22 Sep 22 : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને રાજ્ય પોલીસ દળોની સંયુ ક્ત ટીમે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) કેસમાં 10 રાજ્યોમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સી કાર્યવાહીમાં 100 થી વધુ PFI નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદને ભંડોળ પૂરું પાડવા, ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને કટ્ટરપંથી બનાવવા માટે સામેલ વ્યક્તિઓના ઘરો અને ઓફિસોમાં આ તપાસ કરવામાં આવી રહી છે.

PFIના 100થી વધુ કેડરની ધરપકડ – સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘દેશભરના 10 રાજ્યોમાં મોટી કાર્યવાહી કરતા, NIA, ED અને રાજ્ય પોલીસે PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરી છે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્ય ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે.

કાર્યવાહી સામે વિરોધ – તપાસ એજન્સીની આ કાર્યવાહીના વિરોધમાં PFI અને SDPI ના કાર્યકરોએ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. PFI અને SDPI ના સમર્થકોએ કર્ણાટકના મેંગલુરુમાં NIA ની કાર્યવાહી સામે વિરોધ કર્યો. સાથે જ તમિલનાડુના ડિંડુગલમાં 50 થી વધુ PFI કાર્યકરો NIAની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા પણ થઈ હતી કાર્યવાહી – જણાવી દઈએ કે NIAએ આ મહિનાની શરૂઆતમાં એક PFI કેસના સંબંધમાં તેલંગાણા, આંધ્રપ્રદેશમાં 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ ત્યારે તેલંગાણામાં 38 સ્થળો અને આંધ્રપ્રદેશમાં બે સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, સર્ચ ઓપરેશન દરમિયાન ડિજિટલ ડિવાઈસ, દસ્તાવેજો, બે છરીઓ અને રોકડ રૂપિયા 8,31,500 સહિતની ગુનાહિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. NIAએ જણાવ્યું કે તમામ આરોપીઓ આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરતા હતા.

સાથ માટે તરસ્યા શશિ થરૂર! નેતાએ કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય માણસ’, ન લડવી જોઈએ ચૂંટણી

22 Sep 22 : તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર ચૂંટણી લડશે કે નહીં? હાલ આ સ્પષ્ટ નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેમને પોતાના જ ગૃહ રાજ્ય કેરળમાંથી સંપૂર્ણ સમર્થન નથી મળી રહ્યું. સ્થિતિ એવી છે કે નેતાઓ તેમને ‘ઇન્ટર નેશનલ’ કહીને ચૂંટણી ન લડવાની સલાહ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા બે દિવસમાં શરૂ થઈ જશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ આ રેસમાં સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળના ઘણા નેતાઓ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ તરીકે જોવા માંગે છે. સાથે જ રાજ્યો તરફથી મળી રહેલ સમર્થન પણ આ તરફ મજબૂત ઈશારો કરી રહ્યો છે. જો કે, એવા અહેવાલો હતા કે નેતાઓ રાહુલને પદ સંભાળવા માટે સતત સમજાવી રહ્યા છે, પરંતુ તેઓ તેમ કરવા માંગતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ બિન-ગાંધીને અધ્યક્ષ બનાવવા માંગે છે.

લોકસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ કે સુરેશે કહ્યું, ‘શશિ થરૂરે ચૂંટણી ન લડવી જોઈએ. તે એક આંતરરાષ્ટ્રીય વ્યક્તિ છે. અહીં ઉમેદવારની પસંદગી સર્વસંમતિથી થવી જોઈએ. અમે હજુ પણ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે વિનંતી કરી રહ્યા છીએ.’ અન્ય સાંસદ બેની બેહનાને કહ્યું, ‘મને નથી લાગતું કે શશિ થરૂર લડશે અને તેઓ પાર્ટી હાઈકમાન્ડ ની સૂચનાઓનું પાલન કરશે.’

સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવારની પસંદગી સહમતિથી કરવામાં આવે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, થરૂર અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચેની તાજેતરની બેઠક બાદ સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત પણ આગામી સમયમાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકે છે.

બુધવારે જ થરૂર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) કમિટી પહોંચીને કેન્દ્રીય ચૂંટણી સમિતિને મળ્યા હતા. ત્યારે ગેહલોત પણ દિલ્હીમાં જ હતા. તેમણે સોનિયા ગાંધી સાથે લાંબી મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરિષ્ઠ નેતા અધ્યક્ષ બન્યા બાદ પણ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર નથી.