત્મક કાર્યવાહી

જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની સુચનાના પગલે જિલ્લા પંચાયત ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ ઘ્વારા ગ્રામ્ય કક્ષાએ સરકારી કર્મીઓની ગેર હાજરી ને લઈ તા. 3 માર્ચ 2023નાં રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ રર ગ્રામ પંચાયતોમાં તપાસ ટીમ ઘ્વારા તપાસ કરવામાં આવતા 10 તલાટી કમ મંત્રીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેનાર તમામ 10 તલાટી કમ મંત્રી વિરૂધ્ધ શિક્ષાત્મકકાર્યવાહી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આકસ્મિક તપાસ ટીમ ઘ્વારા 6 જેટલી ગ્રામ પંચાયતોની ચકાસણી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીઓ તેમની ફરજ પર સમયસર હાજર ન હોવાનું ઘ્યાને આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વહીવટી કામોમાં સરકારી કર્મીઓની બિનઅધિકૃત રીતે ગેરહાજરીના કારણે અડચણો ઉભી ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ગુરવ સતત સક્રીય છે. જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની સુચનાથી કરવામાં આવેલી

આ આકસ્મિક તપાસ અને કાર્યવાહીથી સરકારી કામગીરીમાં હકારાત્મક પરિણામો જોવા મળશે અને વહીવટી કામોમાં અરજદારોને સરળતા રહે તેવો ઉદેશ્ય છે. અગાઉ 22 ગ્રામ પંચાયતોની ચકાસણી કરવામાં આવી હતી અને કર્મચારીઓની નિયમિતતા અને તેમની કામગીરી પ્રત્યેની નિષ્ઠામાં ઉમેરો થાય તો ગ્રામ્ય વિસ્તારનાં પ્રજાજનોને તેમની રોજબરોજની કામોમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય તે મહત્વનું છે. વહીવટી કામગીરીમાં વધુ ચોકસાઈ આવી શકે તે ઉદેશ્ય સાથે જિલ્લા પંચાયત ટીમ ઘ્વારા આગામી સમયમાં તાલુકા કક્ષાએ પણ ચકાસણી કરવામાં આવશે.

વધુમાં વાંચો… મોરબીના જુના ઘૂટું રોડ પર બાવળની કાંટમાં છુપાવી રાખેલ દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના જુના ઘૂટું રોડ પર બાવળની કાંટમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો મોટો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો સ્થળ પરથી પોલીસે ૧.૦૪ લાખની કિમતનો દારૂ અને બીયરનો જથ્થો કબજે લઈને એ આરોપીને ઝડપી લીધો છે તો અન્ય આરોપીનું નામ ખુલ્યું છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘૂટું રોડ પર બાવળ કાંટમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી વોડકાની બોટલ નંગ ૩૬, બ્લેન્ડર વ્હીસ્કી બોટલ નંગ ૩૦, રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૭૭, અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ ૭૭ તેમજ બીયર ટીન ૧૨૭ મિલને કુલ રૂ ૧,૦૪,૦૪૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રવિ રમેશભાઈ વીંઝવાડિયા રહે જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી ૨ વાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી દેવેન્દ્રસિહ ઉર્ફે બબુ ઝાલા રહે ઉના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી ૨ વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

વધુમાં વાંચો… અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી રાજભવનમાં સીએમ સહિત અન્ય નેતાઓ સાથે કરશે મહત્ત્વની બેઠક, મંત્રીમંડળમાં મોટો ફેરફાર થવાની શક્યતા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમદાવાદની મુલાકાતે છે. અહીં, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટની શરૂઆત થઈ છે. જો કે, આ પહેલા ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે બંને ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથ સાથે મુલાકાત કરી હતી અને કેપ પહેરાવી હતી. ત્યાર બાદ બન્ને દેશના PM અન્ય ખેલાડીઓ સાથે મળ્યા હતા અને રાષ્ટ્રગીત સમયે બંને ટીમ સાથે ઊભા રહ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદી રાજભવન જવા માટે રવાના થયા હતા.

જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 8.30 વાગ્યે મોટેરા વિસ્તારમાં આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા. પહેલા અડધા કલાક સુધી મેચ જોયા બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા. માહિતી મુજબ, રાજભવન ખાતે પીએમ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ સહિત સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં પીએમ મોદી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પર ચર્ચા કરી શકે છે. ઉપરાંત, તેઓ આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. ત્યાર બાદ બપોરે પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ શકે છે.

વિકાસ, મંત્રીમંડળના વિસ્તરણ અંગે થઈ શકે છે ચર્ચા – ઉલ્લેખનીય છે કે, અગાઉ બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી અચાનક દિલ્લી પહોંચ્યા હતા. અહીં, સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારે હવે એવી ચર્ચા છે કે આજે રાજભવન ખાતે પીએમ મોદી બેઠક કરી મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરી શકે છે. ઉપરાંત, એવી પણ માહિતી છે કે રાજભવનમાં પીએમ મોદીનો 4 કલાકનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ સીએમ, પાર્ટી અધ્યક્ષ સહિત અન્ય નેતાઓ સાથે વિકાસ કામો સહિત મહત્ત્વના મુદ્દાઓ અને આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી શકે છે. ઉપરાંત સંગઠનમાં મોટા ફેરબદલ અને તેના વિતરણની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here