સુરત ક્રિકેટ ટુર્નામેન્ટમાં કમિશનર ઇલેવનમાં ૨.૪૧ લાખનો ખર્ચ શંકાના દાયરામાં – ગજેન્દ્રસિંહ ઝાલા

30 Aug 22 : લોક સંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, જાગો ગ્રાહક જાગોના પ્રવીણભાઈ લાખાણી, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3ના દિલીપ ભાઈ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રફુલાબેન ચૌહાણ, લુણાગરિયા ભાવેશભાઈ પટેલ, રાજુ ભાઈ આમરાણીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં દલા તરવાડીની નીતિની જેમ પ્રજાના નાણાંનો બેફામ દુરુપયોગ થાય છે. જે જગ જાહેર છે અને રાજકોટ મહાનગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે તે પણ રાજકોટની જનતા સારી રીતે વાકેફ છે. મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અને એક પણ શાખા દૂધે ધોયેલી નથી શાસકો એ ભૂલી ગયા છે કે લોકશાહીમાં પ્રજા માલિક છે. પ્રજાના નાણાના શાસકો તો ફક્ત ટ્રસ્ટી છે નહીં કે માલિક પરંતુ ટ્રસ્ટી ને બદલે શાસકો માલિક બની પ્રજા વિરોધી નિર્ણયો લઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે.
તા : ૨૪/૦૮/૨૦૨૨ ના સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ દરખાસ્ત તો ફટાફટ મંજુર કરી દેવામાં આવી છે જેમાં દરખાસ્ત નંબર ૩ કમિશનરનો પત્ર નંબર ૧૮૦ તા : ૩૦/૭/૨૨ સુરત ખાતે યોજાયેલ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2022 ના ખર્ચ કમિશનર ઇલેવન નો ૨.૪૧ લાખનો થયેલ ખર્ચમાં અંદાજે એકાદ લાખ કિંમત ના દરેક ખેલાડીના બુટ અને ટ્રેકના થાય છે જે પગલે એક ખેલાડીના ૮૩૩૩ ₹ થાય છે. તદુપરાંત દરખાસ્ત નંબર 5 સેવા સેતુ કાર્યક્રમમાં થયેલ ખર્ચની કમિશનરનો પત્ર નંબર ૧૮૨ તારીખ : ૩૦/૭/૨૦૨૨ નો પત્રમાં પણ તોતિંગ ખર્ચ કરવામાં આવેલ છે. જે પગલે આજે લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ મ્યુનિસિપલ સેક્રેટરી –  મ્યુનિસિપલ કમિશનર પાસે  ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ અને સેવા સેતુ કાર્યક્રમની ખર્ચની તમામ સંપૂર્ણ વિગતો બીલો અને વાઉચરો સાથે આપવા માટે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને રૂબરૂ મુલાકાત લઇ આવેદનપત્ર આપી ખર્ચની વિગતો માંગવામાં આવી છે. અને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જ્યારે ટ્રેક અને બુટમાં જો એક ખેલાડીના ૮૩૩૩ ₹ થતા હોય તો જે સાધનો એક ટુર્નામેન્ટ માટે ખરીદવામાં આવે પછી એ સાધનો રાખી દેવામાં આવે અને બીજી વખત એવી ટુર્નામેન્ટ થતી હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે નવા ખરીદવા જોઈએ ચીવટ અને સંભાળથી મોંઘાદાટ સાધનો ચીવટપૂર્વક રખાવટની જવાબદારી ફિક્સ કરવી જોઈએ જેથી પુનઃ ઉપયોગ થઈ શકે જેથી સરકારનો કરકસરયુક્ત વહીવટ ની અમલવારી પણ થઈ શકે અને પ્રજાના નાણા નો થતો બેફામ દુરુપયોગ અટકે.
અત્યાર સુધીમાં આવી કેટલી ટુર્નામેન્ટો થઈ અને કેટલા સાધનો ખરીદાયા અને એ પછી ક્યાં ગયા ? તેનો ખુલાસો અધિકારી પદાધિકારીઓએ કરવો જોઈએ.
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં પ્રજાના નાણાનો દુરુપયોગ કરનારા વર્તમાન શાસકોને સદબુદ્ધિ આપે એ માટે લોક સંસદ વિચાર મંચ મહાત્મા ગાંધી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો આવા બિનજરૂરી ખર્ચાઓ અને કૌભાંડ ના પ્રશ્ને મૌન ધારણ ન કરે જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં હિંમતપૂર્વક ખુલ્લો વિરોધ કરે અને જ્યાં સાચું થતું હોય ત્યાં પ્રશંસા કરતા અચકાઈ નહીં પ્રજાના પરસેવાની કમાણી માંથી ભરેલા કરવેરાનો સદુપયોગને બદલે દુરુપયોગ કરાશે તો સાખી નહીં લેવાય. રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલ મહાત્મા ગાંધીના મ્યુઝિયમમાંથી શાસકોએ પ્રેરણા લેવાની આવશ્યકતા છે. પ્રજા વિરોધી મનસ્વી રીતે કરવામાં આવતા બેફામ ખર્ચાઓ ની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જ્યારે દરખાસ્ત મંજૂર કરવામાં આવે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આવી દરખાસ્તો અંગે ઊંડો અભ્યાસ કરી વહીવટી મંજૂરી આપવી ન જોઈએ. મ્યુનિ. કમિશનર રાજકોટ મનપા ના વહીવટી વડા છે ત્યારે પ્રજાહિત ને ધ્યાનમાં લઇ બિનજરૂરી અને ખર્ચાળ દરખાસ્તોને વહીવટી મંજૂરી આપવી ન જોઈએ.
ઉલખનીય છે કે રાજકોટમાં અગાઉ તત્કાલીન સમયના મુખ્યમંત્રીના વોર્ડ નંબર ત્રણમાં જામનગર રોડ ખાતેના વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં છાશ પીરસવામાં આવી હતી તે છાશના એક ગ્લાસના ૧૫૩ ₹ જેવી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા બાદ ઉપરોક્ત આગેવાનોએ છાશ કૌભાંડ ઉજાગર કર્યું હતું અને રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓને મફત છાશ પીરસાઈ હતી અને રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ તત્કાલીન સમયના મ્યુનિસિપલ કમિશનરને તત્કાલીન સમયના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીએ છાશનો ગ્લાસ જનરલ બોર્ડ પીવડાવ્યા બાદ ઉગ્ર રજૂઆતો અને કાર્યક્રમોના અંતે કમિશનરે વહીવટી મંજૂરી આપી ન હતી અને છાશનું પેમેન્ટ આજની તારીખે સ્ટોપ પેમેન્ટ થયું છે. તેમ અંતમાં લોક સંસદ વિચાર મંચના આગેવાનોએ જણાવ્યું છે.