18 Sep 22 : અમદાવાદના ટાગોર હોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય પણ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ’ના મંત્રને કચ્છી જૈન સેવા સમાજ પોતાનાં જનસેવાનાં કાર્યો થકી સાકાર કરી રહ્યો છે.

છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશાં કાર્યરત રહ્યા છે અને એ જ પગલે કચ્છી જૈન સેવા સમાજ પણ પોતાની સેવાકીય પ્રવૃતિઓ સાથે સમાજના ઉત્થાન માટે કાર્ય કરતો રહ્યો છે. સેવાકાર્ય કરનારા લોકો કોઈ પણ જાતના પડકારોમાં પણ સેવાકાર્યની જ્યોત જલાવી રાખે છે. કચ્છી જૈન સેવા સમાજ આ પ્રકારનો જ સમાજ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ડબલ એન્જિન સરકારથી ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનેક સંઘર્ષ પછી કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડી શકાયું છે. તેમના જ પ્રયત્નોથી કચ્છમાં હમણાં જ નવનિર્મિત સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે 30000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જીનો હાઇબ્રિડ પ્લાન્ટ પણ કચ્છમાં આકાર લઈ રહ્યો છે.