9 Dec 2021 : સરકારી કચેરી ખાતે પાર્ક કરેલ સરકારી વાહનને આટલો શણગાર ? જાણે પોતાના સંતાનનો જન્મદિવસ હોય તેમ સજાવી ગાડીને સોળે શણગાર કર્યો છે.
તમને થશે. હશે ભાઇ, આ તો, બતાવવા માટે જ કર્યું હશે. પરંતુ ના એવું નથી. આ ગાડી અને તેને ચલાવનારની વિશેષતાની વાતો હવે જાણીએ.
આ વાહન માહિતી ખાતું, રાજકોટ કચેરીનું સરકારી વાહન છે. વાહનને ચલાવનાર મંગાભાઇ નાજાભાઇ ગમારા છે. ગઈકાલે 8 ડીસે મ્બર ના રોજ તેમનો પોતાનો જન્મ દિવસ હતો. તેમણે ૫૭ વર્ષ પુરાં કરી ૫૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો. યોગાનુયોગ તેમને સોંપયેલ વાહનને પણ આ ત્રણ વર્ષ પુરાં થયા છે.
સવાર પડે અને ગૃહસ્થ વ્યકતી જેમ નિત્યકર્મમાં રત થઇ જાય એવી જ ભાવના અને મમત્વ કામકાજના દિવસો દરમિયાન રાજકોટ પ્રાદેશિક કચેરીના પ્રાંગણમાં સરકારી વાહનની સફાઇમાં રત કર્મયોગી ગમારાભાઇમાં જોવા મળે. એક પણ ડાઘ વગર નવીનકોર શો રૂમ કંડીશનમાં હોય તેવું સ્વચ્છ અને સુધડ વાહનમાં તેમની કર્મ પ્રત્યેની અપાર નિષ્ઠાના અચુક દર્શન થાય.
સરકારી વાહન તો ઘણાં જોયા હશે. પણ આ વાહનની તો વાત જ નિરાળી છે. કોઇ પણ સમયે, કોઇ પણ દિવસે વાહન બહારથી તો એકદમ ચોખ્ખું હોય જ, અંદરથી પણ એટલું જ ચોખ્ખુ હોય, ગમે ત્યારે મુસાફરી કરવા તૈયાર જ હોય… પ્રવાસ પુરો થાય, મોડી રાત્રે પરત આવે તો પણ, વાહનમાં ડીઝલ, હવા, ઓઇલ વગેરે ચેક કરી સફાઇ કરી પછી જ વાહન ગેરેજમાં રાખે. અને હા સવારે તો સમય સર ગમારાભાઇ ઓફિસ સમય પહેલાં હાજર હોય જ.
ત્રીસ વર્ષની સેવા કારર્કિદીમાં કયાંય ડાઘ નહી. કોઇ હળવો અકસ્માત પણ નહી. વાહનને ત્રણ વર્ષ પુરા થયા તેમાં સર્વીસ સિવાયનો એક પણ વધારાનો રીપેરીંગનો ખર્ચ નહી. પંચરના પણ નહી. વાહન ૩૫૦૦૦ કિલોમીટર ચાલ્યું છે.
ત્રીસ વર્ષની કારર્કિદીમાં ૨૦૦૬ થી ૨૦૧૫ સુધી ૧૦ વર્ષ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલ ખાતે એમ્બયુલન્સમાં ફરજ બજાવી. ગંભીર દર્દીને પણ યોગ્ય દવાખાનામાં દર્દીના સગાં કહે તેમ તાત્કાલિક પહોંચાડયા. એક પણ દર્દીએ રસ્તામાં દેહ નથી છોડયો. દર્દીના સગાંઓ ઓછા હોય કે, એકલાં હોય, તો દર્દીને દાખલ કરવામાં પણ મદદ કરે. આવો માયાળુ સ્વભાવના માલિક એવા ગમારાભાઇને આજે પણ ધ્રોલ ગામના લોકો તેમની માનવીય સેવાઓને યાદ કરે છે.
વહીવટી કારણોસર માહિતી ખાતામાં ૨૦૧૬ માં રાજકોટ ખાતે ફરી તેમની ફરજ પર હાજર થયા. પ્રવાસમાં સાથે ગમારાભાઇની સાથે ઓફિસના કર્મચારી હોય કે પછી પટાવાળા કે અધિકારી-એમને પુરૂ સન્માન આપે.. કયાંય જમવા/નાસ્તો કરવા રોકાયા હોય તો સાથી કર્મચારીઓ કે અધિકારીઓના આગ્રહ છતાં જમવા સાથે ન જ બેસે, અલગ જ બેસે, એટલી આમન્યા એમણે સદા રાખી છે. શિસ્તબધ્ધતા, સુધડતા અને સ્વચ્છતા તો એમના લોહીમાં જ.
ગમારાભાઇનું ડ્રેસીંગ વ્યવસ્થિત, એમની વાતચીત સલુકાઇભરી, એમનું ડ્રાઇવિંગ પરફેકટ, એમના વાહનની લોગબુક વ્યવસ્થિત, એક બાબત એવી નહીં કે તમે ગમારાભાઇની ઉણપ કાઢી શકો. તેઓ સદા હસતા જ હોય. કયારેય કોઇ પણ સ્થળે જવાની ના નહીં. નિર્ધારિત સમય કરતાં હંમેશા અડધી કલાક વહેલા જ તૈયાર હોય. એમની સાથે મુસાફરી કરવી એ એક લ્હાવો જ હોય. ગમારાભાઇના કંઠે ભજનો સાંભળવા એ પણ એક અવસર સમાન જ છે. ન કદી અંગત વાતોનાં રોદણાં રોવા, ન કદી સરકારી નોકરીનો કંઇ પણ લાભ લેવાની વૃત્તિ રાખવી, તેઓ સદા જલકમલવત જ રહયા છે. ગામઠી જીવન શૈલીને તેઓએ હજુ પણ જીવંત રાખી છે.
*જન્મ દિવસની ઉજવણી*
ગમારાભાઇએ જન્મદિવસનું આયોજન બે માસ અગાઉથી જ કરી દીધું હતું. જોગાનુજોગ તેમને સોંપાયેલા સરકારી વાહનનેા ચાર્જ સંભાળ્યાને પણ આજે ત્રણ વર્ષ પુરા થતા હોવાના પ્રસંગે ગમારાભાઇએ ગાડીને અંતરના ઉમળકાથી સજાવી. અને સરકારી વાહનને ખૂબ લાડ લડાવ્યા. ઓફિસના સૌ સાથીઓને જમાડયા. આ રીતે ગમારાભાઇએ સરકારી સેવા સમર્પણું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દર્શાવાયેલ કર્મયોગના મહત્વને જાણે કે તેઓએ જીવનમાં ઉતારી સાચા અર્થમાં ચરિત્રાર્થ કરવાનો નિર્ધાર કર્યોહોય તેમ સરકારી નોકરી લાગ્યા ત્યારથી આજદીન સુધીના તેમના નોકરીની સફરમાં તેઓએ સતત કામ પ્રત્યેનું તેમનું સમર્પણ અને પ્રમાણિકતામાં કયારેય ઓટ આવવા દિધી નથી.
ધ્રોલના વતની અને અગાઉ આરોગ્ય ખાતામાં પણ ડ્રાઇવર તરીકે સેવા આપી ચૂકેલા માહિતી ખાતાના કર્મચારીશ્રી એમ.એન. ગમારા માહિતી ખાતાના જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાની કચેરીઓના કર્મ યોગીઓ માટે પણ પ્રેરણાનું ઝરણું છે.