22 Sep 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો એક પછી એક કાર્યક્રમ કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી પહેલથી જ એક્ટિવ છે ત્યારે આજે કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા પણ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા માં અંબાજીથી ઉમરગામ સુધી લગભગ 1200 કિલોમીટરની પદયાત્રા કરશે.

યુથ કોંગ્રેસની આ યાત્રાને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પ્રસ્થાન કરાવશે. યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા પણ આ યાત્રામાં ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્યમાં મોંઘવારી, રોજગારી, બેકારી સહિતના મુદ્દા પર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

યુથ કોંગ્રેસના કાર્યકરો માં અંબેના દર્શન કરી યાત્રા શરુ કરશે અને ત્યાર બાદ દશેરાના દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને સોમનાથથી સુઈગામની યાત્રા કરશે. આ યાત્રામાં એક બાઈક રેલી, જાહેર સભા અને મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. યુથ કોંગ્રેસની આ રેલી ગુજરાતમાં વધુ ને વધુ મતદારોને રીઝવવા માટે યાત્રા કરી રહ્યા છે.

  • વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ – વિપક્ષના હોબાળા વચ્ચે આજે સરકાર CAG ના અહેવાલ સહિત 3 સુધારા વિધેયક રજૂ કરશે

22 Sep 22 : વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. કેગનો અહેવાલ પણ રજૂ કરાશે. બીજી તરફ કોંગ્રેસ સતત બીજા દિવસે ગૃહમાં હંગામો મચાવી શકે છે. કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી.ચર્ચાના અંતે સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં લવાયેલા જીએસટી સુધારા વિધેયક, ગુજસીટોક સુધારા બિલ અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) સુધારા વિધેયક મંગળવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો,ગુજસીટોકમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને કડક ટીકા કરી હતી. ટીકા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તડાફડી પણ થઇ હતી. વિપક્ષના દરેક સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો ગુજરાત વિધાનસ ભા ગૃહની શરૂઆત તોફાની રીતે થઇ હતી. પ્રથમ દિવસની શરૂઆતમાં જ કર્મચારીઓના મુદ્દે કોંગ્રેસે ગૃહ બહાર અને ગૃહની અંદર સૂત્રોચ્ચાર,બેનર પ્રદર્શિત કરીને વિરોધ વ્યકત કર્યો હતો. અધ્યક્ષે વેલમાં ધસી આવનારા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા, તે પછી વિપક્ષના દરેક સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો. જો કે, તે પછી હાથ ધરાયેલી પ્રક્રિયામાં વિપક્ષે જ ઢોર નિયંત્રણ વિધેયક પાછું ખેંચવું જોઇએ તેવો પ્રસ્તાવ મુકતા મંત્રીએ બિલ પાછું ખેચવા દરખાસ્ત કરી હતી. જે સર્વસંમતિથી ત્વરિત પસાર થઈ હતી.

લાઠી વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સુધારા વિધેયક પર પોતાનો મત રજૂ કરતાં ગૃહમાં કહ્યું હતું કે, યુવા ધન બીજા રવાડે ના ચડે એ માટે આતંકી કાયદા કડક બનાવવા જોઈએ. તપાસ એ થવી જોઈએ કે ડ્રગ્સ ખરીદી કોણ રહ્યાં છે? ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપવા પણ ઠુમ્મરે માગ કરતાં વધુમાં કહ્યું કે, ડ્રગ્સની સ્થિતિ જોવી હોય તો સિંધુ ભવન રોડ પર આવો. તમને જોવા મળશે કે યુવાનો શું કરી રહ્યાં છે ? તેમની કેવી સ્થિતિ છે?કોંગ્રેસના ધારાસભ્યોના મત બાદ ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં NDPS અને પીટ NDPS એક્ટ કડક રીતે અમલી છે. NDPS એક્ટ હેઠળ તો ઓડિશા ની ગેંગની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે તેમ છતાં પણ ડ્રગ્સ માફિયાઓને ગુજસીટોક કાયદા હેઠળ સમાવવા માટે વધારે વિચારણાં કરાશે.