31 Aug 22 : પાકિસ્તાનમાં પૂરે તબાહી મચાવી છે. પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. શેરીઓ પાણી-પાણી થઈ છે. સિંધથી લઈને બલૂચિસ્તાન સુધીના ઘણા રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અત્યાર સુધીમાં 1,100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 3 કરોડથી વધુ લોકો બેઘર બન્યા છે. સ્થીતી એવી છે કે, હવે લોકો ભૂખ્યા સૂવા મજબૂર છે. પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 24 કલાકમાં 75 લોકોના મોત થયા છે. 59ની હાલત ગંભીર છે.
1100થી વધુ મોત, 3.30 કરોડથી વધુ લોકો બેઘર – પાકિસ્તાનમાં પૂરના કારણે મૃત્યુઆંક 1,136 પર પહોંચી ગયો છે. આ આંકડા સત્તા વાર છે. જો કે, મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં 2,500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. પૂરના કારણે 3.3 કરોડ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. આ આંકડો પાકિસ્તાનની વસ્તીના સાતમા ભાગ જેટલો છે. ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
24 કલાકમાં 75થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ – પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દરરોજ રિપોર્ટ જારી કરે છે. મંગળવારના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 75 લોકોએ જીવ ગુમાવ્યા છે. 54 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તેઓની અલગ-અલગ હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાને તેને “દશકાનું સૌથી ખરાબ ચોમાસું” ગણાવ્યું છે. મંગળવારે મુસાફરોથી ભરેલી બસ પાણીમાં વહી ગઈ હતી.ઘટના સમયે બસમાં 40 લોકો સવાર હતા.