
20 Sep 22 : કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે એક પછી એક રાજ્ય ઠરાવ પસાર કરી રહ્યા છે, પરંતુ રાહુલ પોતાનું પત્તું ખોલી રહ્યા નથી. આવી સ્થિતિ માં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. સોનિયા ગાંધીને મળ્યા બાદ શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે, જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમને પડકારવાનું મન બનાવી લીધું છે. આ રીતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી ખૂબ જ રોમાંચક બની શકે છે, તો બે દાયકા પછી કોંગ્રેસને ગાંધી પરિવારની બહારથી કોઈ પ્રમુખ મળી શકે છે.
કેરળના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ શશિ થરૂરને કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંપૂર્ણપણે તટસ્થ રહેશે. આ પછી જ અશોક ગેહલોત પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે અને 26 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ રીતે શશિ થરૂર vs અશોક ગેહલોત માત્ર રાજકીય જંગ નહીં, પરંતુ જી-23 અને ગાંધી પરિવાર વચ્ચેની હરીફાઈ હશે?
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ અંતર્ગત લગભગ 200 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. રાહુલ કેરળથી આગળ વધી રહ્યા છે અને દરરોજ 20 થી 22 કિલોમીટર ચાલીને રાજકીય નાડી પારખી રહ્યા છે, ત્યારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાજકીય તાણ વધી રહી છે. કોંગ્રેસના ઘણા રાજ્ય એકમોએ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની તરફેણમાં ઠરાવ પસાર કર્યા છે, પરંતુ રાહુલ તેમના સ્ટેન્ડ પર અડગ છે. તેમણે કહ્યું છે કે તેઓ ફરીથી પાર્ટી અધ્યક્ષ બનવા માંગતા નથી.
ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિદેશ જતા પહેલા અશોક ગેહલોતને પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી. તે સમયે અશોક ગેહલોત મૌન હતા, પરંતુ શશિ થરૂરે ચૂંટણી લડવાનો ઈરાદો વ્યક્ત કર્યા બાદ તેઓ સંમત થયા છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત અને શશિ થરૂર આમને-સામને હશે. ગેહલોતને ગાંધી પરિવારના નજીકના નેતા માનવામાં આવે છે, જ્યારે શશિ થરૂર જી-23માં સામેલ છે. આ રીતે માત્ર થરૂર વિરુદ્ધ ગેહલોત જ નહીં પરંતુ G-23 વિરુદ્ધ ગાંધી પરિવાર વચ્ચે પણ ગાઢ લડાઈ જોવા મળી રહી છે.