રાજકોટ – ચૂંટણી દરમ્યાન ૯ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ, કુલ ૧૨ લાખથી વધુનો દારૂ થયો જપ્ત

24 Nov 22 : વિધાનસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના વડપણ હેઠળ તથા ખાસ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાના નિરીક્ષણમાં પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. શહેરમાં દારૂ, માદક દ્રવ્યો તેમજ રોકડ સહિતની હેરાફેરી રોકવા શહેર ફરતે ૯ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસ દ્વારા ચૂંટણી જાહેર થઈ ત્યારથી એટલે કે ૩ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધીમાં ૨૫૪૪ ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૨૯૨૯ હથિયાર જમા લેવામાં આવ્યા છે. દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં, રૂ.૧૨,૨૩,૪૨૫ની કિંમતનો ૩૭૬૭ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે રૂ.૫૫,૫૯૦ની કિંમતનો ૨,૭૮૦ લીટર દારૂ જપ્ત કર્યો છે. ૩નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધીમાં ૫૮ શખ્શોને તડીપાર કરાયા છે, જ્યારે ૫૭ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. જ્યારે ૯૩૪ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા ૧૦ આરોપી તથા ગંભીર ગુનામાં સંડોવાયેલા ૨૦ આરોપી મળી ૩૦ જેટલા આરોપીને ઝડપી લીધા છે. એન.ડી.પી.એસ. અંતર્ગત પોલીસે આશરે રૂ. ૧,૭૧,૧૦૦ની કિંમતનું ૧૭.૧૧ ગ્રામ મેફી ડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.ચેકપોસ્ટ પર તહેનાત પોલીસ સ્ટાફે દારૂ પીને વાહન ચલાવવાના ગુના અંતર્ગત ૨૮ કેસ કર્યા છે, જ્યારે જાહેરનામા ભંગના ૭૧ કેસ કર્યા છે.આ સમગ્ર કામગીરી આશરે ૧૪,૦૦ જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

વધુમાં વાંચો… સીસીટીવી થી સાવધાન – રાજકોટના ૩૮ સર્કલ પર કેમેરામાં કેદ થયેલ નિયમ ભંગ કરનારાઓને ચૂકવવા પાડયા કુલ ૧.૧૭ લાખ રૂપિયા

કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩૮ સર્કલ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જેમાં છેલ્લા આઠ માસ દરમિયાન ૫૭૭ આસામીઓને નિયમ ભંગ કરવા બદલ ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ઇ-મેમો મવડી ચોકડી ખાતેએથી આપવામાં આવ્યા છે.

જો કે, દંડની રકમ માત્ર ૫૪ વ્યક્તિઓએ જ ભરપાઇ કરી છે. હજુ ૫૨૩ લોકો પાસે દંડ પેટે રૂ.૧.૧૭ લાખ રૂપિયા બાકી નીકળે છે. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ગત ૧-એપ્રિલથી આજ સુધીમાં ૫૭૭ લોકોને ઇ-મેમો ફટકારવામાં આવ્યા છે. જેની દંડની રકમ ૧,૨૮,૮૦૦ રૂપિયા જેવી થવા પામે છે. જે પૈકી છેલ્લા આઠ માસમાં માત્ર ૫૪ વ્યક્તિઓ એ જ દંડની રકમ પેટે રૂ.૧૧,૩૦૦ કોર્પોરેશનની તીજોરીમાં જમા કરાવ્યા છે. સૌથી વધુ ઇ-મેમો મવડી ચોકડી ખાતેથી ઇશ્યૂ કરવામાં આવ્યા છે. અહિંથી કુલ ૩૩૫ ઇ-મેમો આપવામાં આવ્યા છે. જે પૈકી ૩૮ આસામીઓએ દંડની રકમ ભરપાઇ કરી દીધી છે અને હજુ ૨૯૭ લોકો દંડ ભરવા ડોકાયા નથી. બીજા નંબરે પેડક રોડ પર પાણીના ઘોડા પાસેના સર્કલ પાસેથી ૮૩ ઇ-મેમો અને ત્રીજા ક્રમે નાગરિક બેંક ચોક ખાતેથી ઇ-મેમો ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જાહેરમાં કચરો ફેંકવા, પાનની પીચકારી મારવી સહિતના ગુના ઓમાં નાગરિકોને સીસીટીવી કેમેરાની મદદથી ઇ-મેમો ફટકારવામાં આવે છે. જો કે મેમો આપ્યા બાદ કોઇક કડક ઉઘરાણી કરવામાં આવતી નથી. જેના કારણે પેન્ડિંગ રકમનો આંક સતત વધતો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here