પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરની એક વર્ષમાં 6 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

01 May 23 : પાટણમાં આજકાલ કોઇને પુછીએ કે રજાના દિવસે ક્યાં જવું છે તો સૌ પ્રથમ એક જ જવાબ મળે કે,રિજીયોનલ સાયન્સ સેન્ટર જવું છે. પાટણનું આ રિજીયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહીં પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડૉ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર-પાટણ આ એક વર્ષમાં મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં સ્થાપનાના પ્રથમ વર્ષમાં છ લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાયન્સ સેન્ટરની મુલાકાત કરી છે.

ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ 1 મે 2022 થી 31 મી 30 એપ્રિલ 2023 સુધીના એક વર્ષમાં સાયન્સ સેન્ટર 1200 થી વધુ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના લાભાર્થીઓની સંખ્યા લગભગ 2.9 લાખ છે. આ એક વર્ષમાં ગુજરાતના 27 જિલ્લાઓ, દેશના 25 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો અને 5 વિદેશી દેશોના મુલાકાતીઓ આ સાયન્સ સેન્ટર ની મુલાકાત લઇ ચૂક્યા છે. આ એક વર્ષ દરમિયાન, 1.83 લાખથી વધુ મુલાકાતીઓએ 5-ડી થિયેટરની મજા માણી છે, લગભગ 40 હજાર મુલાકાતીઓએ વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો આનંદ માણ્યો છે અને લગભગ 30 હજાર બાળકોએ ડાઇનો-રાઈડનો આનંદ માણ્યો હતો. જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યુ છે. 1 મે 2022 ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન બાદ રિજીયોનલ સાયન્સ સેન્ટરને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં આ એક માત્ર સાયન્સ સેન્ટર હોવાથી શાળાના બાળકો, વડીલો, નાના-મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષે છે. ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે કારણ કે મુલાકાતીઓમાં 50 ટકા જેટલા બાળકો જ હોય છે.

છેલ્લા એક વર્ષ આંકડા પરથી સાબિત થાય છે કે સાયન્સ સેન્ટરની મુલાકાત બાળકો ખુબ લઇ રહ્યા છે. દરરોજના મુલાકાતીઓની સંખ્યા પર નજર કરીએ તો રોજના સરેરાશ 1500 થી 2000 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને 5000ને પાર પહોંચી જાય છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન – પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે, જેની પાછળ અંદાજે કુલ 100 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે તદઉપરાંત 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બાળકોમાં ટેક્નોલોજીના જ્ઞાનમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરનાં મુખ્ય આકર્ષણની વાત કરીએ તો 5D થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી, ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન ટનલ વગેરે છે. દર અઠવાડિયે, આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમમાં 3 થી 4 પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે. પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓમાં મુખ્ય ત્વે પાટણ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, સુરત, અમદાવાદ, ગાંધીનગરના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટરના પ્રવાસીઓ જ્યારે મુલાકાત લેવા આવે છે ત્યારે ત્યાં પ્રવેશદ્વારમાં જ મસમોટા ડાયનાસોર્સ પ્રવાસીઓના આશ્ચર્યનું કારણ બને છે. બાળકો તો ડાયનાસોર્સ જોઈને અત્યંત આનંદમાં આવી જાય છે. 1 વર્ષ માં મુલાકાતી ઓની સંખ્યા આટલી વધી ગઇ છે તો આવનારા સમયમાં પ્રવાસીઓનો ધસારો વધું રહશે તેવી શક્યતાઓ લાગી રહી છે.

વધુમાં વાંચો… 23 વર્ષીય મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને 26 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી, ગુજરાત હાઈકોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
સુરતમાં મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સુરતની મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે મંજૂરી આપી મોટી રાહત આપી છે. જણાવી દઈએ કે, ગુજરાત હાઈકોર્ટમાં સુરતની 23 વર્ષીય મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત માટેની મંજૂરી આપવા અરજી કરી હતી. ત્યારે હવે આ અરજીને કોર્ટે મંજૂર કરી છે. કોઇ પીડિતાને 26 અઠવાડિયાનો ગર્ભ હોવા છતા ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ છે. મળતી માહિતી મુજબ, સુરતમાં રહેતી 23 વર્ષીય મનોદિવ્યાંગ પીડિતા પર પિતાના મિત્રે જ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. હાલ આરોપી શખ્સ જેલમાં છે. જ્યારે મનોદિવ્યાંગ દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત માટેની મંજૂરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં પીડિતાને 26 અઠવાડિયાનો ગર્ભ હોવાની રજૂઆત કરાઈ હતી. સાથે પીડિતાના પિતાની માનસિક સ્થિતિ પણ સારી ન હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આથી પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી હોવાનું જણાવાયું હતું અને ગર્ભપાત માટે મંજૂરી આપવા માગ કરાઈ હતી.

26 અઠવાડિયાનો ગર્ભ હોવા છતા ગર્ભપાત માટે મંજૂરી આપતો પ્રથમ નિર્ણય. હાઈકોર્ટે સુનાવણી બાદ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપતા મોટી રાહત મળી છે. ત્યારે કોઇ પીડિતાને 26 અઠવાડિયાનો ગર્ભ હોવા છતા ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવી હોય તેવો આ પ્રથમ કેસ છે. આ મામલે હાઈકોર્ટે ઔતિહાસિક ચૂકાદો આપ્યો છે.

વધુમાં વાંચો… મહાગુજરાત આંદોલનથી ગુજરાત સ્થાપના દિનમાં ઈન્દુલાલ યાજ્ઞિકની રહી હતી મહત્વની ભૂમિકા
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે 1956માં જ્યારે મહાગુજરાત ચળવળ થઈ, ત્યારે ચાર વર્ષ પછી બોમ્બે રાજ્યનું પુનર્ગઠન થયું. આ પછી ગુજરાત અને મહારાષ્ટ્રની રચના થઈ. ત્યારથી 1 મેના દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય બનાવવાનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને જાય છે. આઝાદીના થોડા વર્ષો પછી જ અલગ ગુજરાત રાજ્યની માંગ ઉઠવા લાગી. આ માંગને વર્ષ 1955-56ની આસપાસ વેગ મળ્યો. જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. શરૂઆતમાં તેમણે આ માગણીની અવગણના કરી હતી, પરંતુ ગુજરાતમાં અલગ રાજ્યની માગણી વધુ ઉગ્ર બની ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્યની સરકારે આ માગણી સ્વીકારવી પડી હતી. આ સાથે 1 મેના બંને રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. 1 મે 1960ના રોજ બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાથે દેશના નકશામાં મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું. મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો થયો. આનો શ્રેય ઈન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવે છે. તેઓ લોકોમાં ઈન્દુ ચાચા તરીકે જાણીતા હતા. ત્યારે કેન્દ્રમાં જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો એક ભાગ બનાવવામાં આવ્યો અને તે ભાગ જે મરાઠી બોલતો હતો. તેમને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યા હતા.

અમદાવાદમાં હતી રાજધાની : શરુઆતમાં અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બન્યું. બે વર્ષ પહેલા રાજ્યમાં જ્યારે પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસે 15 સભ્યો ની વિધાનસભામાં 113 બેઠકો જીતી હતી. સ્વતંત્ર પાર્ટીને 26 બેઠકો, પ્રજા સમાજવાદી પાર્ટીને 7 બેઠકો અને નૂતન મહાગુજરાત પરિષદને માત્ર 1 બેઠક મળી હતી. પાર્ટીને 7.74 ટકા મત મળ્યા હતા.ગુજરાત રાજ્યના બિલ્ડર ઈન્દુલાલ યાજ્ઞિકની પાર્ટી જનતા પરિષદને સફળતા મળી નથી. સ્વાતંત્ર્ય ચળવળ સાથે સંકળાયેલા યાજ્ઞિક અમદાવાદમાંથી ઘણી વખત લોકસભામાં ચૂંટાયા હતા. ઈન્દુચાચાની મોટી ભૂમિકા ચળવળમાં રહી હતી. અલગ રાજ્યની સ્થાપના પછી, ગુજરાત રાજ્ય 1 મેના રોજ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના માટે સંસદમાં બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ. મહારાષ્ટ્રની રચના 1 મેના રોજ થઈ હતી. બીજા દિવસે 2 મે 1960ના રોજ ગુજરાતની રચના થઈ. બાદમાં બંને રાજ્યોનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની રચના 1 મેના રોજ થઈ હતી. બીજા દિવસે 2 મે 1960ના રોજ ગુજરાતની રચના થઈ હતી.નડિયાદમાં 22 ફેબ્રુઆરી, 1892ના રોજ જન્મેલા ઈન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત રાજ્યની રચનાના 12 વર્ષ પછી 17 જુલાઈ, 1972 ના રોજ અવસાન થયું. ઈન્દુલાલ યાજ્ઞિક તેમના જીવનના છેલ્લા 82 દિવસોમાં મૃત્યુ સામે લડ્યા હતા. તેમના મગજમાં લોહી વહેતું હતું. આ પહેલા તેમણે પોતાની સમગ્ર મિલકત ગુજરાતના નામે કરી હતી. અલગ રાજ્યની સ્થાપના પછી, ગુજરાત રાજ્ય 1 મેના રોજ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના માટે સંસદમાં બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ પછી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ. મહારાષ્ટ્રની રચના 1 મેના રોજ થઈ હતી. બીજા દિવસે 2 મે 1960ના રોજ ગુજરાતની રચના થઈ. બાદમાં બંને રાજ્યોનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વધુમાં વાંચો… આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ
આવતીકાલે એટલે કે 2 મે, 2023ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. મંગળવારે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જાહેર કરાશે. આ વખતે વિદ્યાર્થીઓ અલગ અલગ માધ્યમ થકી પોતાનું પારિણામ જાણી શકશે. આ વખતે પહેલીવાર ધો. 12 સાયન્સના વિદ્યાર્થી વોટ્સએપ થકી પોતાનું પરિણામ જાણી શકશે.

પહેલીવાર વોટ્સએપ પર પરિણામ જાણી શકાશે – મળતી માહિતી મુજબ, આ વર્ષે રાજ્યમાં પ્રથમ વખત ધો. 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ વોટ્સએપ થકી પોતાના મોબાઈલ નંબર પર પરિણામ મેળવી શકશે. શિક્ષણ બોર્ડ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે થકી વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ પર વોટ્સએપ થકી પરિણામ જાણી શકશે. શિક્ષણ બોર્ડે વોટ્સએપ નંબર 6357300971 જાહેર કર્યો છે જેના પર વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને પરિણામ મેળવી શકે છે. સવારે 9 કલાકે પરિણામ જાહેર કરાશે. ઉપરાંત, બોર્ડની વેબસાઇટ gseb.org પર પણ પરિણામ જાહેર કરાશે. જણાવી દઈએ કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 14 માર્ચ, 2023થી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થઈ હતી, જેમાં રાજ્યભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આવતી કાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. જાહેર કરાયેલા એક સરકારી પરિપત્ર મુજબ, પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રૂપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ (પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે, જેની શાળાના આચાર્ય, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ આ બાબતોએ નોંધ લેવી.

વધુમાં વાંચો…પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર
વડોદરાના પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો એક બંધ મકાનના તાળા તોડી રૂ. 4.40 લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થયા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ધોળા દિવસે ચોરીનો બનાવ થતા ગામજનોમાં ડરનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના સેજાકૂવા ગામમાં પરિવાર સાથે રહેતા નિરાલીબેન પટેલ બપોરના સમયે પોતાના મકાનને તાળું મારીને ગામમાં રહેતા તેમના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરનું તાળું તોડી તેમાં પ્રવેશી સામાન વેર વિખેર કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ 4.40 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા. નિરાલીબેને જ્યારે પરત આવીને જોયું તો તાળું તૂટેલું મળ્યું હતું અને ધોળા દિવસે તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

ચોરોને પકડવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવાઈ. આ મામલે નિરાલીબેને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગસ્ક્વોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી રહી છે. ધોળા દિવસે મકાનમાં ચોરી થયાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. ગામજનોમાં પણ તસ્કરોનો ડર સતાવી રહ્યો છે. પોલીસ દ્વારા જલદી ચોરોને પકડવામાં આવે તેની ગામજનો માગ કરી રહ્યા છે.

વધુમાં વાંચો… અઝાન સાંભળીને રાહુલ ગાંધીએ અટકાવી દીધું પોતાનું ભાષણ, કેસી વેણુગોપાલે કર્યો ઈશારો
કર્ણાટકના તુમાકુરુમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અઝાન દરમિયાન તેમનું ભાષણ બંધ કરી દીધું. વાસ્તવમાં, રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યારે તેમણે અઝાનનો અવાજ સાંભળ્યો, જેના પર તેમણે તરત જ પોતાનું ભાષણ અટકાવી દીધું અને અન્ય લોકોને પણ શાંત રહેવાની અપીલ કરી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ રાહુલ ગાંધી પાસે આવ્યા અને તેમને અઝાન વિશે કહ્યું, ત્યારબાદ રાહુલ ગાંધીએ તેમનું ભાષણ અટકાવી દીધું.

જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરતા કહ્યું કે આ વખતે તમારે તમારી સરકાર બનાવવાની છે. ગત વખતે પણ તમે ભાજપની સરકાર બનાવી ન હતી પરંતુ ભાજપે ધારાસભ્યો ખરીદી અને અને લોકશાહીનો નાશ કરીને પોતાની સરકાર બનાવી. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ભાજપે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. કર્ણાટકના લોકો પણ ભાજપ સરકારને 40 ટકાની સરકાર કહે છે, એટલે કે તે દરેક કામમાં જનતા પાસેથી 40 ટકા કમિશન લે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન પણ આ વાતથી વાકેફ છે પરંતુ હું તેમને પૂછવા માંગુ છું કે તેમણે આ મામલે કોઈ કાર્યવાહી કેમ ન કરી. આપને જણાવી દઈએ કે જેમ જેમ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આજે કર્ણાટકમાં ત્રણ જનસભાને સંબોધશે. રાહુલ ગાંધી તુમાકુરુ, આર્સીકેરે અને ચામરાજનગરમાં જાહેર સભાઓને સંબોધશે. જણાવી દઈએ કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કર્ણાટકના તુમાકુરુ ક્ષેત્રમાં એક વિશાળ રોડ શો કર્યો. શાહે જનતાને સંબોધતા કહ્યું, “યેદિયુરપ્પાજીએ કર્ણાટક માટે ઘણું કામ કર્યું છે, અમે 4% મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરીને લિંગાયત અને દલિત સમુદાયોનું આરક્ષણ વધાર્યું છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો તે આ તમામ આરક્ષણો લેશે અને મુસ્લિમ આરક્ષણો પાછી લાવશે. કર્ણાટક ભાજપને સત્તામાં લાવે છે, તો નરેન્દ્ર મોદી 2024 માં ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરશે.” જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેએ મતદાન થવાનું છે અને 13 મેએ મતગણતરી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here