સ્ટાર્ટ અપ અને ઇનોવેશનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા સરકાર પ્રતિબદ્ધ – જગદીશ વિશ્વકર્મા

04 Sep 22 : ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે શનિવારે MSME ચેર, MSME ક્લિનિકનું ગુજરાત રાજ્યના MSME સેક્ટરના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ MSME ચેર અને ક્લિનિક ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી સ્થાપવામાં આવ્યાં છે.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ગુજરાત રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્ટાર્ટ અપ અને ઇનોવેશનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા સરકાર પ્રતિબદ્ધ છે, એવું જણાવી મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું કે MSME ચેર અને MSME કલીનિક થકી સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થી સીધો સરકારનો સંપર્ક કરી શકશે.MSME ચેર અને કલીનિક દ્વારા વિદ્યાર્થીઓને પોતાના આઈડિયા અને ઇનોવેશનને યોગ્ય પ્લૅટફૉર્મ આપવાની તક મળી રહેશે, એમ મંત્રી એ ઉમેર્યું હતું.
મંત્રી એ ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓના MSME પ્રત્યેના વિચારીને જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિદ્યાર્થીઓને MSME અને સ્ટાર્ટ અપ વિશે વાત કરી જેમાં તેમણે iCreate (International Centre for Entrepreneurship and Technology) નો ઉલ્લેખ કર્યો. વર્ષ 2018 iCreate નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યું હતું. iCreate ને ગુજરાત સરકાર દ્વારા આંત્રોપ્રેન્યોરને ફાઇનાન્સ, માર્ગદર્શન અને ટેકનોલોજી પુરી પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે અહીંયા વિદ્યાર્થીઓને મશીન, કાચો માલ વગરે વિષે માર્ગદર્શન આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં મંત્રી એ જણાવ્યું કે, જે સપના તમને ઊંઘવા ના દે તે જ સપના સાચા અને તે જ સપનાને સાચા કરવા માટે ગુજરાત સરકારે આ પ્રકારના iCreate જેવા સેન્ટર ઉભા કર્યા છે. આ રીતે ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર વિદ્યાર્થીઓના સપનાઓને સેવાનું કામ કરે છે. વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર પાસે આવીને તથા સીધી રીતે જ ગુજરાત યુનિવર્સિટીમાં જઈને પોતાનો બિઝનેસ આઈડિયા તેમજ સ્ટાર્ટ અપ આઈડિયા સબમીટ કરી શકે છે.
વધુ માં ઉમેર્યું કે ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જેમ કે ગાંધીધામમાં સોયનું ઉત્પાદન, અમદાવાદમાં આંખના લેન્સનું ઉત્પાદન, અમરેલીમાં પ્લેન બને છે, સુરતના હજીરામાં ટેન્કનું ઉત્પાદન થાય છે. તો ભારતમાં આ પ્રકારની સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન વધારવાના હેતુ થી તથા મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરવા તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં બનેલું સ્વદેશી INS વિક્રાંત લોન્ચ કર્યું. આ પ્રકારનું સ્વદેશી ઉત્પાદન ભારત માટે એક મોટી સિદ્ધિ છે.
આ સાથે તેમણે ભારતના મહત્વના વ્યક્તિત્વઓને યાદ કર્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, વર્તમાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ બધા મહાનુભાવોએ સાબિત કરી બતાવ્યું છે કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. તેમણે પ્રોત્સાહન આપતા વિધાર્થીઓને કહ્યું કે, તમારી અંદર જે પ્રતિભા છે તેને ગુજરાત સરકાર – ભારત સરકાર GTU, iHub, iCreate જેવી સંસ્થાઓ આંત્રપ્રેન્યોર બનવાના સપનામાં મદદ કરે છે.વિદ્યાર્થી ઓ સાથે આગળ સંવાદ કરતાં તેમણે ડિફેન્સ સેક્ટર વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ભૂતકાળ કરતાં હાલના સમયમાં ભારતનો ડિફેન્સના ક્ષેત્રમાં ફાળો વધ્યો છે. ભારતમાં હાલના સમયમાં મોટા પાયે સ્વદેશી ઉત્પાદનો તરફ વળી રહ્યું છે તે ભારત માટે ગર્વની વાત છે.