
21 March 23 : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું અધ્યક્ષપદ ગ્રહણ કર્યું ત્યારબાદથી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી કન્ઝર્વેશન જેવા વિવિધ ક્ષેત્રો પર કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે, જે G-20 ના લક્ષ્યો અને એજન્ડા સાથે સુસંગત છે. તેના ભાગરૂપે, ગુજરાતમાં એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલીટી વર્કિંગ ગ્રુપ (ECSWG)ની બીજી બેઠક ગ્રીન સીટી ગાંધીનગરમાં 27 માર્ચથી 29 માર્ચ દરમિયાન યોજાશે.
ECSWGની બીજી બેઠકનો શુભારંભ ઉદ્ઘાટન ભારતના G-20 શેરપા શ્રી અમિતાભ કાંત દ્વારા કરવામાં આવશે. 3-દિવસીય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમાં સુશ્રી લીના નંદન, સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય સુશ્રી દેબાશ્રી મુખર્જી, વિશેષ સચિવ, જલશક્તિ મંત્રાલય- જળ સંસાધન, શ્રી સી.પી. ગોયલ,મહાનિદેશક વન અને વિશેષ સચિવ, શ્રી બિવાશ રંજન, અધિક મહાનિદેશક, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય(MoEFCC), સુશ્રી રિચા શર્મા, અધિક સચિવ, MoEFCC ડૉ. એમ. રવિચંદ્રન, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES); શ્રી નરેશ પાલ ગંગવાર, અધિક સચિવ, MoEFCC; ડૉ. પૂર્વજા રામચંદ્રન, ડાયરેક્ટર, નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ(NCSCM); શ્રી જી અશોક કુમાર, ડીજી, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG); શ્રી કુશવિન્દર વોહરા, અધ્યક્ષ, સેન્ટ્રલ વોટર કમિશન (CWC) તેમજ શ્રી વિકાસ શીલ, AS અને MD, JJM DoDW&S સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. ટ્રોઇકા (ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ), યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેસર્ટિફિકેશન (UNCCD), ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર (IUCN), ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE), નેશનલ સેન્ટર ફોર સસ્ટે નેબલ કોસ્ટલ મેનેજમેન્ટ (NCSCM), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) ના પ્રતિનિધિ ઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં ભારત અને આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, કોરિયા, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા તુર્કીયે, યુનાઇટેડ કિંગડમ, યુએસએ, બાંગ્લાદેશ, ડેનમાર્ક, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઇ સહિત લગભગ 30 દેશોના પ્રતિનિધિ મંડળની ભાગીદારી જોવા મળશે. ક્લાઇમેટ એન્ડ ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇનિશિયેટિવ (CDRI), ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA), યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), યુનાઇટેડ નેશન્સ એન્વાર્મેન્ટ પ્રોગ્રામ (UNEP), યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેસર્ટિફિકેશન (UNCCD), ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO), યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમમેટ ચેન્જ (UNFCCC) વગેરે જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ પણ ગાંધીનગર ખાતે પર્યાવરણ અને ક્લાયમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની બીજી બેઠકમાં ભાગ લેશે.
27મી માર્ચ 2023ના રોજ યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત ‘જળ સંસાધન વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ’ પર પ્રસ્તુતિઓની શ્રેણી સાથે થશે અને ત્યારબાદ વિવિધ વિષયો પર ચર્ચા થશે. ત્યારબાદ તેમને વિવિધ આકર્ષણોનું સૌંદર્ય માણવા અને ઐતિહાસિક ધરોહરથી રૂબરુ કરાવવા માટે ઇલેક્ટ્રિક બસમાં વિવિધ સ્થળોએ લઇ જવામાં આવશે. તેઓ પાંચ માળ ઊંડી અડાલજની વાવ, વિશ્વના સૌથી મોટા સાબરમતી કેનાલ સાઇફન અને એસ્કેપ સ્ટ્રક્ચર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વના સૌથી લાંબા રાહદારી માર્ગ અને પ્રતિષ્ઠિત અટલ બ્રિજની સુંદરતાનો અનુભવ કરશે.
ગુજરાત સરકાર અમદાવાદના પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગાલા ડિનર અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરશે. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. સરકાર દ્વારા જી20ના પ્રતિનિધિઓ માટે પુનિત વન ખાતે યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
બીજા દિવસે, એટલે કે 28 માર્ચ, 2023ના રોજ ક્લાઇમેટ અને પર્યાવરણના વિવિધ મુદ્દાઓ પર ટેક્નિકલ સેશન્સ યોજાશે, જેવાં કે:
1) ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2) ભૂગર્ભ જળ વ્યવસ્થાપન 3) જલ જીવન મિશન, સ્વચ્છ ભારત- વોટર સેનિટેશન અને હાયજીન (સ્વચ્છ પાણી અને સ્વચ્છતા)નું સાર્વત્રિકરણ અને તેની અસરો 4) ક્લાઈમેટ ચેન્જ મિટિગેશન (આબોહવા પરિવર્તન શમન) સાથે સંબંધિત જમીન પુનઃસ્થાપન પર પ્રસ્તાવિત ગાંધીનગર ઇમ્પ્લીમેન્ટેશન રોડમેપ (GIR) 5) રિસોર્સ એફિશિયન્સી અને સર્ક્યુલર ઇકોનોમી
છેલ્લા દિવસે એટલે કે 29 માર્ચ, 2023ના રોજ મહાસાગરો, બ્લૂ ઇકોનોમી અને તેને સંબંધિત ક્ષેત્રો પર ટેક્નિકલ સત્રો યોજાશે. વિષય નિષ્ણાંતો તંદુરસ્ત સમુદ્રો માટે કોસ્ટલ અને મરીન ઇકોસિસ્ટમનું રક્ષણ અને સંરક્ષણ, સસ્ટેનેબલ બ્લૂ ઇકોનોમી માટે મરીન સ્પાશિયલ પ્લાનિંગને મુખ્ય પ્રવાહમાં લાવવા, ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક 2022નું અલાઇન્મેન્ટ અને અમલીકરણની પદ્ધતિઓ તેમજ ઇકોસિસ્ટમ આધારિત આબોહવા પરિવર્તન વગેરે પર પ્રેઝન્ટેશન્સ કરશે. વિષય નિષ્ણાતો દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ અનુસાર સક્સેસ સ્ટોરીઝ પણ શેર કરવામાં આવશે.
“જળ સંસાધન વ્યવસ્થાપન” એ આ સત્રોની સર્વોચ્ચ થીમ છે. આ સત્રોમાં ‘બંજર જમીનો અને ઇકોસિસ્ટમ્સની પુનઃસ્થાપના અને જૈવવિવિધતામાં વૃદ્ધિ’; ‘સર્ક્યુલર ઇકોનોમીને મજબૂત કરવી’; ‘કોસ્ટલ સસ્ટેનેબિલિટી સાથે બ્લૂ ઇકોનોમીનું પ્રમોશન’ વગેરેનો સમાવેશ થાય છે. બીજી થીમ છે LiFE (પર્યાવરણ માટે જીવનશૈલી), જે એન્વાયર્મેન્ટ અને ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપનો મુખ્ય હિસ્સો છે અને અન્ય થીમ્સ સાથે સંકલિત થાય છે. વર્કિંગ ગ્રુપની સાઇડ ઇવેન્ટ્સ LiFE ના સિદ્ધાંતોને એકીકૃત કરશે અને પ્રદર્શન એરિયામાં તેના માટે એક સમર્પિત જગ્યા આપવામાં આવશે.
ત્રીજા દિવસે એટલે કે 29 માર્ચ, 2023ના રોજ પ્રતિનિધિમંડળ દાંડી કુટીરની મુલાકાત લેશે, જે મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલું ભારતનું સૌથી મોટું સંગ્રહાલય છે.
કેન્દ્ર સરકારના MoEFCC અને ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા મહાત્મા મંદિર ખાતે વિવિધ થીમ્સ ઉપર બે પેવેલિયન્સ રજૂ કરવામાં આવશે, જેવાં કે, બન્ની ગ્રાસલેન્ડ + ગ્રીનિંગ અરવલ્લી + ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અને પ્રોજેક્ટ લાયન + પ્રોજેક્ટ ડોલ્ફિન + પ્રોજેક્ટ એલિફન્ટ, જે રાજ્યના સંરક્ષણ માટેના પ્રયાસોને દર્શાવશે.આ ઇવેન્ટનો ઉદ્દેશ પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને તેના સંબંધિત ક્ષેત્રોના વિવિધ પાસાઓ પર ત્રણ દિવસ દરમિયાન પ્રસ્તુતિઓ, ચર્ચાઓ અને વિચાર-વિમર્શ બાદ વાતચીત માટે સંભવિત બિલ્ડીંગ બ્લોક્સ વિકસાવવાનો છે.
વધુમાં વાંચો… અગાઉ ટેન્કર યુગના દહાડા વેઠી ચૂકેલી બહેનોના આંગણે છલકાઇ “ ખુશીઓની ગાગર”
૨૨ માર્ચ એટલે ‘‘વિશ્વ જળ દિવસ’’, જેની આ વર્ષની થીમ ‘પરિવર્તનને વેગ’ દ્વારા સ્વચ્છ પાણી ઘરે-ઘરે પહોંચાડવાના પ્રયાસમાં રાજકોટ જિલ્લો સફળ થઈ રહ્યો છે. પૃથ્વી પરના દરેક સજીવ માટે પાણી શ્વાસ ખૂબ મહત્વ ધરાવે છે ત્યારે આ ‘‘વિશ્વ જળ દિવસ’’ બામણબોર અને તેની આસપાસના ગુંદાળા, નવાગામ, ગારીડા અને જીવાપર ગામો માટે લાપશીના આંધણ લાવ્યું છે.
રાજકોટ જિલ્લાનો બામણબોર તેમજ આસપાસનો વિસ્તાર ભૌગોલિક રીતે ઊંધી રકાબી જેવો છે. જેના કારણે અહીંના લોકો વર્ષોથી પાણી માટે હાલાકી વેઠતા હતા. જો કે હવે અહીંના નાગરિકોને પાણી બાબતે હાશ છે. ઘર ત્યાં નળ અને જળ પહોંચાડવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈને દેશમાં જળક્રાંતિ શરૂ કરી છે, અને ગુજરાતની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે તેનો અસરકારક અમલ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતાના લીધે આજે અહીં નળમાં જળ વહેતા થયા છે, જેના કારણે અહીંના બેડાઓમાં પાણી જ નહીં, પણ બહેનોના ચહેરા પર ખુશી છલકાઈ રહી છે અને હૈયે ટાઢક વળી છે.
બામણબોર ૧-૨, ગુંદાળા, નવાગામ, ગારીડા અને જીવાપર ગામો ૬૫૦૦થી વધુની વસ્તી ધરાવે છે. આઝાદી બાદ હાલ સુધી સતત ટેન્કરોથી પાણી મેળવતા આ ગામોને હવે ઘરે ઘરે જળ મળી રહ્યું છે. બામણબોર અને તેની આસપાસના આ ચાર ગામો અગાઉ ચોટીલા તાલુકામાં સમાવિષ્ટ હતા. સરકારની યોજના દ્રારા પાણી પહોંચાડવામાં આવતું હોવા છતાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગામોને પાણી મળતું ન હતું. પોતાના સ્થાનિક સ્ત્રોતોથી ચોમાસા અને શિયાળાના થોડા સમય પાણી મેળવ્યા બાદ બાકીના સમયગાળામાં આ ગામોના નારગિકો વર્ષોથી ટેન્કરો દ્વારા પાણી મેળવતા હતા. પરંતુ હવે આ પાંચ ગામોનો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરી રાજકોટના પાણી પુરવઠા વિભાગ દ્વારા તેમને જૂથ યોજનાથી જોડી અને વાસ્મોની નલ સે જલ યોજના દ્વારા ઘરે- ઘરે પાણી પહોંચાડી આ સમસ્યાનો અંત લાવવામાં આવ્યો છે.
જનજીવનને સૌથી આવશ્યક વસ્તુ પાણીના વિકટ પ્રશ્નને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવારવામાં આવ્યું છે. દરેક ગામમાં મોટો સંપ, તેને અનુલક્ષીને નવી લાઈન નાખી પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પાંચ ગામોને મચ્છુ ડેમ આધારિત જૂથ યોજનામાં જોડવામાં આવ્યા છે. દરેક ગામમાં બે વખત સંપ ભરી પાણી વિતરીત કરવામાં આવી રહ્યું છે.
બામણબોર ગામના પાયલબેન બાવળિયા ઘરે પાણી પહોંચતા હાશકારો વ્યક્ત કરતા જણાવે છે કે, અત્યાર સુધી ગામમાં ટેન્કર આવતા અને ટેન્કરથી ડોલું અને બેડા સારીને ઘરે પાણી ભરવું પડતું. સગર્ભાવસ્થામાં પણ ડોલ સારીને પાણી ઘરે લાવતા પણ હવે આંગણે પાણી પહોંચતા મારા જેવી ગામની બીજી ગર્ભવતી બહેનોને પણ હાશકારો થયો છે. સરકારે અમારી દરકાર લઇ અમારા આંગણે પાણીની રેલમછેલ કરી આપી એ માટે આભારી છીએ.
બામણબોરના પરા વિસ્તારમાં રહેતા માનસીબેન જાપડીયા પણ પોતાના ઘરે પાણી પહોંચતા ખુશી વ્યકત કરતાં કહે છે કે, નળ થી જળ યોજના આવવાના કારણે અમારા પરિવારના દરેકને લાભ થયો છે. પહેલા અમારા આખા દિવસનો સમય પાણી ભરવા અને તેની માટે રાહ જોવામાં નીકળી જતો હતો. પાણીના ટેન્કરો આવતા ત્યારે અમારે લાંબી લાઈનમાં તેની માટે ઉભા રહેવું પડતું અને ઘણીવાર ટેન્કરમાં પાણી ખાલી થતા ખાલી બેડા લઈ પાછું આવવું પડતું. પણ હવે પાણી ઘરે જ પહોંચી ગયું છે. આ કારણે અમે દિવસ દરમ્યાનના રોજિંદા કામ માટે પૂરતો સમય ફાળવી શકીએ છીએ જેમાં વાસીદું, ખેતી જેવા કામો સમયસર પૂર્ણ કરી અમારા બાળકોના ઉછેર તેમજ અભ્યાસ માટે સમય કાઢી શકીએ છીએ.
વધુમાં વાંચો… રાજકોટ જિલ્લામાં ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત ૫૫૮૦ મહિલાઓને બેઝિક અને ૮૩૭ મહિલાને એડવાન્સ સ્વરક્ષણની તાલીમ અપાઇ
પોલીસની કામગીરીમાં જાહેર જનતાનો સહયોગ મળે, જનતા પણ પોલીસ સાથેના વ્યવહારોમાં નિર્ભયતા અનુભવે તેમજ ગુજરાત પોલીસની કામગીરી વધુ કાર્યક્ષમ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બને તે માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગે તા.૨૬.૯.૧૨ થી ‘સુરક્ષા સેતુ’ યોજના અમલી બનાવી છે. ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપવી, બુટલેગર મહિલાઓનું પુનઃ વસન, સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ, ટ્રાફિક નિયમન પ્રોગ્રામ (વિદ્યાર્થી અને જાહેર જનતા), વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત અને કાઉન્સેલીંગનો સમાવેશ થાય છે.
મહિલાઓના સશકિતકરણ માટે ‘સુરક્ષા સેતુ’ સોસાયટી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા અંતર્ગત રાજકોટ ગ્રામ્ય જિલ્લાની શાળાની વિદ્યાર્થિનીઓને અનુ.જન જાતિ, અનુ.જાતિ તથા સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગની મહિલાઓ, શાળા – કોલેજ- સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ, ખેતમજૂરી કરતી ઝૂંપડપટ્ટી તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી તથા અસહાય મહિલાઓને સ્વરક્ષણની અસરકારક અને ગુણવત્તાલક્ષી તાલીમ આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેકટ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહયો છે. તેઓ કહે છે કે ‘સુરક્ષા સેતુ’ પ્રોજેકટ અન્વયે રાજકોટ જિલ્લાની મહિલા ઓ આત્મરક્ષણ માટે સજજ બની રહી છે. આ તાલીમથી તેમના આત્મબળ અને આત્મનિર્ભરતામાં વધારો થયો છે. આ પ્રોજેકટના નોડલ અધિકારી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિંગોળદાન રત્નુના જણાવાયા અનુસાર, સુરક્ષા સેતુ સોસાયટી, રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં ૪૨૨૭ મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. જયારે ૨૦૨૨-૨૩ માં ૫૫૮૦ મહિલાઓને બેઝિક અને ૮૩૭ મહિલાને એડવાન્સ તાલીમ અપાઇ હતી.
રાજકોટ જિલ્લામાં જસદણ, વિછિયા, આટકોટ, ભાડલા, કોટડા સાંગાણીની ૧૮૦૦, ગોંડલ શહેર અને તાલુકા, શાપર, લોધિકા, પડધરીની કુલ ૧૬૮૦ અને જેતપુર સિટિ તથા તાલુકા, વિરપુર, ભાયાવદર, જામકંડોરણા, પાટણવાવ, ઉપલેટા ધોરાજીની ૨૧૦૦ મહિલાઓને તાલીમ અપાઇ હતી.
વધુમાં વાંચો… વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગ ની બેઠક યોજાઈ

સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ગત તા.18/3/2023 અને 19/3/2023 ના રોજ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બે દિવસનો અભ્યાસ વર્ગ ની બેઠક યોજવામાં આવેલ હતી અને આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન જગ્યા ના મહંત પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામા આવેલ હતું.
આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દૂ પરિષદ ના કેન્દ્રીય સંગઠન મંત્રી શ્રી વિનાયકજી દેશપાંડે, કેન્દ્રીય સેવા સંયોજક શ્રી અજયકુમારજી, પ્રાંત પ્રચારકજી RSS ના શ્રી મહેશભાઈ જીવાણી, ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવળ,ક્ષેત્રીય સહમંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્રીય બજરંગ દળ સંયોજક શ્રી ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ પ્રાંત અધ્યક્ષ શ્રી ભરતભાઈ મોદી, સૌરાષ્ટ પ્રાંત મંત્રી શ્રી ભુપતભાઇ ગોવાણી તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલ સહિત આ કાર્યક્રમ મા હાજર રહી વિશ્વ હિન્દૂ પરિષદ , બજરંગ દળ તેમજ આર.એસ.એસ નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો.આ તમામ લોકો જગ્યા મા બે દિવસ દરમિયાન ખુબ સુંદર સરસ પ્રતિકૂળ વાતાવરણ અને આધ્યાત્મિક ભાવ સાથે આનંદ માળેલો હતો.
જગ્યા ની શ્રી બણકલ ગૌશાળા ની શુભેરછા મુલાકાત લીધેલ અને જગ્યા ના અન્નપૂર્ણા ભંડાર ની આધુનિકતા તેમજ તમામ જગ્યાની ચોખાઈ અને જગ્યા ની વ્યવસ્થા ભવ્યતા જોઈ ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો.ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ તેમજ મહંત શ્રી નિર્મળાબા ના આશીર્વાદ પણ લીધા હતા. ( અહેવાલ : કનુભાઈ ખાચર )