સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયાથી ધરપકડ

02 Dec 22 : પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લેનાર ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલાને જોતા ભારતની ગુપ્તચર એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો પાસેથી મોટા ઈનપુટ મળ્યા હતા.

જો કે હજુ સુધી કેલિફોર્નિયા સરકાર તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ RAW, IB, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને પંજાબ ઈન્ટેલિજન્સને ચોક્કસપણે એવા ઈનપુટ મળ્યા છે કે ગોલ્ડી બ્રાર ત્યાં હાજર છે અને તેની અટકાયત કરી લેવામાં આવી છે.

ગોલ્ડી બ્રારને પકડાવનારને સિદ્ધુ મુસેવાલાના પિતા આપશે 2 કરોડ? થોડા દિવસો પહેલા દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને પકડાવનાર વ્યક્તિને પોતાના ખિસ્સામાંથી 2 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. બલકૌર સિંહે અમૃતસરમાં એક કાર્યક્રમમાં કહ્યું, ‘જે કોઈ પણ ગોલ્ડી બ્રારને પકડવામાં મદદ કરશે. હું તેને મારા ખિસ્સામાંથી 2 કરોડ રૂપિયાનું ઈનામ આપીશ. તે મારા પુત્રનો અસલી ખૂની છે.’

તેમણે પંજાબ સરકાર પર પણ નિશાન સાધતા કહ્યું કે તે કથિત રીતે પંજાબના યુવાનોને મારવા શા માટે તત્પર છે. તેમણે સવાલ કર્યો હતો કે ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં સરકાર શા માટે શિથિલતા દાખવી રહી છે. બલકૌર સિંહે એમ પણ કહ્યું કે તેમને કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી, પરંતુ સરકારે ગોલ્ડી બ્રારની ધરપકડ કરવી જોઈએ, તે એ જ ઈચ્છે છે.

વધુમાં વાંચો…લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં NIAએ કરી હરપ્રીત સિંહની ધરપકડ, હતું 10 લાખનું ઈનામ

લુધિયાણા કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા મળી છે. NIAએ હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી લીધી છે. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તે મલેશિયાના કુઆલાલંપુરથી નવી દિલ્હી પરત ફરી રહ્યો હતો. ભારત પહોંચતા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોણ છે હરપ્રીત સિંહ? : હરપ્રીત સિંહ પંજાબના અમૃતસર સ્થિત અજનાલા વિસ્તારનો રહેવાસી છે. તે લાંબા સમયથી ગુપ્તચર એજન્સીઓના નિશાના પર હતો. લુધિયાણા બ્લાસ્ટમાં તેની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. તેના ઈશારા પર જ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો. તે લાંબા સમયથી મલેશિયામાં છુપાયેલો હતો. તે સતત NIAના રડાર પર હતો. એજન્સીને તેના ભારત પરત ફરવાની બાતમી મળી હતી. નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ NIAએ તેની ધરપકડ કરી લીધી.

શું છે સમગ્ર મામલો : ગયા વર્ષે 23 ડિસેમ્બરે લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં તેના આતંકી હુમલાના પુરાવા સામે આવ્યા હતા. આ પછી, 13 જાન્યુઆરી, 2022 ના રોજ, NIAએ આ મામલે કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ NIA કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. બાદમાં લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યો હતો. હરપ્રીત સિંહ સતત NIAના રડાર પર હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here