03 Sep 22 : ભારતની અર્થવ્યવસ્થા કોરોના રોગચાળાને હરાવીને ઝડપી ગતિએ વિસ્તરી છે. એક અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 13.5 % રહ્યો છે. ત્યારે શુક્રવારે જાહેર કરાયેલ બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ભારતે 2021ના ​​છેલ્લા ક્વાર્ટરમાં બ્રિટનને પાછળ છોડી દીધું છે. ભારત હવે બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

પહેલા 11માં સ્થાને હતું ભારત : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના GDP ડેટા અનુસાર, ભારતે પ્રથમ ક્વાર્ટરમાં ફાયદો કર્યો છે. અમેરિકા અત્યારે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે બીજા નંબરે ચીન પછી જાપાન અને જર્મની આવે છે. એક દાયકા પહેલા ભારત આ યાદીમાં 11મા નંબરે અને બ્રિટન પાંચમા નંબરે હતું. ભારતે બીજી વખત આ કારનામું કર્યું છે. અગાઉ 2019માં પણ બ્રિટન છઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયું હતું.

માર્ચ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર હતું : ભારતે હાલમાં જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. આ હિસાબે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર 13.5 % હતો, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે. રોકડના સંદર્ભમાં, માર્ચ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર હતું, જ્યારે યુકેનું અર્થતંત્ર 816 બિલિયન ડોલર હતું.

યુકે GDP 3.19 ટ્રિલિયન ડોલર : બ્રિટનની GDP 3.19 ટ્રિલિયન ડોલર છે. 7 %ના અંદાજિત વૃદ્ધિ દર સાથે, ભારત આ વર્ષે પણ વાર્ષિક ધોરણે યુકેને પાછળ છોડી દે તેવી શક્યતા છે.

ભારતના વિકાસની નજીક પણ નથી ચીન : ભારતના વિકાસ દરની વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં બીજા સ્થાને રહેલું ચીન તેની આસપાસ પણ નથી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 0.4 % રહ્યો છે. ત્યારે અન્ય ઘણા અંદાજો સૂચવે છે કે વાર્ષિક ધોરણે પણ, ચીન ભારતની તુલનામાં પાછળ રહી શકે છે.