વલસાડમાં હર ઘર તિંરગા અભિયાનને જબરજસ્ત પ્રતિસાદ, 4.37 લાખના ધ્વજ વેચાયા

18 Aug 22 : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને વલસાડ જિલ્લાએ જબર જસ્ત પ્રતિસાદ આપ્યો છે. જિલ્લાના એક એક ઘરના લોકો આઝાદીના આ મહાપર્વને ઉજવવા માટે થનગની રહ્યા છે. ત્યારે વલસાડ ના ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં અત્યાર સુધીમાં કુલ 4,37,435 ના રાષ્ટ્રધ્વજ વેચાઈ ચૂકયા છે. તેમ છતાં લોકોમાં તિરંગાની માંગ દિવસે દિવસે વધી રહી હોવાથી વધુ સ્ટોક મંગાવવામાં આવી રહ્યો છે.

આઝાદીના 75 વર્ષની ઉજવણી પ્રસંગે દેશવાસીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને નવી પેઢી આઝાદીનું મહત્વ અને સ્વતંત્ર્ય સેનાનીઓના બલિદાનના મહત્વને સમજે એ માટે દેશમાં હર ઘર તિંરગા અભિયાનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરાતા દેશવાસીઓએ સહર્ષ વધાવી લીધું છે. વલસાડ તાલુકા ખાદી અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિ.સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં દેશ ની આન, બાન અને શાન સમાન ગણાતા તિરંગાની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ બેવડાતા ધસારો વધી રહ્યો છે, જેને પગલે સ્ટોક ખલાસ થઈ ગયો છે. વધુ રાષ્ટ્રધ્વજનો સ્ટોક મંગાવવામાં આવ્યો છે.

વલસાડ ખાદી ગ્રામોદ્યોગના મેનેજર મનુભાઈ ઠાકોરે જણાવ્યું કે, દર વર્ષે સ્વતંત્ર પર્વે 100 રાષ્ટ્રધ્વજનો સ્ટોક મંગાવતા હતા તેમાંથી માંડ 60 થી 70 ધ્વજ વેચાતા હતા અને જે બાકી વધે તે સપ્ટેમ્બર મહિનામાં માછીમારો દરિયો ખેડવા માટે રવાના થતા હોય ત્યારે વેચાઈ જતા હતા. પરંતુ આ વર્ષે હર ઘર તિરંગા અભિયાનને પગલે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ધ્વજનો સ્ટોક ખલાસ થઈ ગયો તો ફરી મંગાવવામાં આવ્યો હતો. હાલમાં તે પણ ખલાસ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 4,37,435ના વિવિધ સાઈઝના કુલ 717 નંગ રાષ્ટ્રધ્વજ વેચાઈ ગયા છે. તા. 7 ઓગસ્ટના રોજ વધુ 450 ધ્વજ મંગાવ્યા હતા તે પણ આજની તારીખ સુધીમાં તમામ વેચાઈ ગયા છે. હવે આગામી દિવસ માટે મુંબઈ સ્થિત ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના યુનિટમાંથી 2×3 ફૂટના 72 અને 18×27 ઈંચના પણ 72 નંગ મંગાવ્યા છે.

*વલસાડ ખાદી ગ્રામોદ્યોગમાં વેચાયેલા રાષ્ટ્રધ્વજની આંકડાકીય વિગત* ધ્વજની સાઈઝ પ્રતિ નંગ દીઠ નંગ 6×9 ઈંચ રૂ. 110 30 12×18 ઈંચ રૂ. 155 477 18×27 ઈંચ રૂ.235 24 2×3 ફૂટ રૂ.615, 770 84 3×4.5 ફૂટ રૂ.1445, 1570 57 4×6 ફૂટ રૂ.2030 33 8×12 ફૂટ રૂ.8235 12