ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

11 Sep 22 : વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.

ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહે ભક્તિ,ભવ્યતા અને દિવ્યતા ના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રી એ પ્રાર્થના કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રીએ સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.

ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહા રૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો.

મારુતિ હાટ તથા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૦૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે મારુતિ નું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦x૧૦ ફૂટની ૨૬૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે.

આ દુકાનો હોકર્સને મળવાથી ૨૦૨ પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.

કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નેશનલ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર,જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, સોમનાથ મંદિર ટ્રસ્ટી જે.ડી. પરમાર, પી.કે લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તેમજ પદા ધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.