
ભારતભરમાં કૃષ્ણજન્મના વધામણા માટે ઉજવાતો જન્માષ્ટમીનો તહેવાર રંગીલા રાજકોટમાં પણ રંગે ચંગે ઉજવવામાં આવે છે. રાજકોટને રોશની અને રંગોથી વધુ રંગીન બનાવતા આ તહેવારમાં રાજકોટનાં ‘‘રસરંગ મેળા’’માં સાંસ્કૃતિક કાર્યક્રમો અન્વયે ગુજરાતભરના વિવિધ લોકનૃત્યોની રજૂઆત કરાશે.
આ રસરંગ મેળામાં ગરબા,અઠંગો, હુડો રાસ, સીદી ધમાલ, તલવાર રાસ, મણિયારો રાસ, ઢાલ અને છત્રી નૃત્ય સહિતની પ્રાચીન ગુજરાતની કૃતિઓની રજૂઆત કરશે. જેમાં ગોવાળીયો રાસ મંડળ દ્વારા ગોફગૂંથન રાસનો સમાવેશ થાય છે. આ રાસ એક વિશેષ પ્રકારનો ઠસ્સો ધરાવે છે. ભગવદ્ ગોમંડળમાં જણાવાયા મુજબ ગોફ એ એક જાતની રાસક્રિયા છે. અઠંગો, દાંડીઓના ખેલની પેઠે ગોફ ગૂંથીને દાંડીઓથી રચવાનો આ પ્રકાર દ્વાપર યુગથી અસ્તિત્વમાં છે.
ભગવાન શ્રીકૃષ્ણની મોરલીના નાદ સાથે ગોપકુમારો તથા ગોપકન્યાઓ ગોફ ગુંથતા હતા. ‘અઠંગા’ અને ‘સોળંગા’ નૃત્ય તરીકે જાણીતું આ નર્તન એક વિશિષ્ટ પ્રકારનો મનોહર ગોપરાસ છે. આથી, ગોફ ગૂંથન રાસ માટે ‘રાસક્રીડા’ શબ્દ પણ પ્રયોજવામાં આવે છે, જેમાં રાસ એટલે દોરી અને ક્રીડા એટલે ખેલ. દોરીથી રમવાનો ખેલ એવો આ રાસનો અર્થ થાય છે. આ નૃત્યમાં વણેલી સુંદર દોરીઓના ગુચ્છ ઉપર છત કે સ્તંભમાં બાંધેલી કડીમાંથી પસાર તેનો એક એક દડો ખેલૈયાઓના હાથમાં અપાય છે .દોરીને જુદા જુદા રંગના કાપડના લાંબા ચીરા લઈને પણ દાંડી રમતાં રમતાં તેનો ગોફ ગૂંથી મહિલાના ચોટલા જેવો આકાર બને છે. ગૂંથણી એ આ નર્તનનું મહત્વનું અંગ છે. આ રાસમાં પ્રારંભે આ નૃત્ય ધીમી ગતિએ ત્યાર બાદ ઝડપથી ચલતી પકડીને વળી પાછી મંદ ગતિ સાધે છે. કેટલીક કોમમાં બેઠા બેઠા અને અંતે સુતા સુતા અઠંગો ગંઠાય છે ત્યારે ગતિ મંદ થાય છે. બેઠક ફૂદડી અને ટપ્પા પણ લેવાય છે. સૌરાષ્ટ્રમાં ભરવાડોનો ‘અઠંગો’ વિશેષ પ્રચલિત છે. ગોફ ગૂંથન સોળંગો રાસ કણબીઓમાં પણ પ્રચલિત છે. રાસમાં કલાધરની છટા,તરલતા,સ્ફૂર્તિ, વીજળીક વેગ અસાધારણ હોય છે.
૨જી સપ્ટેમ્બર – “વિશ્વ નાળિયેરી દિવસ” શ્રીફળ એટલે લક્ષ્મીજીનું શુકનવંતુ ફળ, જે “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે.
સમગ્ર વિશ્વમાં બીજી સપ્ટેમ્બરના રોજ ‘‘વિશ્વ નાળિયેરી દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારે રાજ્યમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગો ના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા ચાલુ વર્ષે જ “ગુજરાત નાળીયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કુલ રૂ. ૪૦૩.૩૦ લાખની જોગવાઇ સાથે નવી યોજના તરીકે આ મિશનને મંજૂરી અપાઈ છે.
આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળીયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના ૭૫ ટકા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી ૨ હપ્તામાં કરવામાં આવશે, ૭૫ ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની ૨૫ ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે.
ગુજરાત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. જેટલો દરિયાકિનારો ધરાવે છે, અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળીયેરીનું ઉત્પાદન વધારે થાય છે. જૂનાગઢમાં રાજયકક્ષાના કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરાઇ છે. જેનાથી નાળિયેરના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. દરિયાકાંઠાના જિલ્લામાં હાલ ૪૫.૬૧ લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જે જેને ધ્યાને રાખી દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર ૨૬ હજાર હેક્ટરથી વધીને ૭૦ થી ૮૦ હજાર હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં નાળિયેરી માટેનું માર્કેટ યાર્ડ એક માત્ર મહુવામાં આવેલુ છે. આ યાર્ડમાં દૈનિક એક લાખ જેટલા નાળિયેર આવતી હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેનશ્રીએ જણાવ્યુ હતું. નાળિયેરમાં હાઇબ્રીડ, નોટણ, બોના, વેકસોટોલ, ઓરેંજ, સિંગાપુરી, ફિલિપાઇન્સ, વેટરનરી ટોલ વગેરે જાતો આવે છે. પાકા નાળિયેરની વિશાળ માર્કેટ મહુવામાં હોવાનું કુષિ વૈજ્ઞાનિક ડો.ગંભીર સિંહ વાળાએ જણાવ્યુ હતું.
ગુજરાતના ૧૪ જિલ્લામાં દરિયાકિનારો છે. જેમાં માંગરોળ,ચોરવાડ, માળીયા, ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન મહત્તમ થાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્ય અને રાજ્ય બહાર નાળીયેરીની માંગ વધી છે, અને સાથે જ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. તથા નાળિયેરના પ્રોસેસીંગ થકી તેનું મૂલ્યવર્ધન કરતા નાળીયેર પાણીનાં ટેટ્રાપેક/બોટલ, નાળીયેર મિલ્ક પાવડર, નાળીયેરી તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ છે.
નાળિયેર ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રણી દેશ છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન ૧૯૨૪.૭ કરોડ ફળનું હતુ. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૩૧ ટકા છે. દેશમાં પ્રતિ હેકટર દીઠ ૯૪૩૦ ફળ થાય છે. દેશમાં નાળિયેરની ખેતી કુલ ૨૧.૧૦ લાખ હેકટર ક્ષેત્રમાં છે. સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર ૨૫ હજાર હેકટર છે જેમાંથી ૨૧૩૧ લાખ નટનું ઉત્પાદન થાય છે. જે પૈકી ૧૫ હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગીર સોમનાથમાં જ છે.
નાળિયેરની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ- ગીર સોમનાથ જિલ્લો પ્રથમ સ્થાને છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો ૬૩૦૦ હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા ૮૫૪૨ છે.
નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી અને લોકજીવનમાં લગ્નગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને “શ્રીફળ” એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે.આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોવાથી તેને “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે.
કચ્છ: માતાના પ્રેમીના પ્રેમમાં પડી દીકરી, ખબર પડતા માતાએ કર્યો વિરોધ તો પ્રેમી સાથે મળી કરી હત્યા, પછી દરિયાકિનારે દફનાવી, ઘટનાએ સૌને હચમચાવ્યા!
ગુજરાતમાં 17 વર્ષની સગીર યુવતીએ 37 વર્ષીય પ્રેમી સાથે મળી પોતાની જ માતાની હત્યા કરી હતી. માતાએ પ્રેમ સંબંધનો વિરોધ કરતા તેણી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. માહિતી મુજબ, પ્રેમીના સંબંધ યુવતીની માતા સાથે પણ હતા. મુંદરાના હમીરમોરા ગામના દરિયાકાંઠેથી અર્ધ દફનાવવામાં આવેલ સડી ગયેલી લાશ મળી આવ્યાના એક મહિના બાદ આ કેસનો કથિત રીતે ઉકેલ આવ્યો હતો.
પોલીસે સગીર યુવતી, તેના પ્રેમી યોગેશ જોતિયાણા (37) અને તેના મિત્ર નારણ જોગી (35)ની ધરપકડ કરી હતી, જેમણે આ ગુનામાં મદદ કરી હતી. તમામ ભુજ નજીકના માધાપર ગામના રહેવાસી છે. એક મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન, પોલીસે વિસ્તારના સ્થાનિકોની મદદ લેવી પડી અને જાહેર સ્થળોએ મૃતક મહિલાના વર્ણનની વિગતો આપતા પેમ્ફલેટ છાપવા પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યા સંપૂર્ણપણે અલગ હતી. સ્થાનિક માછીમારો અથવા પશુપાલકો જેઓ વિસ્તારથી પરિચિત હોય તેવા બહુ ઓછા લોકો અહીં આવે છે. તેથી, તેમાં કોઈ સ્થાનિક વ્યક્તિની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા હતી.
પોલીસે નજીકના ગામડાઓમાં રહેતા લોકોની મદદ લીધી અને કેટલાક બહારના લોકો તાજેતરમાં દરિયા કિનારે અથવા ગામની મુલાકાત લીધી હતી કે કેમ તે જાણવા માટે તેમના બાતમીદારોને સક્રિય કર્યાં હતા. દરમિયાન ખબર પડી કે લગભગ દોઢ મહિના પહેલા ચાર લોકો હમીરમોરા ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. પોલીસે તે દિવસના કોલ ડીટેઈલ રેકોર્ડ્સ મેળવ્યા હતા અને ગુનાના સ્થળની નજીક જોતિયાણાનું લોકેશન શોધી કાઢ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્યાર બાદ પોલીસે તેનું સરનામું મેળવ્યું અને તેની પૂછપરછ માટે અટકાયત કરી હતી, દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે, ત્રણેય આરોપીઓએ મૃતક મહિલા લક્ષ્મીને સામાજિક સમારોહમાં લઈ જઈને મારી નાખવા નું કાવતરું ઘડ્યું હતું. 13 જુલાઈએ જ્યારે તેઓ બંધા હમીરમોરા દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે તક જોઈને એકલતામાં યોગેશે લક્ષ્મીના માથા પર હથિયાર વડે હુમલો કર્યો હતો. તેણીના મૃત્યુ પછી, તેઓએ તેણીના મૃતદેહને એક અલગ જગ્યાએ દફનાવ્યો અને ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ મુજબ, સાત વર્ષ પહેલા મૃતક લક્ષ્મીએ જિતેન્દ્ર ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા અને તેમના બીજા લગ્ન હતા. પ્રથમ લગ્નથી તેણીને એકમાત્ર પુત્રી હતી. જે તેની સાથે માધાપર માં રહેતી હતી. છ મહિના પહેલા લક્ષ્મીના જોતિયાણા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે લક્ષ્મીના પતિને જાણ થતા વારંવાર ઝઘડા થતા હતા. જો કે, તેમ છતાં પ્રેમી જોતિયાણા લક્ષ્મીના ઘરે આવતો હતો. દરમિયાન યોગેશ જોતિયાણાના લક્ષ્મીની દીકરી સાથે પણ પ્રેમસંબંધ બંધાયા હતા. લક્ષ્મીના આ અંગે ખબર પડતા તેણીએ બંને સાથે ઝઘડો કર્યો હતો. આ કારણે તેણીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
‘‘૫ સપ્ટેમ્બર રાષ્ટ્રિય શિક્ષક દિન’’ નિમિત્તે અસાધારણ કાર્ય કરનાર શિક્ષકોની સાફલ્યગાથાની શૃંખલા
વર્ષ ૨૦૨૨નાં શિક્ષકો માટેના રાષ્ટ્રીય પુરસ્કાર માટે દેશભરમાંથી ૪૫ શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિશ્રી દ્વારા વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમાંથી ગુજરાતના એક માત્ર શિક્ષકશ્રી ઉમેશભાઇ ભરતભાઇ વાળાને રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા શિક્ષકો માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉમેશભાઇ વાળા રાજકોટ ના કાલાવડ રોડ ખાતે આવેલ સે. મેરી (ગ્રાન્ટેડ) સ્કુલમાં શિક્ષક તરીકે ફરજો બજાવે છે. અને ગુજરાત બોર્ડ તેમજ NCERTમાં સમાજવિજ્ઞાન અને ગુજરાતી વિષયમાં પેનલિસ્ટ તરિકે પણ સેવા આપી રહ્યાં છે. તેમના વિષયમાં તેમની શાળાનું છેલ્લા ત્રણ વર્ષોથી સો ટકા પરિણામ આવ્યું છે. આ કર્મઠ શિક્ષકે છેલ્લા આઠ વર્ષોથી એક પણ રજા લીધા વગર સતત શિક્ષણ અને સામજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. આ તેમની એક અનેરી વિશિષ્ટતા છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને તો ક્યારેક પ્રકૃતિમાં લઇ જઇને તેઓ વિદ્યાર્થિઓને વધુ અસરકારક રીતે ભણાવે છે.
શાળામાં તેમના શિક્ષણકાર્ય ઉપરાંત દરેકને શિક્ષણ મળે તેવા શુભ હેતુ સાથે તેઓ શિક્ષણવ્યવસ્થાથી વંચિત બાળકોને ભણાવીને સામાજિક કાર્ય કરી રહ્યા છે. સ્કુલમાં બાંધકામ વખતે મજુરોના બાળકોને એક્ટીવીટી દ્વારા ભણાવવાથી શરૂ થયેલ આ પ્રવૃત્તિ તેમણે સતત ચાલુ રાખી અને આગળ વધારી છે. આ બાળકોને શિક્ષણ મળે તે ઉદ્દેશ્ય માટે તેમનું સમર્પણ અસાધારણ છે. તેઓ બાળકોને તેમની વસ્તીમાં જઇને ભણાવે છે. શહેરની ઝુંપડપટ્ટી, ફુટપાથ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ નિયમિતપણે કેમ્પ યોજે છે. તેઓ જણાવે છે કે “ હું પણ ઝુંપડપટ્ટીમાં રહી ચુક્યો છું, આથી મને ખબર છે કે ઝુંપડપટ્ટી, ફુટપાથ પર રહેનારા બાળકોને પણ શિક્ષણ મેળવવું કેટલું જરૂરી છે. આથી, હું મારો સમય આ બાળકો સાથે વિતાવું છું.” ટાઇમ મેનેજમેન્ટ, કઠિન પુરુષાર્થ, વિદ્યાર્થીઓની સંભાળ, અને સામાજિક કાર્ય માટે તેમની પ્રતિબદ્ધતા દ્વારા તેમણે શ્રેષ્ઠ શિક્ષકનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
તેમનું અંગત જીવન પણ એક પ્રેરણાદાયી સફર સમાન છે. તેઓનો પરિવાર ગઢડા(સ્વામિનારાયણ) ખાતે નિવાસ કરતો હતો. માતા, પિતા અને ત્રણ ભાઇઓનો પરિવાર. પિતા મજુરી કામ કરે. તેમના પ્રાથમિક શિક્ષણ બાદ પરિવાર બોટાદ જઇ વસ્યો. ત્યાં પણ પિતા મજૂરી કરે, માતા લોકોના ઘરકામ કરી પૈસા મેળવે અને પુત્રોને ભણવા પ્રેરણા આપે. ઉમેશભાઇ ૯-૧૦ વર્ષની ઉંમરથી ગાજ બટન ઉપરાંત પિતાને મજુરીકામમાં મદદ જેવા કામ કરતાં-કરતાં ભણતાં. દસમું ધોરણ પુરૂ થતાં પરિવારની જરૂરીયાત મુજબ આગળનો અભ્યાસ પડતો મુકવો પડયો. થોડા સમય બાદ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ વિશે ખબર પડતાં આગળ ભણવાનું શરૂ કર્યું. કપરી આર્થિક પરિસ્થિતિ છતાં પિતાએ સંમતિ આપી. ૧૦માં ધોરણમાં શીખેલું ટાઇપિંગ અન્યોને શિખવવાનું કામ વગેરે અનેક પ્રકારના કામો કરીને તેઓ ૧૨ સુધી ભણ્યા. ભાવનગરમાં હીરા પણ ઘસ્યા, પરંતુ હીરા ઘસવાનું યોગ્ય ન લાગતાં આગળ કોલેજ કરવા નક્કી કર્યું. પિતાશ્રીનો સાથ મળ્યો અને કોલેજ કરી સારા પરિણામ સાથે ઉત્તિર્ણ થયા, તે દરમ્યાન પણ કામ કર્યું. કોલેજ પુર્ણ થતાં પ્રાઇવેટ સ્કુલમાં નોકરી, ટ્યુશન ક્લાસ અને કોલેજમાં ભણાવવાનું એમ તમામ કામ કરીને માસ્ટર્સનો અભ્યાસ પણ કર્યો. સરકારી નોકરી મળતાં સુરેન્દ્રનગરમાં એક ગામ ખાતે શિક્ષક બન્યાં. ત્યાંનું સામાજિક વાતાવરણ સારું નહોતું અને ત્યાં અનુકુળ ન આવતાં નોકરી છોડવા વિચાર કરતાં હતાં. એવા સમયે રાજકોટની સે. મેરી સ્કુલ ખાતે નોકરી મળતાં તેમણે શિક્ષણ અને સામાજિક કાર્ય કરવામાં પાછું વાળીને જોયું નથી. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૩૦૦થી વધુ વિડિયોથી યુ ટ્યુબ ચેનલ ‘ઉમેશ વાળા’ દ્વારા તેઓ લાખો વિદ્યાર્થિઓ સુધી પહોંચ્યા. શિક્ષણ સાથે જોડાયેલ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ, મોટીવેશનલ ટ્રેનર, ટીચર્સ ટ્રેનિંગ વગેરે અનેક કાર્યક્ષેત્રોમાં પ્રવેશ્યા અને અનેક રીતે શિક્ષણ અને કેળવણીમાં યોગદાન કરવા બદલ લગભગ ૧૪૦ જેટલી સંસ્થાઓ દ્વારા સન્માન મેળવ્યું. ૨૦૨૦માં રાજ્યપાલશ્રીના હસ્તે ગુજરાતના શિક્ષકો માટેનું રાજ્ય પારિતોષિક પણ મેળવ્યું. મજૂરથી મહાનુભાવ સુધીની તેમની આ સફરમાં અનેક સંઘર્ષો વચ્ચે “કોશિશ કરને વાલો કી કભી હાર નહિં હોતી” કવિતા એક અનેરી ઉર્જા આપનારી હોવાનુ તેઓ જણાવે છે, અને પોતાની સફળતાનો શ્રેય તેમના પિતાશ્રીને આપે છે.
“શિક્ષક કભી સાધારણ નહિં હોતા” વાતને ચરિતાર્થ કરી બતાવનાર ઉમેશભાઇની વાત જાણી તેમની સાથે આપણા તમામના જીવનમાં અતુલ્ય યોગદાન આપનારા અને દેશનું ભવિષ્ય ઘડતર કરનારા તમામ શિક્ષકોને આ શિક્ષક દિને વંદન.
શિક્ષકો માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર શું છે? : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ – શિક્ષણવિદ્ ડૉ. રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ‘‘રાષ્ટ્રીય શિક્ષણ દિન’’ ઉજવવા માં આવે છે. આ દિવસે વિજ્ઞાન ભવન, દિલ્હીમાં યોજાતા શિક્ષણ મંત્રાલય દ્વારા યોજાતા સમારંભમાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા દેશના વિકાસ માટે શિક્ષકોના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરવા માટે ભારતના ચુનંદા શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. દૂરદર્શન અને શિક્ષણ મંત્રાલયની ‘‘સ્વયં પ્રભા’’ ચેનલ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સન્માનમાં રાષ્ટ્રપતિ દ્વારા શિક્ષકને સર્ટીફિકેટ, પચાસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને ચાંદીનો મેડલ આપવામાં આવે છે. ૧૦ વર્ષથી કાર્યરત અને સરકાર દ્વારા અનુદાનિત અથવા સી.બી.એસ.ઈ. કે આઇ.સી.એસ.ઈ. સાથે સંકળાયેલ શિક્ષકો આ એવોર્ડ માટે અરજી કરી શકે છે. જિલ્લા, પ્રદેશ, રાજ્ય કક્ષાની સમિતિઓ દ્વારા પસંદગી પામ્યા બાદ ચુનંદા શિક્ષકોને સ્વતંત્ર રાષ્ટ્રીય કક્ષાના પંચ સામે પ્રેઝન્ટેશન આપવા માટે કેંદ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આમંત્રિત કરવામાં આવે છે અને શિક્ષણ મંત્રાલય દ્વારા મંજુરી મળ્યે તમામ પસંદગી પામેલા શિક્ષકોને ૫ સપ્ટેમ્બરના મુખ્ય સમારોહ માટે આમંત્રિત કરવામાં આવે છે.
‘મોદી હંમેશા ગરીબો વિરુદ્ધ કામ કરે છે’, I.N.D.I.A પ્રેસ કોન્ફરન્સમાં ખડગેએ PM પર નિશાન સાધ્યું
વિરોધ પક્ષોના ગઠબંધન ભારતની ત્રીજી બેઠક આજે મુંબઈમાં સંપન્ન થઈ ગઈ છે. આ બેઠકમાં મહાગઠબંધન માટે કમિટી સહિત અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંગે પત્રકાર પરિષદ દ્વારા માહિતી આપવામાં આવી છે.
સંકલન સમિતિની જાહેરાત : શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે 14 સભ્યોની સંકલન સમિતિના નામોની જાહેરાત કરી – કેસી વેણુગોપાલ (કોંગ્રેસ),શરદ પવાર (NCP), ટીઆર બાલુ (ડીએમકે), હેમંત સોરેન (જેએમએમ), સંજય રાઉત (શિવસેના) ) ઉદ્ધવ જૂથ), તેજસ્વી યાદવ (RJD), અભિષેક બેનર્જી (TMC), રાઘવ ચઢ્ઢા (AAP), જાવેદ અલી ખાન (SP), લાલન સિંહ (JDU), ડી રાજા (CPI), ઓમર અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સ), મહેબૂબા મુફ્તી (PDP), CPI(M)ના વધુ એક સભ્યની પણ જાહેરાત કરવામાં આવશે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે એલાયન્સે દેશભરમાં સંયુક્ત રેલીઓ યોજવાનું નક્કી કર્યું છે. એલાયન્સે જણાવ્યું કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી દેશભરમાં રેલીઓનું આયોજન કરવા માં આવશે. આ સિવાય સીટ વહેંચણી અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- “તમામ પક્ષોએ આ બેઠકનું સારી રીતે આયોજન કર્યું. અગાઉ મારા નિવાસસ્થાને વાતચીત દરમિયાન, ગઠબંધન માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. પટનાની બેઠકમાં એક એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો અને હવે મુંબઈમાં દરેકે દરેકને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે. દરેક વ્યક્તિનું એક જ ધ્યેય છે કે કેવી રીતે બેરોજગારી અને વધતા ઇંધણ અને એલપીજી સિલિન્ડરના ભાવ સામે લડવું.”
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે પહેલા સરકાર વસ્તુઓની કિંમતોમાં વધારો કરે છે અને પછી થોડી ઓછી કરે છે. મોદીજી ક્યારેય ગરીબો માટે કામ નહીં કરી શકે. ખડગેએ કહ્યું કે સરકારે કોઈને પૂછ્યા વગર સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. દેશ ચલાવવાની આ રીત નથી. આપણે ધીમે ધીમે સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છીએ.
શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે ગઠબંધનએ આજે ત્રણ ઠરાવ પસાર કર્યા. એક તો અમે આગામી લોકસભાની ચૂંટણી શક્ય હોય ત્યાં સુધી સાથે મળીને લડવાનો સંકલ્પ કરીએ છીએ. વિવિધ રાજ્યોમાં સીટ શેરિંગ સિસ્ટમ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવામાં આવશે. બીજું, અમે તમામ પક્ષો જાહેર ચિંતા અને મહત્ત્વના મુદ્દાઓ પર દેશના વિવિધ ભાગોમાં વહેલી તકે જાહેર રેલીઓનું આયોજન કરવાનો સંકલ્પ કરીએ છીએ. ત્રીજું, આપણો સંબંધિત સંચાર અને મીડિયા પ્રચાર અને પ્રચાર વિવિધ ભાષાઓમાં ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ થીમ પર કરવામાં આવશે.
મુંબઈમાં આયોજિત ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે આજે જ નક્કી કરવામાં આવ્યું છે કે અમે હવેથી ઝડપથી કામ શરૂ કરીશું. કોઈ જગ્યા નથી, સમય પહેલા પણ ચૂંટણી થઈ શકે છે, તેથી આપણે પણ સજાગ રહેવું પડશે. તેમણે કહ્યું કે આજે નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમે નિયમિત રીતે સ્થળે સ્થળે જઈને અમારું પ્રચાર કાર્ય કરીશું. હવે તમામ પક્ષો એકજૂથ થઈને કામ કરી રહ્યા છે, જેના પરિણામે જે કેન્દ્રમાં છે તે હવે હારી જશે.
પ્રેસ કોન્ફરન્સમાં શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભારત ગઠબંધનની ત્રીજી બેઠક આજે પૂરી થઈ છે. અમે મજબૂત થઈ રહ્યા છીએ. અમે નક્કી કર્યું છે કે આવનારી ચૂંટણી માં અત્યાચાર સામે લડીશું. અમે તમામ ‘જુમલેબાઝ’ સામે લડીશું. અમે ‘મિત્ર-કુટુંબવાદ’ સામે લડીશું. ઉદ્ધવે કહ્યું કે ચૂંટણી સમયે અમે સૌનો સાથ, સૌનો વિકાસનો નારા સાંભળ્યો હતો. પરંતુ ચૂંટણી બાદ સમર્થકોને ફેંકી દેવામાં આવ્યા હતા અને માત્ર મિત્રોનો જ વિકાસ થયો હતો.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ માત્ર 28 પાર્ટીઓનું ગઠબંધન નથી પરંતુ 140 કરોડ ભારતીયોનું ગઠબંધન છે. કેજરીવાલે મોદી સરકારને સ્વતંત્ર ભારતના ઈતિહાસની સૌથી ભ્રષ્ટ અને ઘમંડી સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું કે જે લોકો અહીં આવ્યા છે તે બધા દેશ બચાવવા આવ્યા છે, કોઈ પદ માટે નથી આવ્યું.
ઈન્ડિયા એલાયન્સની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો પાર્ટીઓ આ મંચ પર એક થઈ જાય તો ભાજપ માટે ચૂંટણી જીતવી અશક્ય છે. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે બેઠક વહેંચણી પર ચર્ચા કરવા માટે સંકલન સમિતિની રચના કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે આ ગઠબંધનમાં અસલી કામ એ સંબંધો છે જે આ ગઠબંધનના નેતાઓ વચ્ચે બનેલા છે. તમને જણાવી દઈએ કે I.N.D.I.A એલાયન્સની પ્રેસ કોન્ફરન્સમાં તમામ 28 પાર્ટીઓના નેતાઓ હાજર નથી અને કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે સ્પષ્ટતા પહેલા જ આપી દીધી છે. રમેશે કહ્યું કે આ અંગે કોઈ ગેરસમજ ન થાય તે માટે તેઓ અગાઉથી જણાવી રહ્યા છે કે આયોજકે કહ્યું છે કે કેટલાક નેતાઓની 04:30ની ફ્લાઈટ છે, તેથી તેઓ એરપોર્ટ જવા રવાના થઈ ગયા છે. કોંગ્રેસ સિવાય મહા વિકાસ અઘાડીએ પણ કહ્યું કે I.N.D.I.A એલાયન્સની પ્રેસ કોન્ફરન્સમાં તમામ નેતાઓ હાજર રહેશે નહીં.