રાજકોટ શહેર-જિલ્લામાંથી છેલ્લા ત્રણ દિવસમાં ૧૬ હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ

07 Nov 22 : રાજકોટ શહેર-જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરતી આદર્શ આચારસંહિતા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં ૧૬ હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ આવી નથી.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.જે. ખાચરના નિરિક્ષણમાં આદર્શ આચારસંહિતા સમિતિના રાજકોટ શહેરના નોડલ અધિકારીશ્રી આશિષકુમાર તથા રાજકોટ ગ્રામ્યના નોડલ અધિકારીશ્રી ઈલાબહેન ચૌહાણની ટીમ દ્વારા પ્રચારા ત્મક સામગ્રી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં (૬ નવેમ્બર સાંજ સુધીમાં) જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી દિવાલો પરના ૭૮૫૯ લખાણો ભૂંસી નંખાયા છે, તો ૧૪૦૪ પોસ્ટર્સ તથા ૩૬૫૩ બેનર્સ તેમજ ૨૧૬૮ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ ૧૫૦૮૪ સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ ૪૫૮ દિવાલ પરના લખાણો, ૩૪૧ પોસ્ટર્સ, ૩૫૦ બેનર્સ, ૧૬૫ અન્ય મળીને કુલ ૧૩૧૪ જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે.

આચાર સંહિતા અમલી બન્યાના ત્રણ દિવસની અંદર રાજકોટ પૂર્વ-૬૮ વિધાનસભા વિસ્તારમાંથી સરકારી મિલકતો પરથી કુલ ૨૦૨૯ જ્યારે ખાનગી મિલકતો પરથી ૨૩ પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ છે. રાજકોટ પશ્ચિમ-૬૯ વિધાનસભા ક્ષેત્રેમાંથી સરકારી મિલકતો પરથી ૧૬૦૨ જ્યારે ખાનગી મિલકતો પરથી ૪૭, રાજકોટ દક્ષિણ-૭૦ વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૩૨૨૨ જ્યારે ખાનગી મિલકતો પરથી ૨૦૮, રાજકોટ ગ્રામ્ય-૭૧ વિધાનસભા ક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૧૨૮૮ તથા ખાનગી મિલકતો પરથી ૮૩, જસદણ-૭૨ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૭૪૦ તથા ખાનગી મિલકતો પરથી ૩૭૬, ગોંડલ-૭૩ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૧૫૯૯ તથા ખાનગી મિલકતો પરથી ૫૦, જેતપુર-૭૪ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૩૪૨૦ તથા ખાનગી પરથી ૨૮૯, જ્યારે ધોરાજી-૭૫ મતક્ષેત્રમાંથી સરકારી મિલકતો પરથી ૧૧૮૪ અને ખાનગી મિલકતો પરથી ૨૩૮ જેટલી પ્રચારા ત્મક સામગ્રી દૂર કરાઈ છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતા ભંગ સહિતની બાબતોની જાણ માટે હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૩૨૨ જારી કરવામાં આવ્યો છે.

વધુમાં વાંચો… રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં માટે ઈવીએમનું પ્રથમ રેન્ડમાઈઝેશન થયું

રાજકોટ જિલ્લાની ૦૮ વિધાનસભાની બેઠકો માટે આગામી તા. ૦૧ ડિસેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટેની કામગીરીનો પ્રારંભ થયો જેમાં રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં માટે ઈવીએમનું પ્રથમ રેન્ડમાઈઝેશન થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ ચુંટણી અધિકારીઓને મશીનની ફાળવણી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર-જિલ્લાની જુદી જુદી આઠ બેઠકોના બૂથ ઉપર ઇવીએમની જરૂરિયાત અનુસાર બેલેટ યુનીટ (બી.યુ.) અને કંટ્રોલ યુનિટ (સી.યુ.) ઉપરાંત દરેક ચૂંટણી અધિકારીશ્રીઓને આ મશીનની ફાળવણી કરવામાં આવી હતી. ત્યાંથી ઇલેકશનના દિવસે મતદાન મથકમાં મોકલવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, આ ચૂંટણીમાં ૩૩૩૧ બેલેટ યુનીટ તેમજ ૫૧૭ રીઝર્વ બેલેટ યુનિટ આમ કુલ ૩૮૪૮ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ કુલ ૩૩૩૧ કંટ્રોલ યુનિટ અને કુલ ૩૬૭૭ વીવીપેટ મશીનોને પૂરતા બંદોબસ્ત સાથે ફાળવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here