
08 May 23 : ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા. ૨૧મી જૂનના રોજ ૯માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની તૈયારી નિમિત્તે રાજ્યભરમાં દર શનિવાર ને રવિવારે નિ:શુલ્ક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં પ્રકૃતિના સાનિધ્ય માં કોમન યોગ પ્રોટોકોલ તાલીમની બે શિબિરો યોજાઈ હતી.
ગત તા. ૬ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં નાણાવટી ચોક નજીક શિવ પાર્ક (R.M.C. ગાર્ડન) ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર -કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી અને યોગ ટ્રેનર સાજલબેન વેકરીયાએ સાધકોને યોગાસન ના ફાયદા જણાવી તેની તાલીમ આપી હતી.વધુમાં, ગત તા. ૭ના રોજ રાજકોટમાં ન્યારી ડેમ ખાતે શાંત વાતાવરણમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં લગભગ ૧૦૦ જેટલા સાધકોએ યોગાસન ઉપરાંત સૂર્ય નમસ્કારનો પણ લાભ લીધો હતો. આ શિબિર સ્થળ ખાતે સાધકોને આવવા-જવા માટે જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજાએ બસની વ્યવસ્થા કરાવી હતી. યોગ કોચ ગીતાબેન સોજીત્રા, રૂપલબેન છગ, પ્રિનાબેન આરદેસણા, પારૂલબેન દેસાઈએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
વધુમાં વાંચો… અંધશ્રદ્ધાળુ સાસરિયાંના ત્રાસમાંથી પીડિતાને મુક્ત કરાવતી ૧૮૧ અભયમ ટીમ
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે સતત ૨૪ કલાક કાર્યરત છે. આવા જ એક કિસ્સામાં પીડિતની વ્હારે આવતી અભયમ ટીમને રાજકોટની પીડીતાની માતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાધ્યો હતો. ત્યારે અભયમની ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, કોન્સ્ટેબલ સંગીતાબેન પંડ્યા અને ડ્રાઈવર ભવદીપભાઈ વાઘેલા સહિત પીડિતાની મદદે સ્થળ પર પહોંચી ગયા હતા. અભયમ ટીમ દ્વારા પીડિતાના સાસરીયાનું કાઉન્સેલિંગ કરતા જણાયું હતું કે, પીડિતાના સાસરિયાં દ્વારા પીડિતાને ઘરમાં શારીરિક અને માનસિક કરીને ત્રાસ ગુજારવામાં આવતો હતો. ઘરેલુ હિંસાનું મુખ્ય કારણ અંધશ્રદ્ધા હતી. પીડિતાને પિયર જવા માટે સાસરિયા પક્ષ દ્વારા માતાજીની રજા વગર પિયર ન જવાઈ, ભુવા દાણા જેવી અંધશ્રધ્ધા સાથે પીડિતાને ઘરમાં બાંધી દેતા હતા. અભયમ ટીમે પીડિતાને પોતાની પાસે બોલાવતા જ પીડિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. તેણીએ જણાવ્યું હતું કે, લગ્નને દસ વર્ષ થયા છે. સંતાનમાં બે પુત્રો છે. સાસરિયા પક્ષ શારીરિક – માનસિક ત્રાસની સાથે પિયર જવાનું કહીએ તો સસરા નાક કાપી નાખશે તેવી ધમકીઓ આપીને ડરાવે છે. પતિએ પણ ખાટલે બાંધીને મારકૂટ કરી હતી. સાસુ અને નણંદ પણ મેણા મારીને માનસિક ત્રાસ ગુજારે છે. ઘર અને વાડીનું કામ કરતી હોવા છતાં અપ શબ્દો, માવતર ઉપર ખોટા આરોપો લગાવીને મને હેરાન કરી રહ્યા છે.
સમગ્ર ઘટના જાણ્યા બાદ પીડિતાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે તેણી સાસરિયામાં રહેવા માંગતી નથી. આથી અભયમ ટીમે પીડિતાને તેમના પિયરના સભ્યોને સોંપીને અંધશ્રધ્ધાળુ સાસરિયાના ત્રાસમાંથી છોડાવી હતી.
વધુમાં વાંચો… સરકારી આઈ.ટી.આઈ. રાજકોટ ખાતે ઓટો કેડ 2D & 3D ના ટુંકા ગાળાના કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
સરકારી આઈ.ટી.આઈ રાજકોટ દ્વારા ઓટો કેડ 2D & 3D ના ટુંકા ગાળાના કોર્ષ શરૂ કરેલ છે. આજી ડેમ ચોકડી પાસે આવેલી આ આઈ.ટી.આઈ. ખાતે ઓટો કેડ કોર્ષનો સમયગાળો બે માસનો રહેશે. આ કોર્ષમાં તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. સરકારી સંસ્થા હોવાથી આ કોર્ષ તદન નજીવી ફી ફક્ત રૂ. ૭૫૦/- મહિનામા શિખડાવવામાં આવશે. વિવિધ આઈ.ટી.આઈ. ટ્રેડમાંથી પાસ આઉટ, ડિપ્લોમા કે ડિગ્રી એંન્જિ. પ્રથમ વર્ષ પાસ આઉટ ઉમેદવારો આ કોર્ષની તાલીમ લઈ શકે છે. રાજકોટ મેન્યુફેકચરિગ હબ હોવાથી ઓટો-કેડ સૉફ્ટવેરનો ખૂબ જ ઉપયોગ થતો હોવાથી આ કોર્ષમાં તાલીમ પૂર્ણ થયા બાદ એન્જી. ડિઝાઇન અને ડ્રોઈંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે તેમજ ITI દ્વારા પણ પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કોર્ષમાં તાલીમ લેવા માંગતા ઉમેદવારો એ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે આઈ.ટી.આઈ.ના નવા બિલ્ડિંગમાં આવેલ કેડ-કેમ ટ્રેડ વિભાગનો સંપર્ક કરવોનો રહેશે, તેમ સરકારી ITIના આચાર્ય સાગર રાડિયા ની યાદીમાં જણાવાયું છે.
વધુમાં વાંચો… ધ્રાંગધ્રા શહેરમાંથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 87,400ના મુદામાલ સાથે ઝડપાયા હતા.
ધ્રાંગધ્રા સીટી પોલીસે રોકડા રૂ. 74,400 અને રૂ. 13000ની કિંમતના 5 મોબાઇલ મળી રૂ. 87,400ના મુદામાલ સાથે નવ જુગારીઓ ઝડપાયા હતા. ધ્રાંગધ્રા DYSP જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.આઇ. જેસ.એસ.ઝાંબરે સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા મોચીવાડ પાસે જૂના જીન માં જાહેરમાં ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મહેન્દ્રભાઇ જયંતિલાલ ઠક્કર (ધ્રાંગધ્રા), હરીભાઇ અરજણભાઇ ડાંગર (ધ્રાંગધ્રા), હુસેનભાઇ ઇબ્રાહિમભાઇ વેડલીયા (ધ્રાંગધ્રા), દેવાભાઇ કાનાભાઇ કાટોડીયા (ધ્રાંગધ્રા), ઠાકરશી નાનજીભાઇ કણઝરીયા (ધ્રાંગધ્રા), ઇમરાન રહીમભાઇ ઘાંચી (ધ્રાંગધ્રા), ઇરફાન સલીમભાઇ ઘાંચી (ધ્રાંગધ્રા), શરીફ મહંમદભાઇ ફકીર (ધ્રાંગધ્રા) અને જુલ્ફીકાર મુસ્તુફાભાઇ મંડલી (ધ્રાંગધ્રા)ને જુગાર રમતા રોકડા રૂ. 74,400 તથા મોબાઇલ ફોન પાંચ કિંમત રૂ. 13,000 અને 87,400ના મુદામાલ સાથે ઝબ્બે કરી જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધ્રાંગધ્રા સીટી પોલીસના આ દરોડામાં પી.આઇ. જે.એસ.ઝાંબરે, સોયબભાઇ મકરાણી, ખુમાનસિંહ ડોડીયા, વિક્રમભાઇ રબારી, યુવરાજસિંહ સોલંકી અને નિલેશકુમાર પિત્રોડા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના PI જે.એસ. ઝાંબરે ચલાવી રહ્યાં છે.
વધુમાં વાંચો… સુરતના પાંડેસરા અને મોટા વરાછાની બે અલગ-અલગ ઘટનામાં વીજ કરંટ લાગતા બે આશાસ્પદ યુવાનોનો મોત
સુરતમાં બે અલગ-અલગ ઘટનામાં વીજ કરંટથી બે યુવકના મોત નીપજ્યા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા લુમ્સના ખાતામાં કામ કરતા કારીગરને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી એક ઘટનામાં મોટા વરાછામાં એક દુકાનદાર દુકાન ઉપર આવેલી ઝાડની ડાળીઓ કાપવા ઝાડ પર ચઢ્યો ત્યારે ત્યાંથી પસાર થતી વીજ લાઈનમાંથી કરંટ લાગતા તેનું મોત થયું હતું.
પ્રથમ બનાવમાં પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલ કૃષ્ણા ઇન્ડસ્ટ્રિયલના લુમ્સ ખાતામાં 34 વર્ષીય દિપક પાટીલ કામ કરતો હતો. રવિવારે બપોરના સમયે દિપક લુમ્સના ખાતામાં કામ કરતો હતો ત્યારે એક ઇસ્ત્રીનો પ્લગ ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવ્યો હતો. થોડા સમય બાદ ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ઇસ્ત્રીનો લાગેલો પ્લગ કાઢતી વખતે ઇસ્ત્રીને હાથમાં લેતાની સાથે જ દિપકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે જમીન ઢળી પડ્યો હતો. આ જોતા જ તેની સાથે કામ કરતા અન્ય લોકો મદદે દોડી આવ્યા હતા અને સારવાર અર્થે દિપકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટરે દિપક પાટીલને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પાંડેસરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જયારે બીજા બનાવમાં સુરતના મોટા વરાછામાં 34 વર્ષીય આશિષ પાઠક પરિવાર સાથે રહતો હતો અને આ જ વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવીને ગુજરાન ચલાવતો હતો. આશિષની દુકાન પાસેના એક ઝાડની ડાળીઓ વધુ હોવાથી અને નડતર રૂપ હોવાથી ડાળીઓ કાપવા માટે આશિષ ઝાડ પર ચઢ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી વીજલાઇનમાંથી કરંટ લાગતા આશિષ ગંભીર રીતે દાઝી ગયો હતો અને ઝાડ પર જ આશિષનું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ જેઈબી વિભાગને કરી હતી. આથી ટીમે ત્યાં આવી આશિષના મૃતદેહને ઝાડ પરથી ઉતાર્યો હતો. આ ઘટનાથી આશિષના પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.