ગુજરાતમાં ચૂંટણીપંચની ટીમે કર્યું તૈયારીઓનું નિરીક્ષણ, આ મુદ્દાઓ પર કરી વાત

19 Sep 22 : ચૂંટણી પંચની એક ટીમે ગુજરાતની તેની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યમાં આગામી વિધાન સભાની ચૂંટણી પહેલા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. ભાજપ શાસિત ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે ગુજરાતમાં આગામી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદની મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચની ટીમે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી ભારતી સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓ, કમિશનરો અને પોલીસ અધિક્ષકોની હાજરીમાં ચૂંટણી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આ મુદ્દાઓ પર થઈ વાત : સરકારી નિવેદન અનુસાર, તેઓએ મતદાર યાદી અને વિશેષ સારાંશ સુધારણા, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM/VVPAT), મતદાન મથકો પર ન્યૂનતમ સુવિધાઓ, માનવબળ, પરિવહન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, તાલીમ અને ક્ષમતા નિર્માણ સહિત અન્ય મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી. તેમાં જણાવ્યું હતું કે નોડલ અધિકારીઓ અને વિવિધ અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આવકવેરા, એકસાઇઝ ડ્યુટી, ભારતીય રિઝર્વ બેંક, રેવન્યુ ઇન્ટેલિજન્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરે જેવી એજન્સીઓ સામેલ હતી.

રાજ્ય સરકારના ગૃહ, શાળા શિક્ષણ, વીજળી, ટેલિકોમ, માર્ગ અને પરિવહન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, એક સાઇઝ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના સચિવો સાથે પણ બેઠકો યોજવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે બાદમાં, રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે બેઠક યોજીને આગામી ચૂંટણીને સુચારુ રીતે કરાવવાને લાગતા મુદ્દાઓ પર ચર્ચા કરવાની સાથે જ મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), રાજ્ય પોલીસ નોડલ ઓફિસર, DEO, પોલીસ અધિક્ષક અને અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટણી પંચની ટીમમાં વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને નિતેશ વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમાર, વરિષ્ઠ મુખ્ય સચિવ એન એન બુટોલિયા, ડિરેક્ટર્સ યશવેન્દ્ર સિંહ અને દીપાલી મસિરકર, મુખ્ય સચિવ એસબી જોશી, નાયબ સચિવ શુભ્રા સક્સેના અને સંયુક્ત નિયામક અનુજ ચાંડક સામેલ હતા.