
03 Oct 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ભાજપ તરફથી મેદાનમાં છે, ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપ માટે એક રાહતના સમાચાર આવી રહ્યા છે. કારણ કે, ચૂંટણી પહેલા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં સત્તાધારી પક્ષને ફરી એકવાર બહુમતી મળતી જોવા મળી રહી છે.
વાસ્તવમાં, સી-વોટર દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં ભાજપને 182 બેઠકો ધરાવતા ગુજરાતમાં 47 ટકા મત મળવાની ધારણા છે. બીજી તરફ કોંગ્રેસને 32 ટકા અને આમ આદમી પાર્ટીને 17 ટકા વોટ મળવાનું અનુમાન છે. જો કે આ સર્વે મુજબ આ વખતે ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર ઓછો થતો જોવા મળી રહ્યો છે. કારણ, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 ટકા વોટ મળ્યા હતા, પરંતુ આ વખતે ઓપિનિયન પોલમાં ભાજપને લગભગ 2 ટકા વોટ ગુમાવવાની આશંકા છે.
બીજી તરફ કોંગ્રેસને ગત વખતે લગભગ 41 ટકા વોટ મળ્યા હતા, જ્યારે આ વખતે 10 ટકા વોટનું નુકસાન થવાનો અંદાજ છે. સીટોની વાત કરીએ તો ઓપિનિયન પોલમાં આ વખતે ભાજપને ધાર મળી શકે છે. આ વખતે ભાજપના ખાતામાં 135થી 143 સીટો આવી શકે છે. જ્યારે 2017ની ચૂંટણીમાં પાર્ટીએ 99 બેઠકો જીતી હતી. જો કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સીટો ગુમાવી શકે છે. અનુમાન મુજબ, પાર્ટીને આ વખતે 36 થી 44 બેઠકો મળી શકે છે, જ્યારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં 77 બેઠકો આવી હતી. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો પોલમાં 0-2 સીટો મળી શકે છે. બીજી તરફ અન્યના ખાતામાં 0 2 સીટો પણ આવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યમાં 29 હજારના ખર્ચના તમામ પ્રોજેક્ટની ભેટ આપી હતી. અહીં વડાપ્રધાને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન PMએ ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જેનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને રીઝવવા માટે અનેક બાંહેધરી આપી છે. તેમણે લોકોને મફત વીજળી, પાણી સહિત અનેક વચનો આપ્યા છે. આ સાથે કેજરીવાલે દિલ્હી અને પંજાબની તર્જ પર મફત શિક્ષણ અને સારવારનું વચન પણ આપ્યું છે.