ગૃહમંત્રી અમિત શાહે 100 કરોડ કોરોના રસીઓની સિદ્ધિને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી

21 Oct 2021 : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની 100 કરોડ કોરોના રસીઓની સિદ્ધિ હાંસલ કરવાને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા આ પ્રસંગે સમગ્ર રાષ્ટ્રને અભિનંદન આપ્યા છે.

શ્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, “ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ! આજે, ભારતે 100 કરોડથી વધુ કોરોના વેક્સિન લગાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરીને શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ અને સતત પ્રોત્સાહનથી ભારતે એક રેકોર્ડ બનાવ્યો છે, જેણે સમગ્ર વિશ્વને નવા ભારતની અપાર સંભાવનાઓથી ફરીથી પરિચિત કરાવ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આ સિદ્ધિ હાંસલ કરવા બદલ દેશના તમામ વૈજ્ઞાનિકો, સંશોધકો અને આરોગ્ય કર્મચારીઓનો તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “આ ઐતિહાસિક સિદ્ધિ માટે સમગ્ર રાષ્ટ્રને અભિનંદન. હું તમામ વૈજ્ઞાનિકો, સંશોધકો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માનું છું જેમણે ઘણા પડકારોનો સામનો કરીને આ મહાયજ્ઞમાં યોગદાન આપ્યું છે તથા હું મોદીજીને અભિનંદન આપું છું, જે દરેક વ્યક્તિની સલામતી અને સ્વાસ્થ્ય માટે સંકલ્પિત છે.