નેશનલ હાઈવે ઓથોરીટી હજુ કેટલા નવલોહિયા યુવાનોનો ભોગ લેશે : કોંગ્રેસ

08 Nov 22 : પોરબંદરને જોડતા નેશનલ હાઈવે ઉપર પશુઓના અસહ્ય ત્રાસથી સર્જાયેલા અકસ્માતમાં પી.એસ.આઈ.નું મોત નીપજતા કોંગ્રેસ દ્વારા વધુ એક વખત ઉચ્ચકક્ષાએ થઇ રજૂઆત: અનેક માનવ જીદગીઓ અને મૂંગાપ્રાણીઓના જીવન હોમાઈ ગયા હોવા છતાં હાઇવે ઓથોરિટી નિષ્ફિકર

પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે પશુને કારણે સર્જાયેલા વાહન અકસ્માતમાં પોરબંદરના પી.એસ.આઈ.નું મોત નીપજ્યું છે ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા આક્રોશ પૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવાયું છે કે,નેશનલ હાઈવે ઓથોરીટી હજુ કેટલા નિર્દોષ લોકોના મોતની રાહ જોઇને બેઠી છે?

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્ર સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,રવિવારે વહેલી સવારે પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટરનું સરકારી વાહન કુતિયાણા નજીક પશુ સાથે અથડાતા સબ ઇન્સ્પેકટરનું મોત નીપજ્યું છે જ્યારે વાહન ચલાવનાર કોન્સ્ટેબલ ઘાયલ થયા છે તેથી આ પ્રકારના કેટલા બનાવની નેશનલ હાઈવે ઓથોરીટી હજુ રાહ જોઈ રહ્યું છે?તેવા સવાલ સાથે આક્રોશપૂર્ણ રજૂઆત કરી છે. પોરબંદરને ચારેબાજુ નેશનલ હાઈવેનો લાભ મળ્યો છે પરંતુ એ જ નેશનલ હાઈવે અનેક પોરબંદરવાસીઓ સહિત પ્રવાસીઓ માટે જોખમી બની ચૂક્યો છે. મુખ્ય હાઇ-વે પર અડીંગો જમાવીને બેસતા અને ઉભતા પશુઓ વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે તેમ છતાં પણ તગડો ટોલટેક્સ વસૂલતી નેશનલ હાઇવે ઓથોરિટી આ મુદ્દે ગંભીર બનતી નથી તેથી કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રીને ફરિયાદ થઈ છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદરના કોંગી આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ કેન્દ્રસરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરને દ્વારકા સોમનાથને જોડતો નેશનલ હાઈવે અને પોરબંદર રાજકોટવાળો નેશનલ હાઈવે ૮-બીની સુવિધા તો પ્રાપ્ત થઈ છે પરંતુ આ હાઇવે પશુઓ અને માણસો માટે યમદૂત સાબિત થયો છે કારણ કે અહીંયા બેફામ સ્પીડે જતા વાહનો આજે અચાનક ગાય નંદી, નીલગાય(રોજડું), શિયાળ,શ્વાન અને ડુક્કરજેવા પશુઓ વાહન આડે ઉતરે છે અને તેના કારણે વાહન અકસ્માત સર્જાય છે જેમાં અસંખ્ય નિર્દોષ માનવ જીદગીઓ મોતને ભેટી ચૂકી છે. પોરબંદરના અનેક આશાસ્પદ યુવાનોના આ હાઈવે પર સર્જાતા વાહન-અકસ્માતમાં ભોગ લેવાય ચૂક્યા છે. હોટલ અને ધાબા વાળા લોકોએ ડિવાઈડરમાં ખાચા પાડ્યા છે જેથી ગંભીર અકસ્માતો સર્જાય છે. આમ છતાં તેને અટકાવવાની જેની જવાબદારી છે તે નેશનલ હાઇવે ઓથોરિટી આ મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી.

કોંગી આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીયમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી તગડો ટોલટેક્સ વસૂલે છે તેમ છતાં રખડતાં પશુઓને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી કરતી નથી તે તંત્ર માટે શરમજનક બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here