પ્રેમીએ ૩ માસ પહેલા પ્રેમિકાને પીવડાવ્યું ઝેર: તબિયત લથડતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાઇ દાખલ

06 jan 23 : મોણવેલ ગામમાં ત્રણ માસ પહેલા પ્રેમીએ ઝેર પીવડાવતા પ્રેમિકાની તબિયત લથડતાં તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તબીબી સારવારમાં સગીરાએ ઘટકસ્ફોટ કરતા ધારી પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના મોણવેલ ગામની સેજલ ભાવેશભાઈ વાઘેલા નામની ૧૪ વર્ષીય સગીરાની તબિયત લથડતાં બગસરા બાદ અમરેલી અને ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીને ઝેરી અસર થઈ હોવાનું જાણવા મળતા તબીબે પોલીસને જાણ કરી હતી. આ અંગે સગીરાના પરિવારજનોએ જણાવતા મુજબ સગીરાને ત્રણ માસ પહેલા સાગર દેવા વાઘેલા નામનો શખ્સ ભગાડી ગયો હતો. ત્યાર બાદ આવીને તેણીની તબિયત સતત ખરાબ રહેતી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં આવી છે. જ્યાં તેણીએ તબીબોને જણાવ્યું હતું કે ત્રણ માસ પહેલા પોતાને ભગાડી જનાર સાગર વાઘેલાએ તેને ઝેરી દવા પીવડાવી હતી. સગીરાના આક્ષેપ બાદ પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તજવીજ હાથધરી છે.

વધુમાં વાંચો… મોરબી ની ઘટના – વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરી, ફરિયાદ ના લેવાતા પરિવારના 8 સભ્યોની ઇચ્છા મૃત્યુની માગ

મોરબીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લાના હળવદના નવા માલણીયાદ ગામમાં રહેતા એક પરિવારના 8 સભ્યોએ રાજયપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માગ કરી છે. વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરી હતી. ફરિયાદ ના લેવાતા પરિવારના સભ્યોએ ઇચ્છા મૃત્યુની રાજપાલને પત્ર લખી માગ કરી હતી.

મોરબીમાં રહેતા એક પરિવારમાં પિતાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. ત્યારે સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે, વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરું છું. આ સ્યુસાઇડ નોટ રજૂ કરવામાં આવતા પોલીસે તેને એફએસએલમાં મોકલી હતી. જોકે હજુ સુધી એફએસએળનો રિપોર્ટ આવ્યો ન હોવાથી ફરિયાદન નોંધવામાં આવી નથી એવું જાણવા મળ્યું હતું. પિતાની મૃત્યુ બાદ ફરિયાદ ના લેવાતા પરિવારે રાજ્યપાલને પત્ર લખી આખા પરિવારના ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી માગી છે. નોંધનીય છે કે વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ આત્મહત્યા કરી હોય તેવા બનાવ સામે આવે છે. ત્યારે પોલીસ દ્વારા આવી ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃતિ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી વ્યાજખોરોની હેરાનગતિથી કોઈ આત્મહત્યા કરી જીવન ના ટૂંકાવે.

વધુમાં વાંચો… અમદાવાદ – વ્યાજખોરો સામે અમદાવાદ પોલીસની લાલ આંખ, 5થી 31 જાન્યુઆરી સુધી સ્પેશિયલ ડ્રાઇવ

અમદાવાદ શહેરમાં કેટલાક ઇસમો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વ્યાજે નાણાં આપી ગેરકાયદેસર રીતે અનેકગણું ઊંચું વ્યાજ વસૂલ કરવામાં આવે છે. કેટલાક બનાવમાં તો વ્યાજખોરોના ત્રાસથી લોકોએ આત્મહત્યા પણ કરી છે. આથી આત્મહત્યાના આવા બનાવ રોકવા અને ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ ડામવા અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

તમામ ઝોન ડી.સી.પી.ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરાયા

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 5 જાન્યુઆરથી 31 જાન્યુઆરી, 2023 સુધી 27 દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના તમામ ઝોન ડી.સી.પી.ને નોડલ અધિકારી તરીકે નિયુક્ત પણ કરવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન તમામ ઝોનના ડી.સી.પી દ્વારા અરજદારો સાથે રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને તેમની ફરિયાદોને સાંભળી કાયદેસરની કાર્યવાહી કરશે.

શહેરમાં ગેરકાયદેસર વ્યાજખોરી, હેરાનગતિની ફરિયાદોમાં વધારો થયો – અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ ગેરકાયદેસરની વ્યાજખોરો બાબતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાજખોરી પ્રવૃત્તિનો ભોગ બનેલા વ્યક્તિઓ જરૂરી આધાર પુરાવા સાથે સંબંધિત ઝોનના ડી.સી.પી સાથે સંપર્ક કરી શકશે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર વ્યાજખોરી અને વ્યાજખોરો દ્વારા હેરાનગતિની પોલીસ ફરિયાદોમાં વધારો થયો છે. કેટલાક કિસ્સામાં તો વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી જાય છે કે નાણાં લેનાર વ્યક્તિએ આત્મહત્યા કરવાની ફરજ પડી જાય છે. જ્યારે કેટલાક કિસ્સામાં વ્યાજ સાથે મૂડી આપ્યા હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા વધુ વ્યાજ વસૂલવા માટે હેરાન-પરેશાન કરવામાં આવે છે અને જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવે છે. આથી આત્મહત્યાના આવા બનાવોને રોકવા અને ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનોખી ઝુંબેશ હેઠળ 27 દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું શહેરમાં આયોજન કરાયું છે.

વધુમાં વાંચો… જસદણમાં દારૂ પીધેલ પતિ – પત્નીને માર મારતો : સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

પતિ પોતે નશામાં હોય અને પત્નીને તું કેમ દારૂ પી ને સુઈ ગઈ તેમ કહી પતિએ પત્નીને ખુબ માર માર્યો પત્નીને વધુ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જસદણમાં નશામા ધૂત પતિએ પત્ની પર ‘ તું દારૂ પીને કેમ સુઈ ગઇ?’ આક્ષેપ કરી લાકડી વડે બેફામ માર મારતા પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં વિછીયા રોડ પર રહેતી કાજલબેન દીપકભાઈ સાઢનીયા નામની ૨૮ વર્ષીય પરિણીતાને તેના પતિ દીપકે લાકડી વડે માર મારતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતા કાજલબેનએ જણાવ્યું હતું કે પોતે બપોરે સૂતી હતી ત્યારે નશામા ધૂત તેના પતિ દિપક આવીને લાકડી વડે તૂટી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પતિ દીપકે પત્ની કાજલબેન પર દારૂ પીને સુઈ ગયાનો પણ આક્ષેપ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો…પતિની યાદશક્તિની બિમારીથી કંટાળી પત્નિએ કર્યો આપઘાત: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

રાજકોટનાં સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલા માટેલ પાર્કમાં રહેતા કારખાનેદારની પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા સારવારમાં પરિણીતાનું મોત નિપજ્યું હતું. પતિની યાદ શક્તિની બીમારીથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્વાતિપાર્ક પાસે આવેલા માટેલ પાર્ક શેરી-૩માં રહેતા કારખાનેદાર સંજયભાઈ હરસોડાની ૪૦ વર્ષીય પત્ની નિશાબેન હરસોડાએ ગત તા.૨જી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે ઘઉમા નાખવાના ટીકડા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકને જાણ થતાં એ.એસ.આઇ. વી.બી.સુખાનંદી અને હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ધરજિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પરિતીનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક નિશાબેનના પતી સંજયભાઇએ લોઠડામાં હાર્ડવેરનું કારખાનું ધરાવે છે. ભૂતકાળમાં સંજયભાઈને એક અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી તેઓને યાદ શક્તિની બીમારી રહેતી હતી. જેથી પતિની બીમારીથી કંટાળી પત્નીએ આપઘાત કરી લેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here