મનપાની કચેરીઓ ગુટલીબાજો – લાંચિયા ભ્રષ્ટ અધિકારીઓના અડ્ડાઓ ? : લોક સંસદ વિચાર મંચ

29 Dec 21 : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી), યુથ કોંગ્રેસના મહામંત્રી ચંદ્રેશ રાઠોડ, લોક સંસદ વિચાર મંચના લીગલ એડવાઈઝર એડવોકેટ ઇન્દુભા રાઓલ, હિતાક્ષીબેન વાડોદરિયા, ધીરુભાઈ ભરવાડ, એડ વોકેટ હિંમતભાઈ લાબડીયા, સરલાબેન પાટડીયા, રમેશભાઈ તલાટીયા, હંસાબેન સાપરિયા ની એક સંયુક્ત જણાવે છે કે રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. રાજ્યમાં ભ્રષ્ટાચારને જડમૂળમાંથી નેસ્તનાબૂદ કરવા ACB સાત ડિવિઝન હેઠળ 37 પોલીસ સ્ટેશનો કાર્યરત છે છતાં ભ્રષ્ટા ચારના ભોરિંગ ભરડાને નાથવામાં રાજય સરકાર સદંતર ફ્લોપ જ પુરવાર થઇ છે. રાજ્યમાં અને મહાનગરપાલિકાઓમાં તોસ્તાન તોડબાજી ચાલી રહી છે. રાજ્યમાં ‘ગાંધીછાપ’ વગર કામો થતા જ નથી રાજકોટ મહાનગર પાલિકા પણ એમાંથી બાકાત નથી.

રાજકોટ મહાનગરપાલિકાની કચેરીઓ એ ગુટલીબાજો અને લાંચિયા, ભ્રષ્ટ અધિકારીઓના અડ્ડાઓ ? મહાનગરપાલિકામાં ચૂંટણી પૂર્વે પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો શાસકોએ કોલ આપેલ હતો. પરંતુ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો પરપોટો ફૂટી ગયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડમાં NOC મેળવવા લાંચ આપવી પડે છે તે જગજાહેર છે અને લોકમુખે ચર્ચાતું પણ હતું. હોસ્પિટલો અને બહુમાળી ઇમારતો હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર ના સાધનો રાખવાનું ફરજિયાત બનાવેલ છે. આ માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં NOC મેળવવા કચેરીના ફાયર સ્ટેશન ઓફિસર કિરીટ હરપાલભાઇ કોલી ACB ની ટ્રેપ માં ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝબ્બે કરાયા છે. ત્યારે આ લાંચિયા અને ભ્રષ્ટ કોલી તો મોહરું છે પડદા પાછળ મોટા માથાઓ કોણ કોણ છે ? તે મોટા માથાઓની પણ તપાસ થવી ઘટે.

આમ તો રાજકોટ મહાનગરપાલિકાની મોટાભાગની સેવાઓને ઓનલાઇન કરી દીધી છે. તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકાની કચેરીઓમાં સામાન્ય કામો માટે પણ અધિકારીઓ રૂબરૂ મળતા નથી અને વહીવટ કે સેટિંગ વગર કામો ટલ્લે ચડાવાય છે. ફાઇલો ગુમ થઈ જાય છે. ફાઈલો કે અરજીનો સમયમર્યાદામાં નિકાલ નથી કરાતો મહાનગરપાલિકામાં નૈવેદ્ય ધર્યા વગર કામો થતાં જ નથી. અને લશ્કર ક્યાં લડે છે તે ખુદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ વાકેફ હોતા નથી રાજકોટ મહા નગરપાલિકામાં ફુડ લાયસન્સ, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની અનેક શાખાઓમાં લાંચિયા અને ભ્રષ્ટ કર્મચારી ઓ અને ઇજનેરો ને રંગેહાથ ACB ગિરફતાર કર્યા છે જે રાજકોટ મહાનગરપાલિકાના અને એસીબીના રેકોર્ડ પર પણ મૌજૂદ છે. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી આમ તો સીસી ફુટેજ થી સજ્જ હોવા છતાં લાંચ નુ દૂષણ વ્યાપક બન્યુ છે. તીસરી આંખ થી રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં થુંકનારા દેખાય છે. પરંતુ ‘ગાંધીછાપ’ લેનારા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ દેખાતા નથી.

ભ્રષ્ટાચારને નેસ્ત નાબુદ કરવાની ગુલબાંગો ફેંકનાર શાસકોએ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે માનવતા, સારા સંસ્કાર, નિ:સ્વાર્થ સેવા ની રાજ્ય સરકારે તાલીમ આપવી જોઈએ જેથી ભ્રષ્ટાચારને બ્રેક લાગી શકે છે તેમ અંતમાં ગજેન્દ્રસિંહ ઝાલા અને ચંદ્રેશ રાઠોડે જણાવ્યું છે.