ઈમરાને ફરી મોદીના કર્યા વખાણ – કહ્યું નવાઝ શરીફની વિદેશમાં અબજોની સંપત્તિ.. ભારતના PMની છે ?

22 Sep 22 : પાકિસ્તાન તહરીક ઈન્સાફ પાર્ટી (PTI)ના વડા ઈમરાન ખાને ભારત અથવા PM મોદીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેઓ ભારતની વિદેશ નીતિ અને અમેરિકા અને રશિયા સાથેના સંબંધો માટે પીએમ મોદીના વખાણ કરી ચૂક્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. આ વખતે તેણે ભ્રષ્ટાચારના મુદ્દે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ અને તેમના પરિવારને ઘેર્યા અને તેમની પર વિદેશમાં અબજોની સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો. એક રેલીમાં ઈમરાને ઉપસ્થિત લોકોને પૂછ્યું કે શું પાડોશી દેશના પીએમ મોદી પાસે વિદેશમાં આટલી સંપત્તિ છે?

ઈમરાન ખાનના આ ભાષણનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઈમરાન ખાને વિદેશમાં રહેતા નવાઝ શરીફ પર આકરા પ્રહારો કર્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની સંપત્તિ દુનિયાના અન્ય કોઈ નેતા પાસે નહીં હોય. શરીફની વિદેશમાં કેટલી સંપત્તિ છે તેનો કોઈ અંદાજો લગાવી શકતું નથી. કોઈ પણ દેશના અગ્રણી નેતા પાસે તેના દેશની બહાર અબજોની સંપત્તિ નથી. ઇમરાને જનતાને સવાલ પૂછતા કહ્યું કે, આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારતની બહાર કેટલી પ્રોપર્ટી છે?

આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન તહરીક ઈન્સાફ પાર્ટી (PTI)ના વડા ઈમરાન ખાને ભારત અથવા PM મોદીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેઓ ભારતની વિદેશ નીતિ અને અમેરિકા અને રશિયા સાથેના સંબંધો માટે પીએમ મોદીના વખાણ કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું હતું કે, ક્વાડનો ભાગ હોવા છતાં, ભારતે યુએસ પર દબાણ જાળવી રાખ્યું હતું અને જનતાને રાહત આપવા માટે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું હતું. ઈમરાને કહ્યું કે તેમની સરકાર પણ દેશની સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી સમાન પ્રયાસો કરી રહી છે. PTIના વડાએ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની નીચી કિંમતો અંગેના અહેવાલને રીટ્વીટ કરતા આ વાત કહી.