
02 May 23 : કર્ણાટકમાં ચૂંટણીના માહોલ વચ્ચે મંગળવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારનું હેલિકોપ્ટરના કોકપીટ સાથે હોસ્કોટે નજીક એક બાજ અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું છે. કોકપિટના કાચ તૂટવાને કારણે બેકાબૂ બનેલા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરીને પાઈલટે તમામને સુરક્ષિત રીતે લાચાવી લીધા. જો કે, આ ઘટનામાં ડીકે શિવકુમારનો ઈન્ટરવ્યુ લઈ રહેલા સ્થાનિક ન્યૂઝ ચેનલના કેમેરામેનને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર છે. ડીકે શિવકુમાર અને અન્ય લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
શિવકુમાર મુલબાગલમાં ચૂંટણી રેલી માટે જઈ રહ્યા હતા. દુર્ઘટના સમયે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શિવકુમાર ચૂંટણી રેલી માટે કોલાર જિલ્લાના મુલબાગલ જઈ રહ્યા હતા. તેમણે તેમની ચૂંટણી રેલી માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસેથી હેલિકોપ્ટર ભાડે લઈ રાખ્યું છે. હેલિકોપ્ટર તેમને લઈને બેંગ્લોરના જક્કુર એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું. હોસ્કોટ નજીક પહોંચતા જ હેલિકોપ્ટર સામેથી આવી રહેલા હાઇ સ્પીડ બાજ સાથે અથડાયું. જેના કારણે હેલિકોપ્ટરની કોકપીટનો કાચ તૂટી ગયો. કેબિનમાં હવાનું દબાણ બગડતાંની સાથે જ હેલિકોપ્ટર કાબૂ બહાર જવા લાગ્યું, પરંતુ પાઇલટે સમજણપૂર્વક નિયંત્રણ મેળવી લીધું. આ પછી હેલિકોપ્ટરનું HALના હેલિપેડ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ આમને-સામને. ચૂંટણી પ્રચારના તેજ થવાની સાથે ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ સંપૂર્ણ રીતે સક્રિય દેખાઈ રહ્યા છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલીઓમાં એકબીજા પર પ્રહારો કર્યા. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ અને વિજયનગરમાં રેલીઓ કરી, તો રાહુલ ગાંધીએ તુમાકુરુ અને હરિહરમાં જાહેર સભાઓ કરી. બંનેએ એકબીજા પર જોરદાર આરોપ લગાવ્યા.
વધુમાં વાંચો… વિદેશમાં ઉચ્ચ અભ્યાસના સપના સેવતાં અનેક યુવાનોના શમણાંને પાંખો મળી
“મારી બહેન અશ્વિનીબેન પરમાર, જે હાલમાં ફિલીપાઇન્સમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહી છે, તે બાળપણથી જ ભણવામાં હોંશિયાર હતી. વિદેશમાં અભ્યાસ કરવાનું તેનું સપનું હતું. વિદેશમાં અભ્યાસ કરવો ઘણો ખર્ચાળ હોવાથી અમારા પરિવારને તે ખર્ચ પરવડી શકે તેમ નહોતો. રાજ્ય સરકાર દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસુચિત જાતિને લોન અપાતી હોવાની જાણ થઈ. અરજી, ડોક્યુમેન્ટેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થતા દીદીને વિદેશ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની લોન સરળતાથી મળી ગઈ. અમને આશા છે કે, તે ભવિષ્યમાં ડોક્ટર બની પોતાનું સપનું સાકાર કરશે. ૧૫ લાખની લોન મળતા મારી બહેનની સાથે પરિવારનું સ્વપ્ન પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ-ખૂબ આભાર માનું છું.” આ શબ્દો છે રાજકોટ શહેરમાં રહેતા અવનીબેન પરમારના.
સમાજના આર્થિક રીતે નબળા વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્વ છે. અનુસૂચિત જાતિની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક અભિવૃદ્ધિ અર્થે અનેકવિધ યોજનાઓ અમલી છે. જે પૈકી એક યોજના એટલે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર લોન યોજના. આ યોજનાનો લાભ લઈ રાજકોટ ના અશ્વિનીબેન પરમાર જેવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાના સપના સેવતા અનેક યુવાનોને શમણાંને પાંખો મળી છે.અનુસૂચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થી ઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જઈ શકે, તે માટે આર્થિક રીતે મદદરૂપ થવા ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર લોન’ યોજના અંતર્ગત રૂ. ૧૫.૦૦ લાખની લોન ૪%ના વ્યાજના દરે આપવામાં આવે છે. સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય, તેઓને પોસ્ટ ગ્રેજયુએટ, પી.એચ.ડી. કે ઉચ્ચકક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસ ક્રમો માટે તેમજ ધો. ૧૨ બાદ વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે આ લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેનાર મૂળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ. એક જ ૫રિવારના વધુમાં વધુ બે વ્યકિતને લોન મળી શકે છે. વિદ્યાર્થીએ અભ્યાસક્રમનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ ૬ માસ પછી લોનની ભરપાઈ કરવાની રહે છે. મુળ રકમ ભરપાઈ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે જ ભરપાઈ કરવાનું હોય છે. વિદેશની શિક્ષણ સંસ્થા જે-તે સરકાર દ્વારા માન્ય થયેલી અને અભ્યાસની ડીગ્રી જે-તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઇએ. લાભાર્થીએ એક સદ્ધર જામીન રજુ કરવાના રહેશે. વિઝા અને એરટીકીટ રજૂ કર્યા બાદ જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગેની વધુ જાણકારી https://sje.gujarat.gov.in/dscw/schemes પરથી મેળવી શકાશે.
વધુમાં વાંચો… ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૫.૬૮ ટકા પરિણામ,રાજકોટ જિલ્લાનું ૮૨.૪૯ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ (G S E B) દ્વારા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૫.૬૮ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાત એ ૧૦૦ ટકા CCTV કવરેજ સાથે બોર્ડની જાહેર પરીક્ષાઓ લેતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં માર્ચ – ૨૦૨૩માં કુલ ૧૪૦ કેન્દ્રો ઉપર ૧૭૯ દિવ્યાંગ ઉમેદવારો સહિત ૧,૨૬,૬૨૪ પરીક્ષાર્થીઓ નોંધાયેલા હતા, જે પૈકી ૧,૨૫,૫૬૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ ૧,૧૦,૨૨૯ નોંધાયા હતા, તે પૈકી ૧,૧૦,૦૪૨ પરીક્ષાર્થીઓમાંથી ૭૨,૧૬૬ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા હતા. જેના સંદર્ભે ગુજરાત રાજ્યમાં આ વર્ષે ૬૫.૬૮ ટકા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા છે. જેમાં વિદ્યાર્થીઓ ૬૬.૩૨ ટકા, વિદ્યાર્થીનીઓ ૬૪.૬૬ ટકા નું પરિણામ નોંધાયું હતું. ગ્રુપવાર A ગ્રુપનું ૭૨.૨૭%, B ગ્રુપનું ૬૨.૭૧%, AB ગ્રુપનું ૫૮.૬૨% પરિણામ નોંધાયું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ રાજકોટ જિલ્લાના પરિણામની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ખૂબ મહત્વની હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલ તનતોડ મહેનત અને સખત પરિશ્રમની ફલશ્રુતિ રૂપે રાજકોટ જિલ્લાનું ૮૨.૪૯ ટકા પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેરમાં બે કેન્દ્ર, ધોરાજીમાં બે કેન્દ્ર, જસદણમાં બે કેન્દ્ર સહિત કુલ ૬ કેન્દ્રો ઉપર ૭૦૬૧ પરીક્ષાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૭૦૫૭ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં પ્રમાણપત્ર મેળવવા પાત્ર ૭૨,૧૬૬ પરીક્ષાર્થીઓમાંથી રાજકોટ જિલ્લામાં ૫૮૨૧ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ તકે સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી તથા સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરી હતી.