09 જાન્યુઆરીએ વડનગર સ્પોર્ટસ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

03 Jan 23 : મહેસાણા જિલ્લામાં આગમી 9 જાન્યુઆરી નાં રોજ પતંગ મહોત્સવ યોજવામાં આવશે મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે 09 જાન્યુઆરી સોમવારના રોજ સવારે 09 કલાકથી આ પતંગ મહોત્સવ ની ઉજવણી શરૂ કરવામાં આવશે જે સાંજે 05 કલાક સુધી સ્પોર્ટસ સંકુલ ખાતે પતંગ મહોત્સવ યોજાનાર છે.

આ પતંગ મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પતંગ બાજો ઉપસ્થિત રહેનાર છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે જેની તૈયારી સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આમંત્રણ કાર્ડ તૈયાર કરવા, તેમજ મુખ્ય ગેઇડ, સ્ટેજ, કાઇસ્ટો માટેના સ્ટોલો,બેરીકેટીંગ,સાઉન્ટ સીસ્ટમ,ફ્લોરીંગ, પાર્કિંગ વ્યવસ્થા સહિતની આનુંષંગિક વ્યવસ્થાઓ સુપેરે થાયે તે અંગે સંબધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્થાનિક એનાઉન્સરની વ્યવસ્થા, કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબની વ્યવસ્થા,ટ્રાફિક નિયમન, કાઇટીસ્ટોનું સ્વાગત સહિતની વિવિધ બાબતો પર ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,વડનગર ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠક્કર સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વાંચો… સાબરકાઠાં જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ નાયલોનચાઈનીઝ પ્લાસ્ટિક બનાવટના માંઝા,પાકા દોરાના ઉત્પાદન,ખરીદ,વેચાણ,સંગ્રહ કે વપરાશ ઉપર

સાબરકાઠાંજિલ્લામાં ચાઈનીઝ તુક્કલ/દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આગામી ૧૪ જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. આ પર્વની અનુલક્ષીને જિલ્લામાં જાહેર માર્ગો રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઈને વ્યક્તિઓમાં જાનનું જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે.આ પર્વના દિવસે શહેરી ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ તથા ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને ખવડાવતા હોય છે. જેના કારણે જાહેર માર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતો હોય છે.ઘણા લોકો પતંગ ઉડાડવા માટે માંઝા અથવા દોરી કે નાયલોન અથવા અન્ય સીન્થેટીક મટીરીયલ અથવા સીન્થેટીક પદાર્થથી કોડેડ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ દોરાઓ એકદમ ધારદાર હોવાના કારણે કોઈ વ્યક્તિને શરીરના કોઈ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર કાપાઓ પડે છે, જેના કારણે શારીરિક ગંભીર ઈજાઓ તેમજ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે.

આ પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઇનીઝ લેન્ટર્સ આકાશમાં ઉડાડવામાં આવતા હોય છે.તુક્કલમાં હલકી ક્વોલિટીની સળગી જાય તેવા વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે. તેમજ સરગતી તુક્કલ ગમે ત્યાં પડવાને કારણે જાન અને સંપત્તિને નુકસાન થાય છે. જેથી ઉપરોક્ત બાબતે સ્કાયલેન્ટર્ન તેમજ ચાઈનીઝ માંઝા/નાયલોન/પ્લાસ્ટિક દોરી, કાચ, મિશ્રિત તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટિંગ કરેલ અને નોન બાયોડીગ્રેડેબલ દોરી તથા પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોગથી મનુષ્ય,પશુ પંખી તેમજ પર્યાવરણને થતા નુકસાન આગજની કે તેવી અન્ય કોઈ દુર્ઘટના ન બને તે સારું આવી બાબતો નિવારવા માટે કેટલાક પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે. જેમાં કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ.રસ્તા ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર.આમ જનતાની ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર. જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ,લાંબી વાંસની પટ્ટીઓ ,લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવી બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા દોડી કરવા ઉપર. રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન/ ઇલેક્ટ્રોનિકના બે તાર ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે.

જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રોનિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર લંગર નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર. પ્લાસ્ટિક.પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિન મટીરીયલ,કાચ પાઉડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી.નાયલોન.ચાઈનીઝ માંઝા પાકા દોરા તથા પ્લાસ્ટિક બનાવટના માંઝા.દોરાના ઉત્પાદન,આયાત,ખરીદ, વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર. ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન, સ્ક્યાય લેન્ટર્નના ઉત્પાદન આયાત,ખરીદ વેચાણ,સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર.ઉડાડવા ઉપર. મેટાલીક બેઝડ થ્રેડસ તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉપયોગ ઉપર.આ હુકમ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા જી.પી.એક્ટ ૧૯૫૧ની કલમ-૧૭૭,૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

વધુમાં વાંચો… રાજકોટના વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં પારિવારિક હૂંફ અને પ્રેમભર્યા વાતાવરણમાં જીવનને ઉત્સાહભેર માણતી ૮૫ પ્રજ્ઞાચક્ષુ બહેનો-દીકરીઓ

આ વાત કદી ના ભુલાય… જમતા પહેલા પ્રભુને યાદ કરાય, આ વાત કદી ના ભુલાય.. રોજ મંદિરે દર્શન કરવા જવાય, આ વાત કદી ના ભુલાય.. આ ગીત ગાતા-ગાતા હીંચકે ઝુલતી સાત વર્ષની અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છે. જ્યારે એવું લાગે કે જીવનમાં અનેક સમસ્યાઓ છે ત્યારે રાજકોટના ઢેબરભાઈ રોડ પર આવેલ વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાતે જઈએ તો ખ્યાલ આવે કે આપણી મુશ્કેલીઓ તો રતિભાર છે. જન્મથી જ જોઈ ન શકતી બાળકીઓ પોતાની ઉણપને અવગણી બ્રેઈલ લિપિના માધ્યમથી કૂણી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહી છે, એટલું જ નહીં સાથેસાથે તેઓમાં ભણાવાતી કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે.

પ્રજ્ઞાચક્ષુને ઉપયોગી બ્રેઈલ લિપિના શોધક લૂઈસ બ્રેઈલના જન્મદિવસ નિમિત્તે તા. ૦૪ જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઈલ ડે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પેટા સંસ્થા યુનેસ્કો દ્વારા ઇન્ટરનેશનલ સ્ક્રીપ્ટ ફોર ધ બ્લાઇન્ડ તરીકે સ્વીકૃત થયેલી બ્રેઈલ લિપિમાં ૬ ટપકાંનો ઉપયોગ કરી ૬૩ પ્રતીકો બનાવાયા છે. જેમાં અંકો, વિરામ ચિન્હો, ગાણિતિક ચિન્હોનો સમાવેશ કરાયો છે. ઉચ્ચારણના આધારે તૈયાર થયેલી બ્રેઈલ લિપિ તમામ ભાષાઓને લખવા અને વાંચવા માટે ઉપયોગી છે.

વ્રજલાલ દુર્લભજીભાઈ પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં નેત્રહીન બહેનોના ઉત્કર્ષ માટે ધો. ૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ, સંમિલિત શિક્ષણ યોજના અંતર્ગત ધો. ૯થી સ્નાતક સુધીનું શિક્ષણ તથા પ્રારંભિકથી વિશારદ સુધી સંગીત શિક્ષણ તેમજ કોમ્પ્યુટર શિક્ષણ તાલીમ અને સેમિનાર, બ્રેઈલ લીપીમાં ગણિતની તાલીમ અપાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટન તેમજ વિવિધ સ્પર્ધાઓ વગેરે જેવી ઈત્તર પ્રવૃતિઓનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવે છે. ખાસ કરીને લાભાર્થી નેત્રહીન બહેનો માટે વિનામૂલ્યે આવાસ અને ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. ઉપરાંત, સંસ્થા તરફથી અંધ મહિલાઓને ધીરાણ, સાધનો મુકવા માટે ઈકવીપમેન્ટ બેંક સહિત રૂ. ૧૫૦૦થી ૩૫૦૦ની શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સાધનો આપવાની સહાય વગેરે પુરા પાડવામાં આવે છે. ગૃહમાં બ્રેઈલ પુસ્તકાલય પણ છે. તેમજ કોમ્પ્યુટરાઈઝડ બ્રેઈલ પ્રોડકશન સેન્ટરમાં નેત્રહીનો માટે ‘સંઘર્ષ’ બ્રેઈલ દ્વિમાસિક પત્રિકા સહિતના બ્રેઈલ સાહિત્યનું નિર્માણ કરવામાં આવે છે, જે ૫૦૦થી વધુ લોકોને સંસ્થા દ્વારા મોકલવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી ગીતાબેન મંકોડી દ્વારા બ્રેઈલ લિપિમાં તૈયાર કરાયેલ “શ્રીમદ્ ભગવદ્ ગીતા” પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ ચિત્રકૂટ, ઉત્તરપ્રદેશ તરફથી ડોક્ટર ઓફ લિટરેચર ઇન ધ ફિલ્ડ ઓફ ડિસેબિલીટીની પદવી પ્રાપ્ત કરેલા ગુજરાતના એકમાત્ર વ્યક્તિ તથા જન્મજાત પ્રજ્ઞાચક્ષુ ધરાવતા સંસ્થાના માનદ મંત્રીશ્રી ડો. પ્રકાશભાઈ મંકોડીએ જણાવ્યું હતું કે આ અંધ મહિલા વિકાસ ગૃહની સ્થાપના સ્વ. સંતોકબેન બેંગાલી દ્વારા પોરબંદરમાં થઈ હતી. પોરબંદર બાદ સોનગઢ અને ત્યારબાદ ઈ.સ. ૧૯૬૦માં રાજકોટ ખાતે સંસ્થાને ખસેડવામાં આવી. તેઓ અંધ મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ગામડે-ગામડે જતા. લોકોને અંધ મહિલા ઓના શિક્ષણ માટે સમજાવતા અને જાગૃત કરતા. સમયની સાથે સરકાર અને શુભેચ્છકોના સહયોગથી સંસ્થા પર લોકોએ વિશ્વાસ મૂક્યો. આથી, આ સંસ્થાએ સામાન્ય લોકો અને દિવ્યાંગો વચ્ચે ભેદભાવ રાખતાં સમાજને સર્વસમાવેશી બનવાનો દૃષ્ટિકોણ સમજાવી જનમાનસ પરિવર્તન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

તેમણે રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહને દિવ્યાંગોની શૈક્ષણિક સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવેલી છે. આ અંધ મહિલા વિકાસ ગૃહના લાભાર્થીઓના નિભાવ માટે રાજ્ય સરકાર દર મહિને લાભાર્થી દીઠ રૂ. ૨૧૬૦ની ગ્રાન્ટ આપે છે. તેમજ સરકાર માન્ય કર્મચારીઓ માટે સો ટકા પગાર ભથ્થાની ગ્રાન્ટ મળે છે. સરકાર દ્વારા દ્રષ્ટિની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના કલ્યાણ અને સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી હાથ ધરવામાં આવતા પ્રયાસો સરાહનીય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંધ મહિલા વિકાસ ગૃહમાં અંધજનોની તકલીફો સમજી ઉકેલ લાવવા સમર્થ હોય, અંધજનોને ઉપયોગી સાધનો ચલાવવાની આવડત હોય, તેવા સ્પેશ્યલી ટ્રેઈન્ડ ટીચર્સ દ્વારા દીકરીઓને ભણાવવામાં આવે છે. એ બાબતનું ખાસ ધ્યાન રખાય છે કે અંધ મહિલાઓને મદદ કરનારાઓ વાસ્તવદર્શી હોય કે જેઓ પરિસ્થિતિની સચોટ અને આબેહૂબ રજૂઆત કરી પ્રજ્ઞાચક્ષુ બહેનો-દીકરીઓના માનસપટલ ઉપર વાસ્તવિક ચિત્ર ઉપસાવી શકે.

તેમણે ઉમેર્યું હતું કે વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહનો મુખ્ય ઉદ્દેશ નેત્રહીન બહેનોને શિક્ષણ અને સંગીતની તાલીમ આપી સ્વાવલંબી બનાવવાનો તેમજ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજની મુખ્યધારામાં સામેલ કરવાનો છે. સંસ્થામાં અંધ બાળકીઓને સૌ પ્રથમ શીખવવામાં આવે છે કે પ્રથમ તેઓ પોતાની શારીરિક તકલીફને સ્વીકારે કારણ કે પીડાને સ્વીકારી લેવાથી માનસિક રાહત મળે છે. ત્યારબાદ મુશ્કેલીને સ્વીકારીને સમાધાન લાવવા પ્રયત્ન કરે. ત્યારબાદ લક્ષ્યાંકોને હાંસલ કરીને જીવનમાં પ્રગતિ કરે અને જે કામ કરો, તે આત્મવિશ્વાસથી કરો.

આ અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈનચાર્જશ્રી કલ્યાણીબેન જોષીએ જણાવ્યું હતું કે સંસ્થામાં ૭ વર્ષથી ૬૫ વર્ષની ઉંમર ધરાવતી દીકરીઓ-બહેનો સુખ, શાંતિ અને સલામતી થી હળીમળીને રહે છે. તેમજ તેઓને પારિવારિક હૂંફ અને પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ગૃહ ખાતે હાલમાં ૮૫ અંધ મહિલાઓ રહે છે, જ્યારે ૧૩ દીકરીઓ માત્ર અભ્યાસ અર્થે આવે છે. અંધ મહિલાઓને સહાયરૂપ બનવા કુલ ૨૧ લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે.

ઈનચાર્જશ્રી કલ્યાણીબેન જોષીએ કહ્યું હતું કે આ સંસ્થામાં રહીને, ભણીગણીને જીવનમાં પગભર બનનાર અંધ મહિલાઓ ‘સંસ્થાનું સંસ્થાને તર્પણ’ની ભાવના સાથે આર્થિક કે અન્ય રીતે યોગદાન આપતા હોય છે તો કોઈ સેવાભાવીઓ અમુક વર્ષ માટે અંધ બાળકીઓને દત્તક લઈ તેની આર્થિક જવાબદારી ઉપાડતા હોય છે. ખાસ કરીને અંધ બાળકીઓને પરીક્ષા સમયે રાઈટરની મદદ મળી જાય તો તેઓ પણ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તેમ છે. જે અંધ વિદ્યાર્થીનીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા ઈચ્છુક હોય, તેઓને સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ છે.

આમ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પાસે આંખ ન હોય પરંતુ તેઓ સ્પર્શ, સુગંધ તથા ધ્વનિની ભાષા જાણે છે. દ્રષ્ટિ વિના પણ ભૌતિક જગતનો અનુભવ થઈ શકે છે તેની સાબીતી વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની બહેનો આપે છે. તેમજ કવિ ભાનુપ્રસાદ પંડયા લિખિત પંક્તિઓને ખરા અર્થમાં સાકાર કરે છે કે..

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી, ટેરવાને તાજી કૈં ફૂટી તે નજરુંના, અનુભવની દુનિયા અમારી!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here