01 Sep 22 : રાજકોટ ITI દ્વારા  ટાટા કેમિકલ્સ મીઠાપુર ખાતે રોજગાર મેળવવા ઈચ્છુકોને ધ્યાને લઈ તા. ૫ સપ્ટેમ્બર સોમવારના રોજ  બપોરે ૧૨.૦૦ કલાકે ટેકનીશિયન અને ઓપરેટરના હોદાની જગ્યા માટે ભરતીમેળો યોજાશે. જે અંતર્ગત એ.ઓ.સી.પી (અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ ૫લાન્ટ),  ઈન્સ્ટ્ર મેન્ટ મિકેનિક, ઈલેકટ્રિશિયન, ફીટર, અને બોઈલર એટેન્ડન્ટની લાયકાત ધરાવનાર તથા ૧ થી  ૬ વર્ષ જેટલો અનુભવ ધરાવનાર ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકશે.

આ યોજાનારા ભરતીમેળામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ તેઓનું રિઝ્યુમ, આધારકાર્ડ, પાનકાર્ડ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. ભરતીપ્રક્રિયામાં ઉમેદવારોએ રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલીંગ, લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે. ભરતીમાં ભાગ લેવા માટે તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં https://forms.office.com/r/inugkWfdgh ની વેબસાઈટ પર   જઈ ફોર્મ ભરવાનું રહેશે.  જે ઉમેદવાર ટાટા કંપનીમાં એપ્રેન્ટીસની તાલીમ લીધેલ હોય , ડિપ્લોમા કે ડીગ્રી કરેલા હોય તેઓ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે નહી. તેમ આઈ. ટી. આઈના આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવાયું છે.

  • ડિજીટલ ગુજરાત પોર્ટલ મારફતે આશરે છ હજારથી વધારે રેશનકાર્ડની લગતી સેવાઓનો નિકાલ કરાયો

01 Sep 22 : દરેક માનવીની ઓળખ જે તે વ્યક્તિના દસ્તાવેજો પરથી સરળતાથી મેળવી શકાય છે ત્યારે રોજિંદા જીવનમાં જરૂરી તમામ દસ્તાવેજો નાગરીક સરળતાથી મેળવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે.

ડિજીટલ ગુજરાત પોર્ટલના કારણે આજે વિવિધ વિભાગની સુવિધાઓ નાગરીકને  ઘરઆંગણે મળી રહી છે. આ પોર્ટલમાં વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, SEBC પ્રમાણપત્ર, જાતિનો દાખલો, લાયસન્સ રીન્યુ કરાવવું, રેશનકાર્ડને લગતી સુવિધાઓ, આવકનો દાખલો મેળવવા સહિતની અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.

રાજકોટ શહેરમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત નવા રેશનકાર્ડ મેળવવા માટેની કુલ ૧૭૪ અરજીઓ, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવા ૨૬૯ અરજી ઓ, નામ બદલવા ૮૩૪ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા ૫ (પાંચ) અરજીઓ, નવા નામ ઉમેરવા ૩૬૬૩ અરજીઓ અને નામ કમી કરાવવા ૧૧૪૭ અરજીઓનો સુયોગ્ય નિકાલ કરી આપવામાં આવ્યો છે. ૧લી માર્ચથી ૨૯ ઓગસ્ટ સુધીમાં ૬,૦૯૨ રેશનકાર્ડની સેવાઓને લગતી અરજીઓનો અસરકાર રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

આમ ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’  મારફતે ઘરઆંગણે સેવા મળતા અનેક નાગરીકોએ સંબંધિત વિભાગની કચેરી જવું પડતું નથી અને સરળતાથી દરેક દસ્તાવેજો ઉપલબ્ધ થતાં તેમને પણ રાહત મળે છે. જે સરકારની જનતા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાના દર્શાવે છે.

  • અનુસુચિત જાતિના ઘરવિહોણા લોકોને આવાસો પૂરા પાડતી રાજ્ય સરકારની ડો. આંબેડકર આવાસ યોજના

01 Sep 22 : રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ શાખા ગ્રામ્ય વિસ્તારના અનુસુચિત જાતિના ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આર્થિક સહાય પૂરી પાડે છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા પ્રકારનું કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર લોકો રૂા.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી હુકમ મળતા રૂા.૪૦,૦૦૦નો આપવામાં આવે છે. બીજો હપ્તો બાંધકામ લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ રૂા.૬૦,૦૦૦નો ચુકવવામાં આવે છે. ને શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થતાં ત્રીજો હપ્તો રૂા.૨૦,૦૦૦નો આપવા માં આવે છે. ઉપરાંત મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહે છે.

૨૧ કે તેથી વધુ ઉમરના લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારનું આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ/પેટા જાતિ નો દાખલો, કુલ વાર્ષિક આવકનો દાખલો, ચૂંટણી ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનો પુરાવો, અરજદારના નામના બેંક ખાતાની પાસ બૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક, જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો,  જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્ર ફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની તલાટી-કમ-મંત્રીશ્રીની સહીવાળી નકલ, મકાન બાંધકામ ચિઠ્ઠી, સ્વ-ઘોષણા પત્ર, જે જગ્યાએ મકાન બાંધ કામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો વગેરે પુરાવાઓ સહીત https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગતો માટે લાભાર્થીએ તાલુકા પંચાયત કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષકનો સંપર્ક કરી શકશે.

 આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૬ લાભાર્થીઓને રૂ.૩૪.૪૦ લાખ મકાન સહાય પેટે ચુકવવામાં આવેલ છે. તેમજ ૨૦૦ લાભાર્થીઓનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમ રાજકોટ જીલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.