
આ શબ્દો આજે 912 વર્ષ જૂની યુકેની વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિ. ખાતે ભારતના બ્રિટિશ આધિપત્યમાંથી મળેલી આઝાદીના સ્વાતંત્ર્ય દિને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ત્રિરંગા લઈને બેઠેલી વિશાળ જનમેદની સમક્ષ બોલે, એનું કેવું ઐતિહાસિક મહત્વ હોય એ સમજાય છે ?
જગતના ઇતિહાસની કેટલીક યાદગાર ને નોંધપાત્ર ક્ષણોમાંની એક એવી એક સાકાર થઈ શકે એનું એકમાત્ર કારણ હતું : પ્રિય મોરારિબાપુ !
જી હા, બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકે રાજકારણી તરીકે નહિ પણ એક આસ્થાવાન હિન્દુ સ્વજન તરીકે બાપુની કથામાં ખાસ હાજરી આપી. બાપુ માટે અનહદ ભાવ ધરાવતા લોર્ડ ડોલર પોપટ અને એમના ચિરંજીવી પાવન પોપટ દ્વારા કથાના યજમાન તરીકે એમનું હૂંફાળું સ્વાગત કર્યું એ દૃશ્યોનું મિત્રો સંગ સાક્ષી થવા મળ્યું એની અપાર ધન્યતા.
ઋષિ સુનકે વડાપ્રધાન પછી સનાતન ભારતીય ધર્મની કોઈ આ સ્તરની ઘટનામાં સત્તાવાર હાજરી આપી હોય એવો સંભવત: પ્રથમ પ્રસંગ હતો. બ્રિટિશ લોકશાહી પણ એટલી શિક્ષિત અને પરિપકવ કે વડાપ્રધાન તો એ બન્યા જ, પણ આજે ખુલીને બોલ્યા કે એમના માતાપિતા નાના હતા ત્યારે એમને હિન્દુ મંદિરે લઈ જ્યાં ત્યારે હવન અને પ્રસાદમાં એ કેવી રીતે સેવા આપતા. પછી પણ રાજનીતિમાં સક્રિય થયા પછી દિવાળી ઉજવતા અને અને આજે પણ બ્રિટિશ ડેમોકક્રેટિક વેલ્યુઝ સાથે ભારતના અસલી ઉદાર હિન્દુ સંસ્કારવારસાના મૂલ્યોનું કેવું સામ્ય છે ! સેવા, સમર્પણ અને સમતાભર્યા સ્વીકારનો આપણો બોધ એમના માટે કેટલો માર્ગદર્શક બન્યો છે.
એમણે એમના સુંદર અને આત્મીયતાથી છલકાતા પ્રવચનમાં હોંશથી કહ્યું કે “બાપુના સત્ય, પ્રેમ અને કરુણાના ઉપદેશની વિશ્વને આજે અગાઉ ક્યારેય નહોતી એવી જરૂર છે. બાપુની કથા થકી પ્રસરતી માનવતા અને એમની આ ઉંમરે પણ સ્ફૂર્તિ છે, એ જોઈ પ્રભાવિત અને પ્રેરિત છું. બાપુની પાછળ સોનેરી હનુમાનજી છે તો મારે ત્યાં ઓફિસમાં સોનેરી ગણેશ રાખ્યા છે, જે નાગરિકોને સાંભળવાની એમને પ્રેરણા આપે છે. આફ્રિકાથી અહીં આવીને વસેલા અમારા ભારતીય મૂળના પેરન્ટ્સે જે મૂળિયાનું સિંચન કર્યું, એમાંથી બ્રિટનમાં અમારી પેઢી પ્રગતિ કરી મીઠા ફળ મેળવી શકી. શ્રદ્ધા થકી જ કર્તવ્ય પથ પર ચાલી શકાય છે. મોરારિબાપુ કોઈ સ્વાર્થ વિના અદભુત વૈશ્વિક કામ કરી રહ્યા છે, જે અજોડ છે.”
બાપુએ પણ જનકલ્યાણ માટે એમને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. એમની પ્રગતિ માટે વૈશ્વિક વ્યાસપીઠ પરથી પ્રાર્થના કરી અને ભાવથી એમને હમણાં સમાપ્ત દ્વાદશ જ્યોર્તિલિંગના જળથી અભિષેક કરેલું સોમનાથની પ્રતિકૃતિ સમું શિવલિંગ ભેટ આપ્યું ! ઋષિભાઈએ માનસની પોથીને વંદન કર્યા અને બાપુને શાલ ઓઢાડી તો બાપુએ હસતા મુખે વાત્સલ્યથી એમને પોતે ઓઢેલી કાળી કામળી પહેરાવી દીધી ! ડોલરભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું ને હંમેશ મુજબ પાવને બાપુ સાથે રહી ઋષિં સુનક સાથે સંકલન કર્યું.
મોરારિબાપુ આ છે. અતિ સાદાસરળ હોઈને એમની આ ઊંચાઈ અમુક અબૂધોને કળાતી નથી. એમની વિનમ્રતાથી એ એમની વિશિષ્ટતાને ઢાંકી દે છે. પણ સરકારોથી આગળ એમની ભારતના સનાતન ઈશ્વર પ્રની ફેઈથ શ્રદ્ધાની સરકાર છે. જે સત્ય, પ્રેમ, કરુણાના ત્રિભુવની તલગાજરડી સૂત્રોથી પોપટ પરિવાર કે રમેશભાઈ સચદેવના પરિવાર જેવા અનેક વિદેશમાં રહેતા મૂળ ભારતીય પરિવારોની નવી પેઢીમાં પણ આપણા ઋષિઓનો મૂળ વારસો જાળવે છે. એમને માનવતાના માર્ગે લઈ જઈને આસ્થાથી આનંદ આપે છે. અને એની અસર ટોચની પરદેશી લીડરશિપ સુધી સહજભાવે પહોંચે છે.
કદાચ આ હરિનું હેત જ એમના માટે કે ગાંધીબાપુની જેમ જ ભારત માટે આખું આયખું ઘસાઈ છૂટેલા સાધુને એ જશ મળ્યો કે આઝાદીના અમૃતપર્વ પછીના સ્વાતંત્ર્ય દિને કેમ્બ્રિજ વિધાપીઠ ખાતે વ્યાસપીઠ પર એક સમયે આપણા રાજ કરનાર અંગ્રેજ પ્રજાને આજે દોરતા યુવાન પ્રધાનમંત્રીના નમસ્કાર સાથેનો સ્નેહ મેળવીને, બહાર એમણે ફરકવેલા તિરંગા ધ્વજની પ્રતિષ્ઠા જાળવતા ઇતિહાસને એક અમૃત પળ આપી શકે ! જય સિયારામ ( લેખક : જય વસાવડા )