27 Aug 22 : રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો વલ્લભભાઈ કથીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે પાટણવાવનો આ ડુંગરએ એક ઐતિહાસિક પવિત્ર ભૂમિ છે જ્યાં માત્રિ માતાજી, ટપકેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં વર્ષોથી પરંપરાગત લોક મેળો ભરાય છે રાજ્ય સરકાર દ્વારા પણ આ ઓસમ્ પર્વતને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે અને લોકો માટે સુવિધા ઉભી થઈ રહી છે

ઉલ્લેખનીય છે કે આ લોકમેળો ગોંડલ રાજ્યના સર ભગવતસિંહજીના સમયથી યોજાતો આવે છે. પહેલાના સમયમાં લોકમેળો ડુંગરની ઉપરના ભાગમાં માત્રિ માતાજીના મંદિર પટાંગણમાં બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના રીત રિવાજો અને સામાજિક પ્રસંગો સાથે યોજાતો હતો. સમયાંતરે આ લોકમેળો ડુંગર તળેટી માં યોજાવવા લાગ્યો. પાટણવાવ ગામમાં આવેલ માતાના મઢથી ધજા યાત્રા વાજતે-ગાજતે ડુંગર ઉપર બિરાજમાન માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે અને ધ્વજારોહણ થી વિધિવત આ ભાદરવી અમાસના લોકમેળાનો પ્રારંભ થાય છે. આ લોકમેળામાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ વગેરે જિલ્લાના લોકો ઓસમ ડુંગરના કુદરતી વાતાવરણમાં માત્રિ માતાજીના સાનિધ્યમાં યોજાતા લોકમેળાને ઉત્સાહપૂર્વક માણે છે. ભાદરવી અમાસ એકમ અને બીજ ના દિવસે બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા માત્રિ માતાજીના હવન પૂજન બાદ આ મેળો સમાપ્ત થાય છે.

પાટણવાવ લોકમેળાનું આયોજન પાટણવાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ જેમાં ૨૩૬ જેટલા પોલીસ જવાન અને ગ્રામરક્ષક જવાનો દ્વારા લોક મેળા માટે બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે તેમ પોલીસ અધિકારી શ્રી વિપુલ કોઠીયાએ જણાવ્યું હતું.

પાટણવાવ ગ્રામ પંચાયત સરપંચશ્રી પ્રવીણ ભાઈ પેથાણીએ લોકમેળા શુભારંભે પધારેલ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારા સભ્ય શ્રી લલીતભાઈ વસોયા, ડો. વલ્લભભાઈ કથીરિયા, મનીષભાઈ ચાંગેલા, કિશોરભાઈ રાઠોડ, વિરલભાઈ પનારા સહિત આગેવાનોને સત્કાર્યા હતા અને માત્રિમાતાના મંદિરના મહંત શ્રી જયવંતપુરી બાપુએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાના મઢ થી ડુંગર ઉપર બિરાજમાન માત્રિમાતાના મંદિરે ધ્વજારોહણ કરાવ્યું હતું.