ગુજરાત વિધાનસભા ચૂંટણી – છેલ્લી 5 ચૂંટણીઓમાં એક તૃતીયાંશ મતદારોએ નથી કર્યું મતદાન

05 Dec 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબકામાં ઘણી જગ્યાઓ પર મતદાન નીરસ રહ્યું હતું. ત્યારે ચૂંટણી પંચે લોકોને અચૂક વોટ આપવાની અપીલ પણ કરી હતી. પ્રથમ તબક્કામાં મતદાન 63 ટકા જેટલું નોંધાયું હતું, જે ગત ચૂંટણી કરતા ઓછું હતું. જેને કારણે રાજકીય પક્ષોની ચિંતા પણ વધી ગઈ હતી. એટલે જ બીજા તબક્કાના મતદાન પહેલા વિજય મેળવવા માટે રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ 3 મોટી રેલીઓ કરી હતી તો ગૃહમંત્રી અમિત શાહે પણ મોટી મોટી રેલીઓ અને સભાઓ કરી હતી. આમ આદમી પાર્ટી માટે અરવિંદ કેજરીવાલ પણ સભાઓ અને રેલીઓ કરી રહ્યા હતા, જયારે કોંગ્રેસ પોતાનો સાઇલેન્ટ પ્રચાર કરી રહી હતી.

આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. કુલ 2.51 કરોડ મતદારો તેમના ભાવિનો નિર્ણય કરશે. જેમાંથી 1.29 કરોડ પુરૂષ મતદારો છે, જ્યારે 1.22 કરોડ મહિલા મતદારો છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે.

કેન્દ્રીય ચૂંટણી પંચનો ડેટા દર્શાવે છે કે કુલ 18,02,51,795 નોંધાયેલા મતદારોમાંથી માત્ર 6,36,42,394 મતદારોએ છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.

આ મુજબ, છેલ્લીઓ પાંચ ચૂંટણીઓમાં સરેરાશ એક તૃતીયાંશ મતદારો એવા રહ્યા જેમણે પોતાનો મત આપ્યો ન હતો. છેલ્લી પાંચ ચૂંટણીઓમાં સરેરાશ 1,27,28,478 લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.

ચૂંટણી પંચના ડેટા મુજબ, છેલ્લી પાંચ ચૂંટણીઓમાંથી, 1998, 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન અધિકારનો ઉપયોગ ન કરનારા મતદારોની સંખ્યા સતત વધી હતી.

2007ની ચૂંટણીમાં સૌથી વધુ 1.47 કરોડથી વધુ મતદારો મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા ન હતા. 2012માં મતદાન ન કરનાર મતદારોની સંખ્યા ઓછી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં ફરી મતદાનથી દૂર રહેતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

ડેટા મુજબ, આ વખતે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 2,53,36,610 છે. વર્ષ 2017માં નોંધાયેલા મતદારોની સંખ્યા માત્ર 1,34,93,330 હતી. આ મુજબ 2017ની વિધાન સભા ચૂંટણીની સરખામણીએ 2022ની ચૂંટણીમાં મતદાતાઓની સંખ્યામાં લગભગ 53 ટકાનો વધારો થયો છે.

બે વાર 60% કરતા ઓછું મતદાન – જણાવી દઈએ કે વર્ષ 2017માં 68.39 ટકા મતદાન થયું હતું, જયારે વર્ષ 2012ની ચૂંટણીમાં 71.30 ટકા મતદાન નોંધાયું હતું. જયારે વર્ષ 2007ની ચૂંટણીમાં 59.77 ટકા મતદાન, વર્ષ 2002માં 61.54 ટકા મતદાન, અને વર્ષ 1998માં 59.30 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે વર્ષ 1998માં અને 2007ની ચૂંટણીમાં 60 ટકા કરતા ઓછું મતદાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here