વડોદરા – સુરસાગર તળાવમાં 111 ફૂટની સુવર્ણજડિત શિવજીની પ્રતિમા પર મધપૂડો…

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સ્થિત 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને રૂ.12 કરોડના ખર્ચે સુવર્ણ જડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે મહાદેવની આ પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે કુલ 17.5 કિલો સોનું વપરાયું હતું. ત્યારે હવે આ પ્રતિમા પર મધમાખીઓએ ઘર બનાવ્યું છે.

જણાવી દઈએ કે,સુરસાગર તળાવમાં સ્થિત 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના ડાબા હાથમાં મધપૂડો જોવા મળ્યો છે. આથી કેટલાક મુલાકાતીઓએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો સામે આવતા તંત્ર સહિત ધારાસભ્ય યોગેશ પટેલ પણ સુરસાગર ખાતે દોડી આવ્યા હતા. આ મામલે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મધપૂડો કેવી રીતે દૂર કરી શકાય તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. પ્રતિમાને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે. જો કે, હાલ શિવજીની સુવર્ણજડિત 111 ફૂટ ઊંચી પ્રતિમા પર મધપૂડા જોઈ લોકો આશ્ચર્ય પામ્યા છે. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મહાદેવની પ્રતિમામાં જે હાથમાં ત્રિશૂલ છે તે હાથમાં જ મધમાખીઓએ મધપૂડો બનાવ્યો છે. હવે આ મધપૂડાને દૂર કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ મધપૂડા દૂર કરતી વખતે પ્રતિમાને કોઈ નુકસાન ન થાય તે બાબતને ધ્યાને લઈ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, આ મધપૂડો શ્રદ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વધુમાં વાંચો… રાજકોટ જિલ્લાના આણંદપર (નવાગામ)ના મોડેલ ઈ-ગ્રામ સેન્ટરની નેત્રદિપક કામગીરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝન મુજબ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગામડાઓ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડાઈ રહ્યા છે. રાજ્યમાં સરકારી સેવાઓના ડિજિટાઈઝેશન થકી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને સરકારી સેવાઓ ઘર-આંગણે સરળતાથી ઉપલબ્ધ થવા લાગી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઈ-ગ્રામ સેન્ટરો થકી નજીવી ફીમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાઓ વિવિધ સેવાઓનો લાભ મેળવી રહ્યા છે. આ દિશામાં રાજકોટ જિલ્લાના આણંદપરમાં આવેલું મોડેલ ઈ-ગ્રામ સેન્ટર નાગરિકલક્ષી સુવિધાઓ માં નેત્રદિપક કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના નેતૃત્વમાં, રાજકોટ તાલુકાના આણંદપર (નવા ગામ)માં મોડેલ ઈ-ગ્રામ સેન્ટર બનાવવામાં આવ્યું છે. પબ્લિક-પ્રાઈવેટ-પાર્ટનરશીપના ધોરણે બનાવાયેલા આ સેન્ટરમાં ત્રણ કોમ્પ્યુટર થકી અનેકવિધ સેવાઓ ગ્રામ્ય નાગરિકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ છે. અહીં વિવિધ સેવાઓ ના ચાર્ટ પણ મુકવામાં આવ્યા છે, તેમજ સેન્ટરમાં આવનારા નાગરિકો માટે પીવાના પાણીની અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતાં રાજકોટ તાલુકા વિકાસ અધિકારીશ્રી નાગાજણ તરખાલાએ જણાવ્યું હતું કે, આ મોડેલ ઈ-ગ્રામ સેન્ટર રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતા સેન્ટરમાં સ્થાન પામે છે. અહીં નજીવી ફીમાં લાઈટબિલ, આવકનું પ્રમાણપત્ર, પી.એમ.જે.એ.વાય., ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ નવા તેમજ અપડેશન, સરકારી સેવાઓની ભરતી વખતે ફોર્મ ભરવા, વેરા વસૂલાત, ૭/૧૨, ૮-અ વગેરેની કામગીરી કરવામાં આવે છે. અહીં સરેરાશ એક માસમાં ચાર હજાર જેટલા લાઇટબિલ ભરાય છે. વેરા વસૂલાત કમ્પ્યુટરાઈઝ પદ્ધતિથી થાય છે. ૬૦૦ જેટલા આધારકાર્ડ અપડેશન તેમજ ૨૦૦૦ જેટલા ૭/૧૨, ૮-અના દાખલા નીકળે છે. ઉપરાંત ૪૦ જેટલા નવા બેન્ક એકાઉન્ટ, ૨૫૦ જેટલા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, ૩૦૦ જેટલા PMJAY કાર્ડ ની કામગીરી થઇ છે. સરકારી ભરતીઓ વખતે ૧૫૦ જેટલા ફોર્મ અહીંથી ભરાય છે. ટેકાના ભાવે ખેતજણસોની ખરીદી વખતે ૫૦૦થી વધુ ખેડૂતોના ફોર્મ અહીંથી ભરાય છે. આસપાસ ના વિસ્તારોના નાગરિકો પણ આ સેન્ટરનો લાભ લે છે. આમ આ મોડેલ ઈ-ગ્રામ સેન્ટર મારફતે અનેક લોકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી નજીવી ફીમાં મળે છે.

વધુમાં વાંચો… જીવન ટુંકાવવા માટે આપઘાતનો પ્રયાસ કરતી પરિણીતામાં જીજીવિષા જગાવતી અભયમ્ ટીમ
ગુજરાતની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલાઓની સલામતીના હેતુસર ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સામાં અભયમ્ ટીમે આપઘાતનો પ્રયાસ કરતી પરિણીતામાં જીજીવિષા જગાવી તેને પુનઃ જીવન તરફ અભિમુખ કરી હતી. રાજકોટના રેસકોર્ષ વિસ્તારમાં ગત તા. ૨૧ મેના રોજ સાંજે એમ મહિલા આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જાગૃત નાગરિકે તેમને બચાવવા માટે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન ઉપર કોલ કર્યો. આ બાબતે જાણ થતા જ અભયમ્ ટીમના કાઉન્સિલર વૈશાલીબેન ચૌહાણ, કોન્સ્ટેબલ સુધાબેન બારૈયા તથા પાઇલોટ ભાવિનભાઈ તાત્કા લિક ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મહિલાએ પોતાના મગજનું સંતુલન ગુમાવેલું હતું. મહિલા પોતાનું માથું દિવાલમાં પછાડતા હતા. તેમજ જીવનથી ખુબ જ હતાશ થયેલા હતા. એવામાં અભયમની ટીમે તેણીને સાંત્વના આપી હતી.

પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે,તેનું પિયર મુંબઈમાં છે અને પિતાની છત્રછાયા ગુમાવેલી છે. તેણી પ્રેમલગ્ન કરીને આઠ વર્ષથી રાજકોટ સાસરે રહેતી હતી. પીડિતાને સંતાન માં પાંચ વર્ષની પુત્રી છે. થોડા સમય સુધી વૈવાહિક જીવન સારું ચાલ્યું પણ ધીરે-ધીરે ઝઘડાઓ થવા લાગ્યા હતા. સાસુ, સસરા અને પતિ સાથે ઘરકંકાસના લીધે પીડિતાનું માનસિક સ્વાસ્થ્ય સારું નહોતું અને તેણીને વારેવારે જીવન ટુંકાવવાના વિચારો આવતા હતા. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, એક મહિના પહેલા સાસરીયા પક્ષમાં ગામડે હવનનો પ્રસંગ હતો. પીડિતા પતિ સાથે હવનમાં બેસવા સહમત નહોતા. ત્યારથી સાસુ અને વહુના સંબંધમાં તણાવ સર્જાતા પરિવારનું વાતાવરણ વધારે કથળ્યું હતું. આમ સમગ્ર બાબતને જાણ્યા બાદ અભયમ્ ટીમે પીડિતાને અમૂલ્ય જીવનના મહત્વ વિશે શાંતિપૂર્વક સમજાવ્યું હતું. ત્યાર બાદ પીડિતાએ વચન આપ્યું કે તેણી કદી પણ આત્મહત્યાનો વિચાર કરશે નહીં. તેમજ જીવન આનંદપૂર્વક તેના પરિવાર સાથે વિતાવશે. ઉપરાંત, અભયમ્ ટીમે સાસુનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે સાસુને પણ પોતાની ભૂલ સમજાઈ અને વહુને ભેટીને માફી માંગી હતી. આમ, ૧૮૧ અભયમ્ ટીમે મહિલાને આત્મહત્યા કરતા અટકાવી, નવજીવન તરફ રાહ ચીંધી હતી. જે બદલ પરિણીતા અને તેના પરિવારજનોએ ટીમનો આભાર માન્યો હતો.

વધુમાં વાંચો… ગાંધીનગર – પ્રેમલગ્ન તૂટતા હોવાના ડરથી હતાશ થઈ બોરિસણાના યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ગાંધીનગરના કલોલ તાલુકાના બોરિસણા ગામમાં એક યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પ્રેમલગ્ન તૂટતા હોવાનું જણાતા યુવકે મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

પ્રાથમિક તપાસ મુજબ, બોરિસણા ગામમાં આવેલી શિવશક્તિ રેસિડેન્સીમાં જૈમિન ગજ્જર માતા-પિતા સાથે રહેતો હતો. 32 વર્ષીય જૈમિન ખાત્રજમાં આવેલી રત્નમણી નામની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કલોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતી 36 વર્ષીય દિનાબા ચાવડા નામની યુવતી સાથે જૈમિનને પ્રેમસંબંધ હોવાએથી બંનેએ સાલ 2021માં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન કર્યાના થોડા દિવસ સુધી બધુ બરાબર ચાલ્યા પછી જૈમિન અને દિનાબા વચ્ચે સામાજિક અને અન્ય બાબતોને લઈને ઝઘડા થવા લાગ્યા હતા. ઘર કંકાસ અને દંપતી વચ્ચે ઝઘડા વધી જતા મહિના પહેલા જ દિનાબા પોતાના પિયરે ગઈ હતી. બંને વચ્ચે મનમુટાવ એટલી હદે વધી ગયો હતો કે વાત છૂટાછેડા સુધી આવી ગઈ હતી. દરમિયાન પ્રેમલગ્ન તૂટતા જણાતા જૈમિન હતાશ થઈ ગયો હતો. દરમિયાન ઘરે રૂમમાં પંખા સાથે દોડી બાંધી જૈમિને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે હાલ કલોલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો… ટાટાના નેટવર્ક પર ચાલશે BSNL 4G, સરકારી કંપનીએ TCSને 15 હજાર કરોડથી વધુનો આપ્યો ઓર્ડર!
દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL વતી, ટાટા ગ્રૂપની ટેક્નોલોજી કંપની TCSની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને સમગ્ર દેશમાં 4G નેટવર્ક સ્થાપિત કરવા માટે રૂ. 15,000 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ટીસીએસ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ટીસીએસની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા 15,000 કરોડ રૂપિયાથી વધુનો એડવાન્સ પરચેઝ ઓર્ડર આપવામાં આવ્યો છે. આ દેશભરમાં 4G નેટવર્ક સેટ કરવા વિશે છે.

સરકારી ટેલિકોમ કંપની પૂરજોશમાં 4G સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. થોડા દિવસો પહેલા, સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણે કહ્યું હતું કે, સરકારે એક લાખ BSNL 4G સાઇટ્સ સ્થાપવા માટે મંજૂરી આપી છે. કામ શરૂ થઈ ગયું છે અને વિવિધ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સરકાર જલ્દી 4G લાવવા માટે કામ કરી રહી છે. BSNL 4G યુઝર્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેના વિલંબ પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે. બીએસએનએલના 4જી નેટવર્કમાં સંપૂર્ણ સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે. તેના મોડા આવવાનું આ પણ એક મુખ્ય કારણ છે. BSNL તેના 4G નેટવર્કને વિસ્તારવા માટે લગભગ રૂ. 30,000 કરોડનું રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આગામી ત્રણ વર્ષમાં બજાર હિસ્સો બમણો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. બીએસએનએલના ચેરમેન અને એમડી પ્રવીણ કુમાર પુરવારે જણાવ્યું હતું કે, કંપનીએ તેનો બજાર હિસ્સો 15થી 20 ટકા વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.

વધુમાં વાંચો… શું તમે વિકેન્ડ મેરેજ વિશે સાંભળ્યું છે? વિશ્વમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે આ ટ્રેન્ડ
લગ્ન વિશે આજ સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે લગ્ન પછી પતિ-પત્ની જીવનભર સાથે રહે છે. આખી દુનિયામાં લગ્નના ઘણા પ્રકારો છે, પરંતુ આજના લાગણીવિહીન વિશ્વમાં, લગ્નનો એક અન્ય પ્રકાર છે જેને વીકએન્ડ મેરેજ કહેવામાં આવે છે. આ લગ્નનો ટ્રેન્ડ તદ્દન નવો છે. આ લગ્ન વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો તમને આ લગ્ન વિશે જણાવીએ.

વિકેન્ડ મેરેજ એ જાપાનમાં સૌથી મોટો ટ્રેન્ડ છે. તેને સેપરેશન મેરેજ પણ કહેવામાં આવે છે. વિકેન્ડ મેરેજ નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. આ લગ્ન કરનારા કપલ્સ માત્ર વીકેન્ડમાં જ એકબીજાને મળે છે. બાકીના દિવસ આ લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે. આ લગ્ન કર્યા પછી, કોઈપણ કપલ એકબીજાના જીવનમાં વધુ દખલ નથી કરતું. આ લગ્ન હેઠળ, યુગલ લગ્ન પછી પણ એક જ ઘરમાં અલગ-અલગ રૂમમાં સૂવે છે. કેટલાક યુગલો અલગ ઘરોમાં રહે છે જ્યારે ઘણા અન્ય શહેરો અને અન્ય સોસાયટીઓમાં રહે છે. આ લગ્નમાં ઘણા યુગલો એક-બે અઠવાડિયા સુધી એકબીજાને મળતા નથી. જાપાનમાં, આ એટલા માટે છે કારણ કે અહીંના લોકો તેમના કામ અને જીવનશૈલી પર એટલા ધ્યાન કેન્દ્રિત કરે છે કે તેઓ તેમની ભાવનાત્મક જરૂરિયાતોને થોડા સમય માટે બાજુ પર રાખે છે. કદાચ આનું જ પરિણામ છે કે આજે જાપાન ટેકનોલોજીની સાથે સાથે નવી વિચારસરણીમાં પણ મોખરે છે. આ પ્રકારના લગ્નમાં, તમે તમારા જીવનસાથી સાથે ફક્ત સપ્તાહના અંતે જ રહો છો,અને બાકીના 5 દિવસ મુક્તપણે જીવન જીવો છો. આ લગ્નમાં તમારે તમારા પાર્ટનર પાસેથી પર્સનલ સ્પેસ માંગવા ની જરૂર નહીં પડે. આ લગ્નમાં, દંપતી તેમની સંપૂર્ણ સ્વતંત્રતા જીવે છે. સપ્તાહના લગ્નમાં તમે તમારી કારકિર્દી અને સંબંધોને સારી રીતે સંભાળી શકશો. અન્ય લગ્નોથી વિપરીત, તમારા પરિવાર અને બાળકોને ઉછેરવા માટે તમારી કારકિર્દી સાથે કોઈ બાંધછોડ કરવાની જરૂર નથી. આ લગ્નમાં પણ અન્ય લગ્નોની જેમ પતિ-પત્ની ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે. કપલ એકબીજા પર આંધળો વિશ્વાસ કરે છે અને સપ્તાહના અંતની દરેક ક્ષણ તેમના પાર્ટનરને સમર્પિત કરે છે. આ લગ્નમાં, દંપતી એકબીજાને ખૂબ માન આપે છે અને સાથે મળીને ભવિષ્ય માટે યોજનાઓ બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here