File Image
File Image

21 Sep 22 : ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માટે આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં માલધારીઓ દ્વારા એક દિવસ માટે સદંતર દૂધનું વિતરણ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં દૂધની સાથે ચાની લારીઓ પણ બંધ રાખવા ટી એસોસીએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ પીઠમાં માલધારીઓ દૂધ ન લાવશો નહીં તો દૂધ બગડશે તેવા બોર્ડ લાગ્યા છે.

રાજકોટ ટી એસોસીયેશને જણાવ્યા મુજબ સમસ્ત ભરવાડ સમાજના ઘનશ્યામ બાપુ, રામબાપુ દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ આજે તમામ ચાની લારીઓ પણ બંધ રાખવામાં આવશે. રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા દૂધ પીઠમાં પોસ્ટર લાગ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમામ માલધારીઓએ આજે દૂધ લઈને આવવાનું રહેશે નહીં અને જો કોઈ માલધારી દૂધ લઈને આવશે તો સમાજના આગેવાનો તે દૂધનો બગાડ કરશે તેની જવાબદારી જે દૂધ લાવ્યા હશે તેની રેહેશે. આ પ્રકારના બોર્ડ લાગ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં પણ માલધારીઓ દ્વારા દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે તે અંગે લોકોને જાણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં પણ દૂધ વિતરણ સદંતર બંધ કરવામાં આવશે.

  • ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ શરૂ, દંડ વસૂલ કરવામાં આવ્યો

21 Sep 22 : ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ શરૂ, દંડ વસૂલ કરવામાં આવ્યું હતું. ટિકિટ વગર મુસાફરો પાસેથી 77 હજાર 500 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.ટિકિટ વગર કે અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા લોકો પર નજર રાખવા પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનના વાણિજ્ય વિભાગની ટીમે સઘન ટિકિટ ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત ભાવનગર ડિવિઝનમાં 112 વ્યક્તિઓ પાસેથી 77 હજાર 500 રૂપિયાનો રાજસ્વ દંડ સાથે વસૂલવામાં આવ્યો હતો.

તાજેતરમાં, 16 સપ્ટેમ્બર, 2022 ના રોજ, ભાવનગર મંડળમાં 184 વ્યક્તિઓ પાસેથી 1 લાખ 63 હજાર 945 રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. ભાવનગર રેલ્વે ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલના નિર્દેશાનુસાર ભાવનગર ડિવિઝન વતી ટ્રેનોમાં ટિકિટ વગરની મુસાફરીને રોકવા માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સુશ્રી નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ મંડળ પર સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મંગળવારે, આ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન, વિવિધ ટ્રેનો અને સ્ટેશનો પર કરવામાં આવેલા ચેકિંગમાં અનધિકૃત ટિકિટો અથવા અનબુક સામાન સાથે મુસાફરી કરવા બદલ 112 વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા. આ કેસોમાં રેલવેને દંડ અને વધારાના ભાડાના રૂપમાં રૂ.77 હજાર 500ની આવક થઈ હતી. આ ડ્રાઇવ ટિકિટ વિનાના પ્રવાસીઓને રોકવા માટે ચાલુ રહેશે.