પશ્ચિમ બંગાળમાં ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ, શાંતિ જાળવી રાખવા મમતા સરકારનો નિર્ણય

08 May 23 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. મમતાએ રાજ્યના મુખ્ય સચિવને બંગાળના સિનેમાઘરો માંથી ફિલ્મ હટાવવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંગાળમાં શાંતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી શહેરમાં હિંસા અને ગુનાની ઘટનાઓ ન બને. મમતા બેનર્જીએ ભાજપ પર પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર બનાવટી અને ખોટી વાર્તાઓ વાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મ નિર્માતાઓ ને પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ‘ધ કેરલ સ્ટોરી’ નામની ફિલ્મ બતાવી રહી છે, જેની વાર્તા બનાવટી છે. થોડા દિવસો પહેલા તેમના દ્વારા મોકલવામાં આવેલા કલાકારો બંગાળ આવ્યા હતા અને તેઓ બનાવટી અને ખોટી વાર્તા સાથેની ફિલ્મ બંગાળ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે. મમતાએ વધુમાં કહ્યું કે આ લોકો કેરળ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છે. તેઓ દરરોજ બંગાળના ગૌરવને પણ નુકસાન પહોંચાડે છે. ભાજપ શા માટે સાંપ્રદાયિક સમસ્યાઓ ઊભી કરી રહી છે? શું આ બધું કરવાનું કોઈ રાજકીય પક્ષનું કામ છે? તેમને આવું કરવાનો અધિકાર કોણે આપ્યો? પશ્ચિમ બંગાળ પહેલા તમિલનાડુમાં ફિલ્મ ‘ધ કેરાલ સ્ટોરી’નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તમિલનાડુના મલ્ટિપ્લેક્સ એસોસિ એશને સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવાનો ઇનકાર કર્યો હતો. માહિતી અનુસાર, તમિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને જાહેરાત કરી હતી કે રવિવારથી રાજ્યભરમાં ‘ધ કેરલ સ્ટોરી’નું સ્ક્રીનિંગ બંધ કરી દેવામાં આવશે. તેના નિર્ણય પાછળનું કારણ જણાવતા એસોસિએશને કહ્યું છે કે આ ફિલ્મ ‘કાયદો અને વ્યવસ્થા માટે ખતરો’ બની શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો તરફથી ફિલ્મને મળેલો ઠંડો પ્રતિસાદ પણ આ નિર્ણય પાછળનું એક કારણ છે.

‘ધ કેરલ સ્ટોરી’ પર વિવાદ : ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના ટ્રેલરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળની 32,000 છોકરીઓ આવી ઘટનાઓનો શિકાર બની છે. અહીંથી વિવાદો શરૂ થયા. કેરળની હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન, નિર્માતાઓએ કોર્ટને કહ્યું હતું કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લાઇન હટાવી દેશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરળ માં 32,000 મહિલાઓ ISISમાં જોડાઈ છે. પરંતુ રિલીઝ થયા બાદ પણ ફિલ્મ વિવાદોથી દૂર નથી રહી શકી.

વધુમાં વાંચો…કેન્દ્રીય મંત્રીએ સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, કહ્યું – તેઓ દેશને જોખમમાં મૂકી રહ્યા છે
કર્ણાટક ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતાએ સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચની ઓફિસમાં ફરિયાદ કરી છે કે સોનિયા ગાંધી દેશને જોખમમાં મૂકી રહ્યા છે. સોનિયા ગાંધી પર કર્ણાટકમાં પાર્ટી પ્રચાર દરમિયાન એક રેલીમાં ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા પર વિવાદિત નિવેદન આપવાનો આરોપ છે. ફરિયાદ નોંધાવતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, આજે હું ચૂંટણી પંચની ઓફિસમાં ગઈ અને સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે સોનિયા ગાંધીજીએ હુબલીમાં એક ભાષણમાં ભારતની અખંડિતતા, એકતા પર સવાલ ઉઠાવ્યા હતા અને કર્ણાટકની સાર્વભૌમત્વ જાળવી રાખવાની વાત કરી. આપણે દેશની સાર્વભૌમત્વની વાત કરીએ છીએ કે દેશ એક રહેવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે તે (સોનિયા ગાંધી) દેશને જોખમમાં મૂકવા માંગે છે અને ટુકડે-ટુકડે ગેંગનું નેતૃત્વ કરી રહ્યા છે… શોભા કરંદલાજેએ કહ્યું કે મેં તેમની સામે એફઆઈઆર નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે. હુબલીમાં આપ્યું હતું ભાષણ. શોભા કરંદલાજેના જણાવ્યા અનુસાર, તેઓ આજે ચૂંટણી પંચમાં ગયા હતા,જ્યાં તેમણે સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરી છે. સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબલીમાં ભાષણ આપ્યું હતું. તેમાં તેમણે ભારતની એકતા, અખંડિ તતા અને સાર્વભૌમત્વની જગ્યાએ કર્ણાટકના સાર્વભૌમત્વને જાળવી રાખવાનું કહ્યું હતું. અમે દેશની સાર્વભૌમત્વનો ઉપયોગ દેશને સાથે રાખવા માટે કરીએ છીએ અને તેઓ દેશને જોખમમાં મૂકવા માંગે છે. તે ટુકડે-ટુકડે ગેંગનું નેતૃત્વ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ વધુમાં કહ્યું કે સોનિયા ગાંધી શું કરવા માંગે છે! દેશની લોકશાહીને જોખમમાં મૂકવા માંગે છે! દેશની સાર્વભૌમત્વને જોખમમાં નાખવા માંગે છે. પહેલા તમે કાશ્મીરમાં આવું કર્યું અને હવે તમે કર્ણાટકમાં પણ આવું કરવા માંગો છો. કર્ણાટક ભારતની સાથે છે અને તે આપણા માટે ગર્વની વાત છે.

વધુમાં વાંચો… મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ફરી લંબાવી, કહ્યું- બીજેપીના લોકો જેટલા પ્રયાસો કરી લે…
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ફરી એક ઝટકો લાગ્યો છે. તેમની ન્યાયિક કસ્ટડી ફરી લંબાવવામાં આવી છે. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 દિવસ એટલે કે 23 મે સુધી લંબાવવામાં આવી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મનીષ સિસોદિયાની ચાર્જશીટની ઈ-કોપી પ્રદાન કરવા પણ કહ્યું.

જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થયા બાદ સોમવારે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ઇડી દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરી રહી છે. કોર્ટમાંથી જ્યુડિશિયલ કસ્ટડી વધારવા પર દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાએ કહ્યું કે, બીજેપી લોકો ગમે તેટલી કોશિશ કરે, પટપડગંજનું કામ કે દિલ્હીનું કામ અટકશે નહીં. ઉલ્લેખનીય છે કે, દારૂ કૌભાંડમાં CBI અને ED બંનેએ મનીષ સિસોદિયા પર સકંજો કસ્યો છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાની ભલામણ બાદ સીબીઆઈએ આ મામલે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સીબીઆઈએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને અન્ય ઘણા લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં સીબીઆઈએ લાંબી પૂછપરછ બાદ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસમાં તપાસ શરૂ કરી અને તેણે મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી. દિલ્હીના પૂર્વ સીએમ ગત 23 ફેબ્રુઆરીથી તિહાર જેલમાં બંધ છે.

વધુમાં વાંચો… અમદાવાદ – તિસ્તા સેતલવાડ સહિતના આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા શરૂ, આગામી સુનાવણી 22 મેના રોજ
ગુજરાતના 2002ના રમખાણો બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરવાના આરોપ હેઠળ તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ સામે હાલ એસઆઈટીની તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપી તિસ્તા સેટલવાડ અને અન્ય આરોપીઓ સામે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવા માં આવી છે. ત્યારે આ કેસ અંગે સોમવારે તિસ્તા સેતલવાડ સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા.

મળતી માહિતી મુજબ, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારે સોમવારે ડિસ્ચાર્જ અરજી કરી છે. ત્યારે આ મામલે કોર્ટ દ્વારા પુરાવા રૂપે અન્ય ડોક્યુમેન્ટ પણ સ્વીકારવામાં આવે તેવી અરજી તિસ્તા સેતલવાડ દ્વારા સીઆરપીસીની કલમ 307 અને 308 હેઠળ કરવામાં આવી છે. તેમની અરજીમાં આરોપીઓને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક હોવાનો ઉલ્લેખ કરાયો છે. તિસ્તા સેતલવાડની અરજી પર હવે 22 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. SIT દ્વારા 100થી વધુ પાનાંની ચાર્જફ્રેમ દાખલ કરાઈ. ઉલ્લેખનીય છે કે આ મામલે અગાઉ ઘણી વખત મુદ્દત પડી ચૂકી છે. માહિતી મુજબ, શ્રીકુમારે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું હતું કે, તેમની સામે પૂર્વગ્રહ રાખીને ફરિયાદ કરવામાં આવી છે. તેમની સામે કેસ બનતો જ નથી. જ્યારે એસઆઈટી દ્વારા ત્રણેય વિરુદ્ધ 100થી વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સાથે 30થી વધુ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાનો પણ સમાવેશ કરાયો છે.

વધુમાં વાંચો… ગાંધીનગર – ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ, હસમુખ પટેલે કહ્યું- સ્ટ્રોંગ રૂમમાં પેપર સલામતિ
ગાંધીનગરના કર્મયોગી ભવનના બ્લોક-2માં પહેલે માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આ આગ લાગી હતી. અચાનક આગની ઘટના બનતા ઓફિસના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેતા કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, ઓફિસ અંદરનું ફર્નિચર બળીને ખાખ થયું હતું મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટના બનતા ઓફિસના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગના બનાવ અંગ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની જાણ થઈ છે.

આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે, સ્ટ્રોંગ રૂમ કે જેમાં પેપર અને અન્ય અગત્યના ડોક્યુમેન્ટ મૂકવામાં આવ્યા છે, તેમાં કોઈ તકલીફ નથી. તેમણે કહ્યું કે સ્ટ્રોંગ રૂમમાં કોઈ નુકસાન થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જો કે, આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઈ મોટા નુકસાનની માહિતી નથી. માત્ર આગના રૂમમાં ફર્નિચર બળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here