નવી દિલ્હી – યુવતીની કારની ટક્કર, નગ્ન હાલતમાં મળી આવી લાશ, જાણો કેવી રીતે બની આખી ઘટના

02 Jan 23 : નવા વર્ષે દિલ્હીના માથે એવો ડાઘ લાગ્યો છે કે આખી રાજધાની શરમમાં મુકાઈ ગઈ છે. દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં એક યુવતીની લાશ એટલી ખરાબ અવસ્થામાં મળી આવી હતી કે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. પોલીસે આ મામલામાં 5 લોકોની ધરપકડ કરી છે, જેમના પર આરોપ છે કે તેમણે યુવતીની સ્કૂટીને કારથી ટક્કર મારી, જેના કારણે યુવતી ગાડીની નીચે ફસાઈ ગઈ અને આરોપીએ તેને ઘણા કિલોમીટર સુધી ઘસડી અને તેનું દર્દનાક મોત થયું. આજે યુવતીનું પોસ્ટમોર્ટમ થશે. આજે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેના પરિજનોને સોંપવામાં આવશે. પરંતુ આ સમગ્ર ઘટનામાં હજુ પોલીસે એ શોધવાનું બાકી છે કે આખરે આ યુવતીનું મોત આટલું શંકાસ્પદ કેમ લાગી રહ્યું છે. આ ઘટનામાં નવા વર્ષની રાતે શું થયું, જાણીએ – 

બર્બરતાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા – જે સમયે આખો દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલો હતો, સમગ્ર દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, એ જ સમયે રાજધાની દિલ્હીના એક વિસ્તારમાં એક દીકરી સાથે આવી બર્બરતા થઈ રહી હતી, જેને સાંભળીને તમારું કાળજું કાંપી ઉઠશે. દિલ્હીમાં થયેલી બર્બરતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આરોપી આરામથી કારને ફેરવી રહ્યો છે. સીસીટીવીમાં આરોપીઓ એક જ રોડ પર ઘણી વખત કારને ફેરવતા દેખાઈ રહ્યા છે.

ટક્કર બાદ યુવતી ગાડીની નીચે ફસાઈ ગઈ – પકડાયેલા 5 આરોપીઓ નવા વર્ષની ઉજવણી કરીને મુરથલથી પરત મંગોલપુરી જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ઘટના બની ત્યારે આરોપીઓ દારૂના નશામાં હતા. પોલીસે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે, જેના રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે તેઓ નશામાં હતા કે નહીં. આ ઘટના દિલ્હીના સુલ્તાનપુરી-કાંજાવાલા વિસ્તારની છે. જ્યાં આરોપીઓએ સ્કૂટી પર જઈ રહેલી યુવતીને ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવતી ગાડીની નીચે ફસાઈ ગઈ હતી, પરંતુ આરોપીઓએ કાર ન રોકી અને યુવતીને ઘણા કિલોમીટર સુધી ઘસડતાં લઈ ગયા.

યુવતીને કેટલાય કિલોમીટર સુધી ઘસડી  – હવે સવાલ દિલ્હી પોલીસની થિયરી પર ઉઠી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, તેણે સૌથી પહેલા દિલ્હી પોલીસને જાણ કરી. તેણે કારનો પીછો કર્યો, તે દરમિયાન આરોપીની કાર ત્રણ પોલીસની પીસીઆર પાસેથી પસાર થઈ પરંતુ એકે પણ કાર રોકી નહીં. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે નવા વર્ષ નિમિત્તે દરેક રસ્તા પર પોલીસ પિકેટ હશે, વિવિધ સ્થળોએ બેરીકેટ્સ હશે. એવામાં આરોપીઓ યુવતીને કેટલાય કિલોમીટર સુધી ઘસડતાં રહ્યા અને કોઈ પોલીસકર્મીની નજર પણ ન પડી! પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, તેણે પહેલો કોલ રાતે 3.20 વાગ્યે કર્યો, જ્યારે તેણે પહેલીવાર કારને તેની સામેથી પસાર થતી જોઈ.

એક જ રસ્તા પર ઘણી વખત ચક્કર મારતા રહ્યા – પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, બરાબર 10 મિનિટ પછી આરોપીની કાર ફરી તેની સામેથી પસાર થઈ. પ્રત્યક્ષદર્શીએ ફરી પોલીસને જણાવ્યું કે લાશ કારમાં ફસાઈ ગઈ છે. પ્રત્યક્ષદર્શી સતત ગાડીનો પીછો કરી રહ્યો હતો. તે પોલીસને સતત અપડેટ આપી રહ્યો હતો. નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા પાંચેય આરોપીઓ એક જ રોડ પર અનેકવાર ચક્કર મારી રહ્યા હતા. આરોપીઓને એ વાતની બિલકુલ પરવા નહોતી કે તેઓએ જે સ્કૂટીને થોડા કિલોમીટર પહેલા ટક્કર મારી આવ્યા છે, તે યુવતી તેમની કાર નીચે ફસાયેલી હતી. 

સતત અપડેટ બાદ પણ પોલીસ મોડી પડી – પોલીસે આ મામલે અજાણતા હત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટનાને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કારણ કે પ્રત્યક્ષદર્શી સતત પોલીસ સાથે વાત કરી રહ્યો હતો. આમ છતાં પીસીઆરને ઘટનાસ્થળે પહોંચવામાં આટલો સમય કેવી રીતે લાગ્યો. ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવકોએ એક યુવતીને ઢસડીને મોતને ઘાટ ઉતારી દીધી. કારના ચાલકો એવા તો કેવા નશામાં ચૂર હતા કે તેમને કંઈ જ ખબર ન પડી. આ કેસમાં તમામ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.આ અકસ્માત બાદ દિલ્હીના એલજી વીકે સક્સેનાએ કહ્યું કે તેમનું માથું શરમથી ઝુકી ગયું છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ દિલ્હી પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. દિલ્હીમાં તોડફોડ બાદ પરિવારજનોએ યુવતી સાથે કોઈ અપ્રિય ઘટનાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારજનોએ દિલ્હી પોલીસના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે કે તપાસ કર્યા વિના પોલીસ કેવી રીતે કહી શકે કે યુવતીનું કોઈપણ પ્રકારનું શોષણ નથી થયું! ત્યારે બીજી તરફ આ ઘટના પછી, દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને કેસનો સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. આ કેસમાં પોલીસે તમામ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here