આજવા વિસ્તારની એક સોસાયટીમાં એક જ રાતે બે બંધ મકાનના તાળા તૂટ્યા, રોકડ, દાગીના સહિત કુલ 5 લાખથી વધુની મતા ચોરાઈ

File image
File image

વડોદરામાં ફરી એકવાર તસ્કરોનો આતંક જોવા મળ્યો છે.

આજવા રોડ પર આવેલી એક સોસાયટીના બે બંધ મકાનોને નિશાન બનાવી એક મકાનમાંથી રૂ. 5 લાખની અને બીજા મકાનમાંથી રૂ. 25 હજાર અને સોના-ચાંદીના દાગીના સહિતની મતા ચોરી તસ્કરો ફરાર થયા છે.

આ અંગે બાપોદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. આજવા રોડ પર આવેલી રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં આવેલા મકાન નંબર-8માં મૂળ પંચમહાલ જિલ્લાના વતની પ્રવિણભાઇ બાબુભાઇ રાવળ પરિવાર સાથે રહે છે. ગુરુવારે પ્રવિણભાઈ પરિવાર સાથે અન્ય એક કુંટુંબીના ઘરે ગયા હતા. બીજા દિવસે જ્યારે તેઓ પોતાના ઘરે આવ્યા તો જોયું કે મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને સામાન વેર-વિખેર હતો. તિજોરીમાં તપાસ કરતા રૂ. 1 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 5 લાખ ની મતા ચોરાઈ હતી. એજ સોસાયટીના અન્ય એક મકાન નંબર-15માં રહેતા આનંદભાઈ સોલંકી પરિવાર સાથે સુભાનપુરા ગયા હતા. બીજા દિવસે જ્યારે તેઓ પોતાના ઘરે પરત આવ્યા તો જોયું કે મકાનમાં સામાન વેર-વિખેર હતો અને તિજોરીમાંથી રૂ. 25 હજાર રોકડ, સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં મકાન માલિકોએ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

ભાયલીના આંબેડકરનગરમાં મોડી રાતે 9 ફૂટ લાંબી મગરી આવી, વન વિભાગે 1 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યું

વડોદરાના ભાયલી ગામના આંબેડકરનગરમાં મોડી રાત્રે 9 ફૂટ લાંબી એક મગરી લટાર મારવા આવી પહોંચતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વન વિભાગની ટીમને જાણ કરાતા ટીમે એક કલાકની ભારે જહેમત બાદ મગરીનું રેસ્ક્યૂ કર્યું હતું. આંબેડકરનગરની પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર પરિવાર હોવાની આશંકાએ હાલ પણ સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
વિશ્વામિત્રી નદીમાં મગર, મગરી અને બે બચ્ચા હોવાથી ભય. વન વિભાગે જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીમાં એક 11 ફૂટનો મગર, 9 ફૂટની મગરી અને 4થી 5 ફૂટના બે બચ્ચા ફરી રહ્યા છે. આ પરિવાર પૈકી મગરીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 9 ફૂટની મગરીનું રેસ્ક્યૂ કરવા માટે વન વિભાગની ટીમને ભારે જહેમત કરવી પડી હતી. ગામજનોની મદદથી વન વિભાગે ચારે બાજુથી દોરડાથી ગાળીયો કરીને મગરીને કાબૂમાં લીધી હતી. જો કે, મગરીએ પણ બચવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. મગરીના રેસ્ક્યૂને જોવા માટે નગરના લોકોની ભારે ભીડ ઉમટી હતી. ગામના લોકો ભયના ઓથાર હેઠળ. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી મગર પરિવાર ગામમાં આંટાફેરા મારી રહ્યું છે. અવાર-નવાર બે મોટા મગર અને બે બચ્ચા આંબેડકર નગરમાં આવી પહોંચે છે અને ઘરના દરવાજા બહાર બેસી જતા હોવાથી ગામના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જો કે, હાલ મગરીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે મગર અને તેના બે બચ્ચા હાલ પણ પકડથી દૂર છે.

Read more : 5 ઓગસ્ટે રામ મંદિરનો નિર્ણય, 5 ઓગસ્ટે કલમ 370 હટી… હવે 5 ઓગસ્ટે થશે UCC પર નિર્ણય?

ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં ઓફિસ, પાર્કિંગ માટે રૂ.10.37 કરોડ ઉઘરાવી કંપનીમાં જમા ન કરાવી છેતરપિંડી કરતા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે કર્મચારી સામે ફરિયાદ
ગાંધીનગર શહેર નજીક નવી ઓખળ એવી ગિફ્ટ સિટીમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કામ કરતા એક પ્રોજેક્ટ હેડ અને મેનેજરે ગ્રાહકો પાસેથી બુકિંગ અને પાર્કિંગ માટે લીધેલા રૂ. 10.37 કરોડ કંપનીમાં જમા ન કરાવી છેતરપિંડી કરતા ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ડભોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા અહેવાલ મુજબ, ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દિલ્હીની ડબલ્યૂટીસી નોઈડા ડેવલપમેન્ટ પ્રા.લિ.ની બીજી બ્રાન્ચ આવેલી છે. આ કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે કમલેશ ત્રિવેદી અને સિનિયર મેનેજર તરીકે શ્રેણીક જોશી ફરજ બજાવતા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસોના બુકિંગ તેમ જ પાર્કિંગના રૂ. 10.37 કરોડ ગ્રાહકો પાસેથી ઉઘરાવીને આ બંનેએ કંપનીમાં જમા ન કરાવી ઉચાપત કરી હતી.
બંને કર્મચારીઓએ રાજીનામું આપ્યા બાદ હિસાબી તપાસમાં તેમના મસમોટા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે કંપનીના આશિષ ભલ્લાએ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ મામલે પહેલા ગાંધીનગર એલસીબી દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here