
29 Sep 22 : હૃદયના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, શરૂઆતમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા છેલ્લા ૧૯૯૯ થી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વભરમાં “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવાની જાહેરાત કરી હતી પરંતુ વર્ષ ૨૦૧૪ થી ૨૯ સપ્ટેમ્બરના રોજ “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. વિશ્વ હૃદય દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને તેમના હૃદય પ્રત્યે જાગૃત કરવાનો છે.
હૃદયને લગતાં રોગ, હાર્ટએટેક અંગેની કેટલીક ગેરમાન્યતાઓ અંગેની જાણકારી મેળવીને લોકો વધુ જાગૃત થાય તેમજ આ દિવસની ઉજવણીથી વધુને વધુ લોકો સુધી સચોટ માહિતી પહોંચે તેવા શુભઆશયથી આ વર્ષે “યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ”(Use Heart for Every Heart) ની થીમ ઉપર “વર્લ્ડ હાર્ટ ડે” વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે.
રાજ્યભરમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્ક્સાઈનો પયાર્ય બની ગઈ છે ત્યારે “વર્લ્ડ હાર્ટ ડે” નિમિત્તે રાજકોટ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા જુદા જુદા સ્થળોએ નાગરિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું વિનામુલ્યે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા જરૂરી સુચનાઓ આપી આરોગ્યની જાળવણી વિશે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.
આ તકે રાજકોટ જિલ્લાનાં ઈ.એમ.ઈ. શ્રી વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, વિશ્વમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરમાં થઈ રહેલા સંશોધન અને સર્વે રિપોર્ટ અનુસાર, આજકાલ યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના મહામારીના સમયથી હૃદયના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સિવાય ખોટા આહાર અને જીવનશૈલીને કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થયું છે. આજના ભાગદોડભર્યા જીવનમાં હૃદયને સ્વસ્થ રાખવા અને તંદુરસ્ત જીવનશૈલી માટે રોજિંદા જીવનમાં કાળજી રાખવી જરૂરી છે. હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે.
નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધારતા ખેલાડીઓ
29 Sep 22 : ગુજરાત ખાતે આયોજીત ૩૬ નેશનલ ગેમ્સ અન્વયે અમદાવાદ ખાતે યોજાનારી યોગાસન સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓ ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ ભાગ લઈ રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારશે.
યોગાસનને ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોશિએશને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે સામેલ કરેલ છે. રાજકોટમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. તેવામાં સૌપ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. રમત તરીકે યોગાસન સ્પર્ધાએ યોગ માટેની જાગૃતતા લાવશે. પરિણાામ સ્વરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થ ભારત મિશનને વેગ મળશે.
આ યોગાસન સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિ કરતાં ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પમાં પંસદગી પામેલ છે. જેઓને સરકારશ્રી તરફથી ટ્રેનીગ માટે દિવ્યાકુમારી (ચીફ કોચ), દિવ્યા પાર્થ પટેલ (કોચ), અમીત ચોકસી (કોચ), દિવ્યેશ રંઘોળીયા (કોચ) દ્વારા ટ્રેનીગ આપવામાં આવી રહી છે. ૩૬ મી નેશનલ ગેમ્સમાં યોગાસન સ્પર્ધા તા.૦૬ થી ૧૧ ઑક્ટોબર ૨૦૨૨ અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાશે, આ ખેલાડીઓ ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.
ઔદ્યોગિક વિસ્તારોમાં મતદાર જાગૃતિ વધારવા ૨૨ ઉદ્યોગકારો સાથે જિલ્લા ચૂંટણી તંત્રના સમજૂતિ કરાર
29 Sep 22 : ‘‘મતદાન એ લોકશાહીની પવિત્ર ફરજ છે’’. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વધુમાં વધુ નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને વિવિધ ઔદ્યોગિક વસાહતોના સંગઠનો વચ્ચે બેઠક યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં, જિલ્લા ચૂંટણી તંત્ર અને ઔદ્યોગિક વસાહતના સંગઠનોના ૨૨ જેટલા ઉદ્યોગો વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. જે અંતર્ગત મતદાર યાદીમાંથી બાકી રહેલા શ્રમિકોની ૧૦૦ ટકા નોંધણી સુનિશ્ચિત કરવા, તેમજ મતદાનના દિવસે મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા, મતદાર જાગૃતિ માટે સ્વીપ એક્ટિવિટીના કાર્યક્રમો કરવા, મતદાર જાગૃતિ ફોરમ રચવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ ઉદ્યોગકારોને મતદાનના દિવસે સવેતન સંપૂર્ણ રજા રાખવા અપીલ કરી હતી. આ સાથે રજાના દિવસે શ્રમિકો મતદાન કરે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.
આ તકે અધિક ચૂંટણી અધિકારી તથા અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે જણાવ્યું હતું કે, ૧૦મી ઑક્ટોબર સુધી સતત સુધારણા કામગીરી ચાલી રહી છે. જ્યારે ‘નો વન લેફ્ટ બિહા ઈન્ડ’ – જે કોઈ મતદાર હજુ નોંધણીમાંથી બાકી છે કે, સ્થળાંતરિત થયા છે, તો તેમની વહેલાસર નોંધણી કરાવી લેવા તેમણે અપીલ કરી હતી. આ નોંધણી રૂબરૂ, તેમજ વેબસાઈટ www.nvsp.in કે ‘વોટર હેલ્પલાઈન’ મોબાઈલ એપથી પણ કરાવી શકાય છે.
તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં મતદાન જરૂરી છે. મતદારો પોતાના આત્મના અવાજ મુજબ, ગમે તેને મત આપે પરંતુ તેઓ મતદાન કરે તે જરૂરી છે. એથિકલ વોટિંગ વધારવા માટે તેમણે વધુમાં વધુ મતદાર જાગૃતિના પ્રયાસો કરવા પર ભાર મુક્યો હતો.
આ બેઠકમાં રાજકોટ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગોના સંગઠનોના પ્રતિનિધિઓ, ચૂંટણી શાખાના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.