23 Sep 22 : કેરેબિયન પ્રીમિયર લીગ 2022 (CPL 2022)માં દરેક મેચનો રોમાંચ પોતાની ચરમ પર જોવા મળી રહ્યો છે. સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ અને ત્રિનબાગો નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં જૂનિયર એબી, બેબી એબીના નામથી જાણીતા ડેવાલ્ડ બ્રેવિસની બોલબાલા રહી છે. દક્ષિણ આફ્રિકાના આ યુવા બેટ્સમેને માત્ર 6 બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી. બેબી એબીની બેટિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

19 વર્ષના બેબી એબીએ માત્ર 6 બોલમાં 5 સિક્સર ફટકારી હતી. આ રીતે તેને 500ના સ્ટ્રાઇક રેટથી 30 રનની ઇનિંગ રમી હતી. બ્રેવિસની આ ઇનિંગ તેની ટીમની જીતનું મોટુ કારણ રહી હતી.

આ મેચમાં સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટીમની શરૂ આત ઘણી ખરાબ રહી હતી. સ્ટાર ઓલ રાઉન્ડર શરફેન રધરફોર્ડ ટીમનો પડકાર લક્ષ્યની નજીક લઇ જઇ રહ્યો હતો. પરંતુ અંતમાં ટીમને કેટલીક એવી ઇનિંગની જરૂર હતી જે બેબી એબીએ રમી હતી. 18 ઓવર પછી જ્યા ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 112 રન હતો ત્યારે 20 ઓવર પછી આ સ્કોર 6 વિકેટના નુકસાન પર 163 રન પહોચ્યા હતા. અંતિમ બે ઓવરમાં સેંટ કિટ્સે 51 રન બનાવ્યા હતા જેમાં 30 રનનું યોગદાન એકલા જૂનિયર એબીએ આપ્યુ હતુ.

ડેવાલ્ડ બ્રેવિસે 19મી ઓવરમાં પહેલા અકીલ હુસૈનના અંતિમ ત્રણ બોલમાં ત્રણ 6 ફટકારી હતી અને પછી અંતિમ ઓવરમાં ડુપાવિલૉનને આડે હાથે લીધો હતો, તેને આ બોલર વિરૂદ્ધ બે સિક્સર ફટકારી હતી. બ્રેવિસ સિવાય શરફેન રધરફોર્ડે 50 બોલમાં 6 ફોર અને 5 સિક્સરની મદદથી 78 રન બનાવ્યા હતા. આ બન્નેની મદદથી તેમની ટીમને 7 રને જીત મળી હતી. મહત્વપૂર્ણ છે કે ડેવાલ્ડ બ્રેવિસને એબી ડી વિલિયર્સની કોપી ગણવામાં આવે છે આઇપીએલમાં તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે.