ભારતીય-અમેરિકન ડૉક્ટરે સારવાર માટે લખી પ્રતિબંધિત નશીલી દવાઓ, થશે 20 વર્ષની જેલ!

કેલિફોર્નિયામાં એક 76 વર્ષીય ભારતીય-અમેરિકન ડૉક્ટરને સારવાર માટે પ્રતિબંધિત દવાઓ સૂચવવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ડૉક્ટરે પોતે સ્વીકાર કર્યું છે કે તેણે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ઓપિયોઇડ્સ સહિત અન્ય દવાઓ લખી હતી. યુએસ એટર્ની ફિલિપ એ. ટાલ્બર્ટના જણાવ્યા અનુસાર, મોડેસ્ટોના સ્વતંત્ર ચોપરાને ગયા બુધવારે પ્રતિબંધિત ઓપિયોઇડ્સ અને અન્ય દવાઓ સૂચવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમની સામે ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા, જે તેમણે સ્વીકારી લીધા છે. કહેવામાં આવ્યું કે તેમની પ્રેક્ટિસ દરમિયાન, તેમણે દર્દીઓને એવી દવાઓ લખી હતી જેના પર પ્રતિબંધ લાગ્યો હતો. ફિલિપ એ. ટોલબર્ટના મતે, આ દવાઓ અત્યંત વ્યસનકારક છે. તેઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા નથી. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (ન્યુરો સિસ્ટમ)ને અસર કરતી આ દવાઓ તબીબી રીતે જરૂરી હોય તો જ આપી શકાય છે. પરંતુ ચોપરા તે પોતાની મરજીથી દર્દીઓને આપતા હતા.

જણાવી દઈએ કે આ દવાઓ અફીણમાંથી બને છે. આનાથી નશાની આદત લાગી શકે છે. સામાન્ય રીતે લોકો તેનો દુરુપયોગ કરે છે. તેથી, આ દવાઓ દર્દીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ સૂચવી શકાય છે. અધિકારીએ કહ્યું કે ચોપરાએ 2020માં તેમનું મેડિકલ લાઇસન્સ સરેન્ડર કરી દીધું હતું કારણ કે મામલો પેન્ડિંગ હતો. હવે આરોપીને 5 સપ્ટેમ્બરે સજા સંભળાવવાની છે. કેલિફોર્નિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુએસ એટર્ની ઓફિસે જણાવ્યું કે જો તેમને દોષિત ઠેરવવામાં આવે તો તેમને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 1 મિલિ. યુએસ ડોલરનો દંડ પણ લાદવામાં આવી શકે છે. સાથે જ જણાવાયું હતું કે ડોક્ટરનો ગુનો ખૂબ જ ગંભીર છે. આ કેસમાં તેમને સજા થવાની સંભાવના ઘણી વધારે છે. વકીલનું કહેવું છે કે જે દવાઓ પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવી છે તે ખતરનાક હોઈ શકે છે. જો દર્દી લાંબા સમય સુધી તેનું સેવન કરવાનું ચાલુ રાખે છે, તો તેને નુકસાન થવાની સંભાવના ઘણી વધારે છે. આ કારણોસર, સરકાર આ મામલે કડક પગલાં લે છે. એવું કહેવામાં આવ્યું કે આવી બાબતોને લઈને ઘણી ગંભીરતા લેવામાં આવી રહી છે. અમે નથી ઇચ્છતા કે અમારા લોકો ડ્રગ્સના બંધાણી બને. જે કોઈ તેમને આ રીતે નશા તરફ ધકેલે છે તે ગંભીર ગુનો કરે છે.

વધુમાં વાંચો…જેતપુરના ચકચારી કેસમાં શંકાને સ્થાન મળતા નામચીન ગુનેગાર નિખીલ દોંગાને છોડી મૂકવાનો હુકમ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર અને ગુજસી ટોકના ગુનામાં સાબરમતી જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં રહેલા નિખીલ દોંગાને સંડોવતા વનરાજ ધાંધલની હત્યા કેસમા જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટએ નિખિલ દોંગા સહિત ચાર આરોપીને શંકાનો લાભ છોડી મૂક્યાંનો હુકમ કર્યો છે . જ્યારે હત્યામાં સામેલ પાંચમો આરોપી હજુ ફરાર હોવાથી તેને આ ચુકાદાથી અલગ રાખ્યો હતો. 11 નવેમ્બર 2013ના રોજ ગોંડલ શહેરની સોસાયટીના પાર્કિંગમાં રાખેલી એક કારમાંથી જેતપુરના વનરાજ ધાંધલની માથામાં ગોળી ધરબી હત્યા થયેલી લાશ મળી આવી હતી. જેમાં ગોંડલ પોલીસે નિખિલ દોંગા, મહેશ કોલડીયા, જીતેશ વૈષ્ણવ, ચિરાગ ધાનાણી અને નિકુંજ રૈયાણી સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન હત્યા પીઠડિયા ટોલનાકા પાસે થઈ હોવાનું અને હત્યા બાદ ગોંડલ શહેરના હદ વિસ્તારમાં કારમાં લાશ મૂકી દીધાનું ખુલતાં, આ તપાસ વીરપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. તત્કાલીન સમયે હત્યાનો બનાવ સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ ચગ્યો હતો. હત્યાનો ભોગ બનનાર વનરાજ ધાંધલના હત્યારાઓને કડક સજા મળે તે માટે કાઠી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. સરકાર દ્વારા વનરાજભાઈ ની હત્યા કેસને ગંભીરતાલય સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી હતી. આ હત્યામાં પાંચેય આરોપી સમયાંતરે જામીન પર છુટેલા જેમાંથી નિકુંજ રૈયાણી કોર્ટની તારીખમાં પણ આવતો ન હોય તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા ના આધારે આ ચકચારી કેસ જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જ્જ આર.આર. ચૌધરીએ 161 પેઈજનો ચુકાદો આપીને નિખિલ સહિત ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં. જ્યારે નિકુંજ રૈયાળીને ફરાર જાહેર કરી તેને આ ચુકાદામાંથી મુક્ત રાખી તે હાજર થયે તેની સામે કેસ ચાલવાનો ચુકાદો આપ્યો હતો. અસંખ્ય કેસમાં જેલવાસ ભોગવતો નિખિલ દોંગાને હત્યા કેસના ચુકાદાથી રાહત મળી છે..

વધુમાં વાંચો… શેતાનને પણ શરમાવે એવો કિસ્સો: સુરતના ઓપલાડમાં કૌટુંબિક મામાએ જ ભાણેજ યુવતી સાથે

સુરતના ઓપલાડથી એક હચમચાવે એવો બનાવ સામે આવ્યો છે. નરાધમ મામાએ એવું કૃત્ય કર્યું છે, જેણે મામા-ભાણેજના સંબંધોને લાંછન લગાડ્યું છે. પોતે પરિણીત હોવા છતાં ગામમાં જ રહેતી અને કૌટુંબિક ભાણેજ પર નજર બગાડી તેને પ્રેમજાળમાં ફસાવી અને ત્યાર બાદ ફોસલાવી તેણી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે નરાધમ મામાએ ભાણેજ સાથે બળાત્કાર કર્યાં બાદ યુવતીના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી માર માર્યો હતો. યુવતીની તબિયત લથડતા સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના ઓપલાડ તાલુકાના દેલાસા ગામે રહેતો 32 વર્ષીય નિકુંજ પટેલ લુમ્સની ફેક્ટરીમાં સુપર વાઇઝર તરીકે કામ કરે છે. નિકુંજે પ્રેમલગ્ન કર્યા હતા. પોતે પરિણીત હોવા છતાં તેણે ગામમાં જ રહેતી તેની કૌટુંબિક ભાણેજ પર નજર બગાડી હતી. આરોપી મામાએ ભાણેજ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ લગ્ન કરવાની લાલચ આપીને ફેસલાવી વર્ષ 2020માં ભગાડી ગયો હતો. ત્યારે યુવતીના મા-બાપે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપી યુવતીને અલગ-અલગ જગ્યા પર લઇ જઈ ત્રાસ ગુજારતો અને શારીરિક શોષણ કરતા યુવતી પોતાના ગામ દેલાસા પરત આવી હતી, જેની ખાર રાખી આરોપીએ યુવતીને માર મારી તેના ગુતાંગમાં મરચાની ભૂકી નાખતા યુવતીની તબિયત બગડતા તેને સુરત સારવાર માટે ખસેડી હતી. યુવતીને સુરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દીધો છે. હાલ તો આરોપી તેના કારસ્તાનના કારણે જેલની હવા ખાઈ રહ્યો છે. આ નરાધમ યુવાને મામા-ભાણેજના સંબંધો પર લાંછન લગાડ્યું છે. આવા નરાધમોને કાયદો સજા કરશે પણ સમાજ માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છે.

વધુમાં વાંચો… ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં ભરાશે લોકદરબાર, 1 લાખ લોકો બેસી શકે તેવી હશે વ્યવસ્થા
ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં લોકદરબાર ભરાશે. ગુજરાતમાં વિવધ જિલ્લાઓમાં લોકદરબારનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમના કાર્યક્રમોમાં રાજકિય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. અરજી માટે કોઈ દક્ષિણામાં લેવામાં આવશે નહીં. આ સાથે લોકોની અરજીઓના જવાબો પણ આપવામાં આવશે. રાધિકા સેવા સમિતી દ્વારા ગુજરાતમાં આ આયોજન કરવામાં આવ્યું છે. 1 અને 2 જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં થશે કાર્યક્રમ. સુરતમાં 26 – 27 તારીખે કાર્યક્રમ થશે. અમદાવાદમાં 29-30 તારીખે ઘાટલોડીયા માં કાર્યક્રમ. રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિના મુલ્યે તમામ ભક્તો આવી શકશે,સ્થળ પર 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોની અરજી લાગશે તેમના પ્રશ્નોનો જવાબ આપનવામાં આવશે. અમદાવાદમાં કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં 29 અને 30 તારીખે ઘાટલોડીયામાં ચાણક્યપુરી ખાતે લોકદરબારનો કાર્યક્રમ યોજાશે. 1 અને 2 જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં કાર્યક્રમ થશે જ્યારે સુરતમાં 26 ,27 તારીખે કાર્યક્રમ થશે. આ કાર્યક્રમ માં મોટી સંથખ્યામાં લોકો આવશે. ત્યારે રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.

વધુમાં વાંચો… મધર્સ ડે પર જ તરછોડેલી બાળકીએ સારવાર દરમ્યાન દમ તોડયો

મધર્સ ડે પર જ તરછોડેલી બાળકીએ સારવાર દરમ્યાન દમ તોડયો રાજકોટમાં મધર્સ ડે પર જ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આવેલા અનામી પારણામાં કોઈ ત્રણ દિવસની માસુમ બાળકીને તરછોડી ગયું હતું.

તબીબોએ તેની તબિયત નાજુક જણાતા તુરંત એન.આઈ.સી.યુ.માં દાખલ કરી હતી પરંતુ સારવારમાં બાળકીએ દમ તોડ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી તેના વાલી વારસની શોધ કોળા હાથ ધરી છે. આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ત્રણ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં આવેલા કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં રાખેલા અનામી પારણામાં કોઈ અજાણ્યા માત્ર ત્રણ દિવસની માસુમ બાળકીને મૂકી જતા રહ્યા હતા. આ વાત સિક્યુરિટી ગાર્ડ – આયાના ધ્યાને આવતા તુરંત તબીબને જાણ કરવામાં આવી હતી. તબીબોએ તપાસતા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેથી તુરંત તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોના અથાગ પ્રયત્નો છતાં પણ ત્રણ દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડી દીધો હતો. આ અંગે પ્રનગર પોલીસ મથકમાં જાણ થતાં તુરંત તેનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી બાળકીના વાલી વારસની શોધખોળ હાથધરી છે.

વધુમાં વાંચો… સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે પીવાના પાણીની સમસ્યા, જાહેર થયેલી સહાય પેકેજ, જણસ ખરીદી તેમજ રાજ્ય કક્ષાની નિતી વિષયક બાબતોને લઈને પણ આજે સમીક્ષા કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. દર સપ્તાહમાં બુધવારના રોજ કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે યોજવામાં આવે છે. ત્યારે આજે મહત્વાના મુદ્દાને ધ્યાનમાં રાખી કેબિનેટ મળી રહી છે. આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેબિનેટમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં પીવાના પાણીને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સીએમની અધ્યક્ષતામાં જણસીની ખરીદી, પીવાના પાણીને લઈને પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત અગાઉ કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજની ચૂકવણી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. ખેતીમાં બાજરી, રાગી, સહીતની જણસીની ખરીદી પર પણ સમીક્ષા કરવામાં આવશે, આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે. આમ વિવિધ મુદ્દે આજે મળેલી કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.

વધુમાં વાંચો… એર એમ્બ્યુલન્સની સેવા આપનાર ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજય
રાજ્યસરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવા અન્વયે દર્દીને જરૂર પડયે દૂરની કે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે એર એમ્બ્યુલન્સની સેવા પણ શરુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

આ અંગેની વિગતો આપતાં ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં ૭૯ વર્ષીય હેમલતાબેન શાહ સારવાર હેઠળ હતા. ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત વૃધ્ધા દર્દીને વધુ સારવાર અર્થે તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં તેમને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. હતું. ડો. જીતેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ નિમિશ પરમારએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલ થી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, ગુજસેલ અને ઈ.એમ.આર.આઈ.ના સંયુક્ત ઉપક્રમે સરકાર દ્વારા ૨૧ માર્ચ,૨૦૨૨ થી શરૂ થયેલી ૧૦૮ એર એમ્બ્યુલન્સની સેવા અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં હેમલતાબેન સહીત કુલ ૦૩ દર્દીઓ સહીત ગુજરાતમાં ૨૪ થી વધુ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ખાનગી કરતા ૫૦% સસ્તી સરકારી એર એમ્બ્યુલન્સ સેવા અત્યંત ટૂંકા રન-વે પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે. એક ડોક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફ સહીત વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને ઈ.સી.જી. મોનિટર સાથેની જરૂરી તમામ સવલતો સાથેનું આ એમ્બ્યુલન્સ એરક્રાફ્ટ દર્દી જ્યાં હોય ત્યાં તે સ્થાનની શક્ય તેટલી નજીક ઉતરાણ કરવા સક્ષમ છે.

વધુમાં વાંચો… રાજકોટમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ, રેલ્વે અને એઇમ્સના કુલ ૨૦૩ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા
દેશના રેલવે અને કાપડ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની અધ્યક્ષતામાં આજરોજ રાજકોટ ખાતે રોજગાર મેળો યોજાયો હતો, જેમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પોસ્ટ વિભાગના ૧૭૪ અને રેલવે તથા એઈમ્સના ૨૯ મળી કુલ ૨૦૩ ઉમેદવારોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે રોજગાર નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આજે નિમણૂંક પત્ર મેળવ્યા બાદ તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં વડાપ્રધાન મોદીના કાર્યકાળને સફળતાપુર્વક ૯ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી ૧૦ લાખ લોકોને સરકારી નોકરી આપવાની ઘોષણા આજે પરિપૂર્ણ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે આઝાદીના ૭૫ વર્ષના “અમૃત મહોત્સવ”ના સમયકાળમાં ૧૦૦ વર્ષ પછી ભારત કેવું હશે તેનું નિર્માણ કરવાની તક નવનિયુક્ત યુવાઓને તક સાંપડી છે. ત્યારે કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિકતા જેવા ગુણ સાથે નોકરી કરીને નાગરિક કર્તવ્ય નિભાવવું જોઈએ. આ તકે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાના ભાવ સાથે કાર્ય કરવા ઉપરાંત સતત નવું શીખવા અને આવડતને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનું અનેક યુવાનોનું સપનું હોય છે. અહીં ઉપસ્થિત ઉમેદવારોએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. ત્યારે અરજદારો પરેશાન ન થાય અને તેઓની અપેક્ષાઓ પૂર્ણ થાય, તેનું ખાસ ધ્યાન રાખે. તેમજ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી સરકારી નોકરી કરવાની અમૂલ્ય તક દીપાવે. સાંસદ રામભાઈ મોકરીયાએ દેશમાં થઈ રહેલા અવિરત વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો છે. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે અને આગળ પણ રોજગાર મેળા થકી અનેક યુવાઓના સ્વપ્નો સરકાર સાકાર થશે. અમૃત ભારતના નિર્માણમાં દરેક નવનિયુક્ત યુવાઓ પૂરા દિલથી કામ કરે અને દેશની સેવા કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પોસ્ટમાસ્ટર જનરલ બી. એલ. સોનલ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના રોજગાર મેળા નો કાર્યક્રમ તથા શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ તકે ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડી.આર.એમ અનિલકુમાર જૈન, એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. (કર્નલ.) સી.ડી.એસ.કટોચ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પલકબેન ત્રિવેદીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here