20 Aug 22 : મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જયારે અનેક ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર આવી રહ્યા છે.

કૃષ્ણ શહેર મથુરા-વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં અકસ્માતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે જન્માષ્ટમીની મંગળા આરતી દરમિયાન મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. મંદિરમાં થયેલી નાસભાગમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મથુરાના SSP અભિષેક યાદવે માહિતી આપી છે કે મથુરાના વૃંદાવન બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા. ભીડને કારણે લોકોની તબિયત લથડી હતી, જેમાં એક મહિલા અને એક પુરૂષ ભક્તનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે મંગળા આરતી એ સવારની પહેલી આરતી છે, જે લગભગ 3-4 વાગ્યે કરવામાં આવે છે. ગઈકાલથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચી રહ્યા હતા. મંગળા આરતી વખતે પણ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હોવા ની ચર્ચા છે.

84 કોસમાં આવેલા તમામ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી : વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં હંમેશા દેશ-વિદેશના ભક્તોની ભીડ રહે છે, પરંતુ જન્માષ્ટમીના અવસર પર ભીડ વધી જાય છે. જો કે જન્માષ્ટમી પર મથુરાના 84 કોસમાં આવેલા તમામ મંદિરોમાં ભીડ હોય છે, પરંતુ બાંકે બિહારી મંદિર માં દિવસના કોઈપણ સમયે એવું નથી કે મંદિર ભક્તોથી ખીચોખીચ ભરેલું ન હોય.

જગ્યા ન મળી તો ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી : જન્માષ્ટમી ના તહેવાર હોવાથી આ અવસર પર મથુરા-વૃંદાવનની તમામ હોટેલ – લોજ અને આશ્રમો ભરાઈ ગયા હતા. જન્માષ્ટમીની ઉજવણી માટે લાખો લોકો ઉમટી પડ્યા હતા.ઘણા લોકોએ ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી હતી. વહીવટી  તંત્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગઈકાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મથુરા ગયા હતા. અને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી, જેના કારણે ઘણા લોકો મથુરા પણ પહોંચ્યા હતા. લગભગ 50 લાખ ભક્તો જન્માષ્ટમી મનાવવા માટે મથુરા પહોંચ્યા હતા, જે વિસ્તારની ક્ષમતા અનુસાર મોટી સંખ્યા છે