
લોકમેળાની મજા માણવા ઉમટતો લાખોનો માનવ મહેરામણ.. સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનું પ્રતિબિંબ
સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટાભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા પિછાણી શકાય છે. લોકમેળાના આયોજન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મનોરંજનના પરિબળો અગત્યના છે. સૌરાષ્ટ્રમાં કેટલાંક પ્રખ્યાત મેળાઓમાં હૈયે હૈયું દળાય તેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે. આવા જ કેટલાક જાણીતા લોકમેળાઓની જાણકારી અત્રે પ્રસ્તુત છે…
રાજકોટમાં ૧૯૮૩થી શાસ્ત્રી મેદાનમાં અને હવે રેસકોર્ષ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શ્રાવણ માસમાં 5 દિવસનો લોકમેળો યોજાય છે, જેમાં રાઇડસ(ફજર ફાળકા), ખાણીપીણી ના નાના-મોટા ધંધાર્થીઓને રોજગારી મળી રહે છે. આ લોકમેળાની આવક લોક-કલ્યાણના કામો માટે વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો આ લોકમેળો માણવા ઉમટી પડે છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તો રાજકોટથી ૧૦ કિમી દૂર માધાપર પાસે ઇશ્વરિયા મહાદેવ મંદિરે પણ શ્રાવણ માસમાં મેળો ભરાય છે. આ મંદિર પ્રકૃતિ અને ધર્મનું અનેરા સંગમ સમું છે. રાજકોટથી ૬૦ કિ.મી. દૂર જડેશ્વર મહાદેવ અને ૭૬ કિ.મી. દૂર ઘેલા સોમનાથ મંદિરે પણ શ્રાવણી મેળાની મજા લૂંટવા ઉત્સવપ્રેમી નાગરિકો ઉમટી પડે છે.
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરે દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢની આગવી ઓળખ સમો છે. ભજન-ભોજન-ભકિત સાથે મહાશિવરાત્રિની રાત્રે નીકળતી દિગંબર સાધુઓની રવેડીના દર્શનાર્થે લોકોના ટોળાં ઉમટી પડે છે. લોકવાયકા મુજબ આ રવેડીમાં ખુદ ભગવાન ભોળાનાથ પધારે છે. દેશ- વિદેશમાંથી બહોળી સંખ્યામાં લોકો શિવરાત્રિનો લોકમેળો માણવા આવતાં હોય છે. દર વર્ષે કાર્તિક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની ૧૬ ગાઉની પ્રદક્ષિણા યાત્રાનું આયોજન થાય છે. જેમાં શ્રધ્ધાળુઓ હોંશભેર જોડાય છે. જૂનાગઢથી ૪૦ કિ.મી. દૂર આવેલ ભેંસાણ તાલુકાના પરબધામ (પરબવાવડી)માં રકતપિત્તના દર્દીઓની સેવા કરી ચૂકેલા સંતશ્રી દેવીદાસનું સમાધિસ્થાન છે. દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે લોકમેળો ભરાય છે.
સુરેન્દ્રનગરથી ૯૫ કિ.મી. દૂર આવેલા પાંચાળ પંથકમાં તરણેતર ગામ નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મંદિર લોકોની આસ્થાનું સ્થાનક છે. દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ રચાયો હતો. અર્જૂને પોતાની બાણ વિદ્યાની કુશળતાનો પરિચય આ સ્થળે જ આપ્યો હતો. અને દ્રૌપદીને મેળવી હતી. અહીંના કુંડમાં બ્રહમાજીએ ભગવાન મહાદેવની ઉપાસના કરી હતી. તરણેતરના મેળા માં સૌરાષ્ટ્ર પ્રદેશનું લોકજીવન ધબકતું જણાઇ આવે છે. રંગબેરંગી પરંપરાગત પોશાકો પહેરીને મેળો મહાલતા યુવાનોને જોવો એક લ્હાવો છે. આ મેળો આદિવાસી યુવતીઓ માટે ‘મન નો માણિગર’ને યુવકોને ‘મનગમતી માનુની’ મેળવી લેવાનો અવસર પૂરો પાડે છે. હાલના બદલાયેલા સંજોગોમાં ગુજરાત સરકારે આ મેળાઓની અગત્ય સ્વીકારી છે, જેના ભાગરૂપે જગમશહુર મેળામાં કામચલાઉ નિવાસ રૂપે તંબુઓ, રાવટીઓ તથા માટી-છાણની બનાવેલી ઝૂંપડીઓ તૈયાર કરાવે છે. જેમાં જરૂરી સગવડો પણ હોય છે. ગ્રામીણ ઓલિમ્પિકસ આ પણ મેળામાં યોજાય છે.
જામનગરના ઇતિહાસમાં લડાયેલા યુધ્ધોમાં ભૂચરમોરીનું યુધ્ધ વિશેષ મહત્વ ધરાવે છે. આ યુધ્ધ કોઇ સત્તા લાલસા માટે નહીં પરંતુ શરણાગત ધર્મની રક્ષા માટે લડાયુ હતું. હાલારના કુંવર સહિત અનેક શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. જામનગરથી ૩૮ કિ.મી. દૂર ધ્રોલ પાસે શ્રાવણ વદ તેરસ,ચૌદશ, અમાસના દિવસે આ મેળો ભરાય છે. જામનગરથી ૩૬ કિ.મી. દૂર આવેલા કાલાવડ પાસે નવા રણુજા ગામે હિન્દવા પીર ગણાતા રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલુ છે. અહીં પણ મોટો લોકમેળો ભરાય છે.
દ્વારકા પાસેના શિવરાજપુરમાં તથા કલ્યાણપુર તાલુકાના પીંડારા કે જયાં પાંડવોએ ૧૦૮ પિંડ તરાવ્યા હતા. આ બંને સ્થળોએ મલ્લ કુસ્તી મેળા યોજાય છે. ભાણવડ પાસેના ઇન્દ્રેશ્વર મંદિર કે જે ત્રણ નદીનું સંગમ સ્થળ છે ત્યાં શ્રાવણી અમાસ પર ત્રણ દિવસનો મેળો ભરાય છે.
પોરબંદરથી ૬૦ કિમિ દૂર માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી મેળો ભરાય છે. આ મેળો ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણિના લગ્ન નિમિત્તે યોજાય છે, જેમાં અશ્વ દોડ, ઉંટ દોડ વગેર સ્પર્ધા યોજાય છે. રાજય સરકાર વર્ષ-૨૦૨૨થી આ મેળાની આંતરરાષ્ટ્રીય લોકમેળા તરીકે ઉજવણી કરી રહી છે. પોરબંદરથી ૨૭ કિ.મી.ના અંતરે આવેલા વિસાવડા ગામે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મોટો મેળો ભરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી દ્વારકા જતી વખતે અહીં વિસામો લીધો હતો. એની સ્મૃતિરૂપે મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાને શ્રી કૃષ્ણની પાદુકા છે. પોરબંદર જિલ્લાના કુછડી ખાતે આવેલ ખીમેશ્વર શિવ મંદિરમાં શ્રાવણ માસમાં દર સોમવારે મેળો ભરાય છે. કહેવાય છે કે અહીં પાંડવોએ નિવાસ કર્યો હતો.
પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર ફાગણ સુદ પૂનમનો ઢેબરિયો મેળો છ ગાઉ યાત્રા પ્રસંગે ભરાય છે. તો ભાવનગર જિલ્લાના તળાજાથી ૨૨ કિ.મી. દૂર સાગર તટે આવેલા ગોપનાથ મંદિરે ગુજરાતના આદિ કવિ ભકત નરસિંહ મહેતાને પિનાકપાણી શંકરનો સાક્ષાત્કાર થયો હતો ત્યાં શ્રાવણી મેળો ભરાય છે.
રણોત્સવની જેમ કચ્છ તેના મેળાઓ માટે પણ જાણીતું છે. જેમાં હાજીપીરનો મેળો, વાગડ રવેચીનો મેળો, ગરીબદાસજીનો મેળો જાણીતા છે. આ સિવાય વરૂણદાદા, માયભીભી, દતાત્રેયજી, મેકરણ દાદા, અબડા, રૂકનશાપીર, મતિયાપીર, શીતળા માતા, મામાઇ દેવ, જોગણી માયના મેળા પણ માણવા જેવા હોય છે. કોમી એકતાના પ્રતિક સમા હાજીપીરનો મેળો ચૈત્ર માસના પ્રથમ સોમવારે દર વર્ષે ઉજવાય છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ભાદરવા સુદ આઠમે ભુજથી ૧૭૫ કિ.મી. દૂર આવેલ રવેચી માતાજીના મંદિરે મોટો મેળો ભરાય છે, જેમાં ગ્રામજનો પોતાના વાહનો – પશુઓને શણગારીને, રંગબેરંગી ભરતકામ, આભલાકામના વસ્ત્રો પહેરી મેળાની મઝા લૂંટે છે. પાંડવોએ પોતાના વનવાસનું છેલ્લું વર્ષ અહીં વિતાવ્યુ હતું. ભુજથી ૬૪ કિમિના અંતરે આવેલા ધીણોધર ડુંગર ઉપર દાદા ધોરમનાથે સોપારી પર ઉંધા માથે ૧૨ વર્ષ તપસ્યા કરી હતી. અહીં ફાગણ સુદ ચોથ-પાંચમના પ્રખ્યાત મેળો યોજાય છે.
Follow US On X ( Twitter )
રાજકોટ જીલ્લામાં ૪૨ એમ્બ્યુલન્સ – ૭.૫૦ લાખ જેટલા ઈમરજન્સી કેસમાં સેવા પૂરી પાડી
ગુજરાત રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ. ૨૯ મી ઓગસ્ટ ૨૦૦૭ નો ઐતિહાસિક દિવસ કે જ્યારે ૧૦૮ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ હાલના વડાપ્રધાનશ્રી તથા તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે અબ્દુલ કલામના વરદ હસ્તે થયેલ હતો.
આપત્તિનાં સમયમાં લાખો લોકોનાં જીવન બચાવનાર અને જીવાદોરી સમાન ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ૨૯ મી ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સફળતાપૂર્વક ૧૬ વર્ષ પૂર્ણ થયેલ છે.
રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ ૨૦૦૭ માં ઈમરજન્સી તાકીદની સ્થિતિમાં જરૂરિયાતમંદ ગંભીર રીતે બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના” અમલી કરેલ છે.
વર્ષ ૨૦૦૭ થી મેડિકલ, પોલીસ, ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને ૧૦૮ ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ ૨૪X૭ પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અધ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે ૧૫ એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવેલ છે.
ગુજરાતની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની આગવી વિશેષતા
શ્રી જશવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટીંગ ઓફીસર, ઇ.એમ.આર.આઇ જીએચએસ, ગુજરાતે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૦૭ માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી સેવા આજે ૧૬ વર્ષ જેટલા સમયગાળામાં ૮૦૨ એમ્બ્યુલન્સ (૦૨ બોટ એમ્બ્યુલન્સ) સુધી પહોંચી છે. હદયરોગ,કેન્સર,કીડની,પ્રસૂતિ સંબંધિત,ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ,ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.
રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે
૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૩૭૦૦ થી ૩૯૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. ૧૦૮ નંબર પર આવેલા ૯૯ % જેટલા ફોન કોલનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે.
૧૦૮ એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૮ મિનિટ જેટલો છે. શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨ મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે. દર ૨૩ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે.
૧ કરોડ ૫૧ લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા,૨.૧૫ લાખથી વધુ પોલીસ,૬.૨ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. ૪૭.૯ કરોડથી વધારે એમ્બ્યુલન્સ ના કિલોમીટરનું સંચાલન કરવામાં આવેલ છે. ૧૪ લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવેલ છે. ૫૧.૨૭ લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતીમા મદદ કરવામાં આવેલ છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ૧,૩૨,૩૫૫ થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવેલ છે.
૧૦૮ સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે, ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકાર ના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહેલ છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “ ૧૦૮ સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવેલ છે. જેને ૩ લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલ છે.
દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં ૧૦૮-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL,EMRI GHS સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:૨૧/૦૩/ ૨૦૨૨ થી કાર્યાન્વિત કરેલ છે. આ સેવા હેઠળ કુલ ૩૭ જેટલા ઓર્ગન અને તેમજ ગંભીર દર્દીઓના પરિવહન કરેલ છે.
ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ ૧૦૮ ઇમરજન્સી સેવા અને એમ ગવર્નન્સની વ્યવસ્થા અમલીકૃત કરી છે.
રાજકોટ જીલ્લાની વાત કરીએ તો અહી કુલ ૪૨ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. બધા મળીને કુલ ૭,૪૯,૭૧૮ કેસમાં આ સેવા લોકોને મદદરૂપ બની છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અદ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવેલ છે.