રાજકોટના ગૌ ટેક એકસ્પોની મુલાકાત લેતા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ

ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ગૌ ટેક એકસ્પો-૨૦૨૩ની મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રી રાઘવજીભાઈ એ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગાયનું દૂધ ખુબ લાભકારક છે. ગાય આધારિત વધુને વધુ ખેતી થાય તેમજ ગૌમુત્રની વિવિધ વસ્તુઓનું ઉત્પાદનો વધે તે માટે રાજયસરકાર દ્વારા સકારાત્મક પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે યોજાયેલો આ એક્સપો ગાય આધારિત બનાવટોને લોકો સુધી પહોંચાડવા માટે ખુબ ઉપયોગી માધ્યમ પુરવાર થશે. ગૌ આધારિત ઉત્પાદનો, ઉદ્યોગો અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી તા. ૨૮ મે સુધી આ ‘ગૌ ટેક’ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ઉદ્યમીઓ જોડાયા છે. સમગ્ર દેશમાં ગૌ આધારિત ઉત્પાદનોનું વેચાણ-સંશોધન કરતા અનેક લોકો અને સંસ્થાઓને આ એક્સ્પો અંતર્ગત એક મંચ પર એકત્રિત થયા છે.
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત આ એકસ્પોમાં મંત્રી રાઘવજીભાઈ એ ટેકનોલોજી આધારિત સંશોધનો, ગૌ ગોબર અને મૂત્ર આધારિત વિવિધ ઉત્પાદનો, કૃષિ યંત્રો, પ્રાકૃતિક ખેતીના ખાતર તેમજ દવાઓ, ગાય માટેના ફાર્માસ્યુટિકલ સંશોધનો, ગૌ આધારિત સંસ્થાઓ વગેરે સ્ટોલની મંત્રીએ મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે આત્મા, બીજ, મિશન મંગલમનીના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.
આ એક્સ્પોમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે, ગૌ ટેક એ રાજકોટના આંગણે યોજાયેલું અલગ પ્રકારનું પ્રદર્શન છે જેના દ્વારા ગૌ પ્રોડકટસ અંગે જાગૃતિ તેમજ તેને લોકો સુધી પહોંચાડવાનું સબળ માધ્યમ છે. દર્શિતાબેને ગીર ગૌ જતન સંસ્થા, શ્રીજી ગૌ શાળા, ગૌ મૂત્રમાંથી બનેલી ઈંટો, સખી મંડળ સહિતના સ્ટોલની મુલાકાત લીધી હતી. અને આ એક્સ્પોમાં ભાગ લેનાર તથા જહેમત ઉઠવાનાર સર્વેની સરાહના કરી હતી. આ તકે પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા, જી.સી.સી.આઇ.ની કોર ટીમના સભ્ય સૂર્ય ક્લા, જિલ્લા લાઈવીહુડ મેનેજર ભરતભાઈ બસિયા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ અને અરુણભાઈ નિર્મલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વાંચો… ડોલ્ફીનના શિકારમાં ઝડપાયેલી બોટને છોડાવવા બોગસ સોલવન્સી!

ગઈ તા. ૧પ માર્ચના રોજ અરબ સાગરમાં પોરબંદરથી ૧૨ નોટિકલ માઈલ દૂર ડોલ્ફિન માછલીઓનો શિકાર કરતી એક પરપ્રાંતિય ગેંગને પોરબંદર વન વિભાગ દ્વારા કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી લેવામાં આવી હતી. ત્યારે વન વિભાગ દ્વારા ૨૫ જેટલી મૃત ડોલ્ફિન માછલીઓ તથા એક બોટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને ૧૦ શખ્સોને સકંજા માં લીધા હતા. આ પકડાયેલા શખ્સો પૈકી બોટ `ડાયનાસ-ટુ’નો માલિક તામિલનાડુનો અને અન્ય ૯ શખ્સો કેરળ, આંધ્ર પ્રદેશ અને આસામ સહિતના રાજ્યોના હતા, તો આ બોટનું રજિસ્ટે્રશન તમિલનાડુ ખાતે કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું, જે બોટને તપાસઅર્થે કબ્જે કરવામાં આવી હતી. ત્યારબાદ તામિલનાડુના કોવીલ વિલા ગામ ખાતે રહેતા આ બોટના માલિક એન્ટોની બરનાબાસ ઉર્ફે એન્થોની બરલાની અરજી બાદ કોર્ટે તા. ૩ એપ્રિલ ર૦ર૩ ના રોજ મુળ માલિકને બોટ જામીન પર મુક્ત કરી સોંપવા હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટ તરફથી અરજદારને મુદામાલના દોઢી રકમના સોલવન્સી જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા ઉપર બોટ મુક્ત કરવા તથા સદરહુ બોટનો કોઈ ગુનાહીત કામમાં ઉપયોગ કરવો નહીં, તેમજ કેસનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી બોટનું વેચાણ, ગીરો અથવા કોઈપણ રીતે તબદીલ નહીં કરવા તેમજ કોર્ટ તપાસના કામે જ્યારે અને જ્યાં ફરમાવે ત્યાં રજુ કરવાની શરતોને આધીન જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. પરંતુ આરોપી એન્ટોની બરનાબાસે પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં ક્નયાશાળા સામે રહેતા મહમદ ફેઝાન મહમદ શફી હાલાઈ પાસેથી પાવર ઓફ એટર્ની તા. ર૪ એપ્રિલના રોજ મેળવી ઉપરોક્ત ગુન્હાના કામે કબ્જે કરેલ બોટની જામીન પર મુક્ત કરવા માટે વનવિભાગે અરજી આપી હતી, જેમાં જામીનદાર તરીકે પોરબંદરના બાપુનગરમાં રહેતા કારાભાઈ રાજશીભાઈ ઓડેદરાને રજુ કર્યા હતા. પરંતુ જામીનદાર પાસે સોલવન્સી ન હોય, તેમજ કોર્ટના બોટ જામીનમુક્ત કરવા અંગેના હુકમનો ભંગ થતો હોય જેથી મહમદ ફેઝાન મહમદ શફી હાલાઈને શરત ભંગ અંગેની જાણ કરી કોર્ટમાં જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ આરોપી એન્ટોની બરનાબાસે પોતાની બોટ મુક્ત કરવા માટે અરજી તથા અરજદારના પર્સનલ બોન્ડ તથા જામીનદાર તરીકે જામનગર જિલ્લાના વાગડીયા ગામે રહેતા કરશનભાઈ વાલાભાઈ ગોહીલને મામલતદાર કચેરી-જામનગરની કચેરીમાં નોંધ થયેલ સોલવન્સી (દારપણાનો દાખલો) કજે જેમાં મામલતદાર કચેરી-જામનગરનો સિક્કો માર્યો હતો અને વાગડીયા ગામે સંયુક્ત ખાતેદારની જમીન આધારે કઢાવેલો આ દાખલો રજુ કર્યો હતો.
પરંતુ આ અરજદાર એન્ટોનીએ કોર્ટની શરતનો ભંગ કરી પાવર ઓફ એટર્ની આપેલ હોય અને ત્યારબાદ સોલવન્સી જામીનદાર રજુ કરતા આ દાખલા અંગે ખરાઈ કરવા જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા રાણાવાવ બરડા અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને યાદી પાઠવી હતી. જે પત્રમાં જણાવ્યા મુજબ જામીનદાર કરશનભાઈ વાલાભાઈ ગોહીલના નામે સોલવન્સી સર્ટિફીકેટ કે દારપણાનો દાખલો ઈસ્યુ કરવામાં આવેલો નથી તેમજ સદરહુ સોલવન્સી સર્ટિફીકેટ કે દારપણાના દાખલામાં કરેલ સહી પણ મામલદાર-જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવેલ નથી તેમજ હોદાનો સિક્કો અને કચેરીનો રાઉન્ડ સીલ લગાવેલ છે તે પણ અત્રેની કચેરી દ્વારા લગાવવામાં આવ્યો નથી તેવો અભિપ્રાય લખી આપ્યો હતો. જેથી આ આરોપીએ કોર્ટના હુકમનો શરત ભંગ કરી પાવર ઓફ એટર્ની બનાવી ત્યારબાદ જામનગરના કરશનભાઈ વાલાભાઈ ગોહીલે કોઈપણ રીતે બોગસ સોલવન્સી દાખલો બનાવી છેતરપીંડી આચરી, બોગસ દસ્તાવેજ બનાવી ગુન્હાના કામે કબ્જે કરેલ બોટ છોડાવવા માટેની કોશિષ કરી હોવાથી તેઓની સામે બરડા અભ્યારણ્ય, રાણાવાવ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર. ભમ્મરે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭ર, ૪૭૩, ૪૭૪, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો… જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ કચ્છના માંડવી , અબડાસા, નખત્રાણા તથા ભુજ તાલુકાના વિવિધ ગામોના સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત ચાલતા વિકાસકામો તથા પાણી પુરવઠા વિભાગ હસ્તક ચાલતા કામોનું જાત નિરીક્ષણ કરીને મુલાકાત લીધી હતી.

મંત્રીએ પેયજળ અને સિંચાઇ વિભાગના કામો વિશે વિગતવાર જાણકારી મેળવી અધિકારીઓને જરૂરી ‌માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. તેઓએ મુલાકાત દરમિયાન ગામ લોકોના પાણી વિતરણ અંગેના પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. માંડવી ખાતે મંત્રીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લઇને અનાજની ચકાસણી કરી હતી તથા જથ્થા અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ પાંચોટીયા ખાતે જનભાગીદારીથી ચાલતા તળાવના ખાણેત્રાની મુલાકાત લઇને ગ્રામ આગેવાનો સાથે આ બાબતે જાણકારી મેળવી હતી. માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવે ખાસ હાજર રહીને ગામ દ્વારા થતાં લોકભાગીદારીના કામની વિગતોથી મંત્રીને અવગત કર્યા હતા.
અબડાસા તાલુકાના વરંડી મોટી ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત રીચાર્જ ફિલ્ટર વેલના કામની મુલાકાત લઇને લોકભાગીદારી અને ગ્રામ પંચાયત સાથે મળીને સિંચાઇના અન્ય નવા કામો થાય તે દિશામાં પ્રયાસ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. સાથે ગ્રામ પંચાયતોના જળ સંચય અને પાણીને સંલગ્ન પ્રશ્નો સાંભળીને તેને ઉકેલવા ખાત્રી આપી હતી. તેઓએ મોથાળા ખાતે પાણી પુરવઠાના સુથરી જૂન સુધારણા અંતર્ગત ચાલતા પાઇપ લાઇનના કામોની મુલાકાત લઇને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાનું નિરક્ષણ કર્યું હતું. ગામો સુધી નિયમિત અને કોઇપણ અડચણ વગર પાણી પહોંચે તે જોવા તાકીદ કરી હતી. તે સાથે જે ગામો સુધી પહોંચ નથી તો તે કામો તત્કાલ પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. ઉસ્તીયા ખાતે લોક ભાગીદારી થતા સુજલામ સુફલામ યોજનાના કામોની મુલાકાત લઇને ગ્રામજનો સાથે આ મુદે વિગતે માહિતી મેળવી હતી. તથા પીવાના પાણી અંગેની મુશ્કેલી હોય તો જણાવવા કહ્યું હતું. ગ્રામજનોના સહયોગથી ચાલતા લોકભાગીદારીના કામોની પ્રશંસા કરીને મંત્રીએ આ જ રીતે સરકારને સહયોગ આપીને આગળ પણ કામ કરતા રહેવા તથા જળસંચય ક્ષેત્રે વધુમાં વધુ પહેલ કરવા જણાવ્યું હતું. આ ટાંકણે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા . તેમજ તેમણે સુજલામ સુફલામ યોજનાના કામો અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીએ માતાના મઢ ખાતે કચ્છ ધણીયાણી મા આશાપૂરાના ચરણોમાં શીશ નમાવીને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

વધુમાં વાંચો… માછલીના ભાવ-તાલમાં થઈ બબાલ! વેપારીએ ગ્રાહક સહિત બેને માર માર્યો
માધવપુરની મચ્છીમાર્કેટમાં એક વેપારીએ મચ્છીના ભાવ-તાલ કરનાર ગ્રાહક પર હુમલો કર્યો હતો, જેમાં વચ્ચે પડેલા યુવાનને પણ માર મારતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, વેપારીની પુત્રીએ ગ્રાહકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે માધવપુર ગામે રહેતા હાજાભાઈ બધાભાઈ માવદીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ હાજાભાઈ તા. ર૪ મે ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી મચ્છી લેવા માટે નીકળ્યા હતા. માધવપુર દરિયા કિનારા પાસે આવેલી મચ્છી માર્કેટમાં તેઓ મચ્છી લેવા માટે ગયા ત્યારે ત્્યાં મચ્છી વેચતી ફારૂકભાઈની દીકરીએ મચ્છીનો ભાવ-તાલ કરાવતી વખતે ૪૦૦ રૂપીયા ભાવ જણાવ્યો હતો, ત્યારે હાજાભાઈએ ૧પ૦ રૂપીયામાં માંગતા ફારૂકભાઈની દીકરીએ તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી “તમારૂં કામ નથી આ મચ્છી લેવાનું” તેમ કહ્યું હતું.
એ દરમિયાન ફારૂક પણ ત્યાં આવ્યો હતો અને હાજાભાઈ સાથે બોલાચાલી કરી હતી, આ દરમિયાન ઉશ્કેરાઈ જઈને ફારૂકે હાજાભાઈને ઢીકા-પાટુનો માર માર્યો હતો, એ દરમિયાન સામે લાકડાની દુકાને ઉભેલા નાથાભાઈ લખમણભાઈ માવદીયા વચ્ચે પડતા ફારૂકે તેમને પણ શરીરે મુઢ માર માર્યો હતો, ત્યારે માણસો એકઠા થઈ જતા ફારૂક ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ હાજાભાઈનો પુત્ર રામભાઈ ત્યાં આવી પહોંચ્યો હતો અને આ બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે માધવપુરના સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે આરોપી પિતા-પુત્રી સામે ધોરણસર ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here