
04 May 23 : પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગોવામાં યોજાનારી વિદેશ મંત્રીઓની SCO (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન) સમિટમાં ભાગ લેશે. પાકિસ્તાનના કોઈ વિદેશ મંત્રીની 12 વર્ષમાં આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા હિના રબ્બાની જુલાઈ 2011માં શાંતિ મંત્રણા માટે ભારતની મુલાકાતે આવી હતી. બિલાવલ ભુટ્ટોએ તેમની મુલાકાત પહેલા એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભારત મુલાકાત એ સંદેશ આપે છે કે પાકિસ્તાન SCOને કેટલું મહત્ત્વ આપે છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, આજે હું ભારતનાં ગોવા જઈ રહ્યો છું. જ્યાં હું SCOમાં પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીશ.મારી મુલાકાત દરમિયાન, જે ખાસ કરીને SCO પર કેન્દ્રિત છે, હું પાકિસ્તાનના મિત્ર દેશોના મારા સમકક્ષો સાથે રચનાત્મક ચર્ચાની આશા રાખું છું.
ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત નહીં થાય. ભારત તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે SCO સમિટ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં. જયારે પાકિસ્તાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે ભુટ્ટોની મુલાકાત દરમિયાન બિલાવલ ભારતના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે નહીં. જોકે, બિલાવલ ભુટ્ટો SCO ની બહાર ચીન અને રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી શકે છે. બિલાવલ ગોવામાં ભારતીય મીડિયાની સામે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તે ચીનનો રાગ આલાપી શકે છે. બીજી તરફ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ SCOની બાજુમાં ગોવામાં ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ભારતે આમંત્રણ મોકલ્યું હતું. ભારતે SCO દેશોના વિદેશ મંત્રીઓને પ્રોટોકોલ હેઠળ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું હતું. આ દેશોમાં પાકિસ્તાન અને ચીન પણ સામેલ છે. જો કે, પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે બિલાવલ નહીં આવે, જો કે તેમણે સમિટ માં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ડિસેમ્બરમાં ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
ગોવા આવવા મજબૂર છે PAK વિદેશ મંત્રી. ગોવામાં યોજાનારી SCO સમિટમાં રશિયા અને ચીન બંને ભાગ લઈ રહ્યા છે. આ બંને દેશો આર્થિક સંકટના સમયમાં પાકિસ્તાનના સૌથી મહત્ત્વપૂર્ણ સહયોગી છે. આવી સ્થિતિમાં બંને દેશો SCOમાં જોડાયા ત્યારે પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. એટલું જ નહીં, SCOના સ્થાપક સભ્યો નથી ઈચ્છતા કે SCO ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટનો શિકાર બને. આથી બિલાવલ ભુટ્ટો ગોવાની મુલાકાતે આવી રહ્યા છે.
ભારત-પાકિસ્તાનના સંબંધો સૌથી ખરાબ તબક્કામાં… બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાનના નેતાઓ એકબીજાના દેશની મુલાકાત પણ લેતા ન હતા. આ પહેલા 2014માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પીએમ મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. આ પછી 2015માં પીએમ મોદી નવાઝ શરીફની પૌત્રી મેહરુન્નિસાના લગ્ન માટે પાકિસ્તાન પહોંચ્યા હતા. આ દિવસે નવાઝ શરીફનો જન્મદિવસ પણ હતો. પીએમ અચાનક પાકિસ્તાન પહોંચી ગયા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનના દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ આ મુલાકાત પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું, નરેન્દ્ર મોદી, પાકિસ્તાનમાં આપનું સ્વાગત છે. વિવાદિત મુદ્દાઓને ઉકેલવાનો એકમાત્ર રસ્તો એ છે કે સતત એકબીજા સાથે જોડાયેલા રહેવું. જોકે, 2019માં પુલવામા હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગાડતા ગયા.
વધુમાં વાંચો… ક્રેમલિન પર ડ્રોન હુમલાનો રશિયાએ બદલો લીધો, યૂક્રેનના ખેરસનમાં રેલવે સ્ટેશન-સુપરમાર્કેટ પર કર્યો બોમ્બમારો
રશિયાએ ફરી એકવાર યૂક્રેન પર હુમલા તેજ કર્યા છે. યૂક્રેન પરના આ હુમલા એવા સમયે વધુ તીવ્ર બન્યા છે જ્યારે એક દિવસ પહેલા જ રશિયાએ યૂક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આવી સ્થિતિમાં રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલાને બદલો તરીકે જોવામાં આવી રહ્યા છે. જોકે, યૂક્રેને ક્રેમલિન પર ડ્રોન હુમલા માં તેની સંડોવણીનો ઇનકાર કર્યો છે. યૂક્રેનિયન સૈન્ય અનુસાર,રશિયાએ ખારસેન અને કિવ પર હુમલો કર્યો. રશિયા દ્વારા ખારસેનમાં રેલવે સ્ટેશન અને સુપરમાર્કેટને નિશાન બનાવવા માં આવ્યા. આ હુમલામાં 21 લોકોના મોત થયા. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, કિવમાં રશિયા તરફથી 24 ડ્રોન છોડવામાં આવ્યા. તેમાંથી યૂક્રેનની સેનાએ 18ને તોડી પાડ્યા.

રશિયાએ કિવ – યૂક્રેન પર 24 ડ્રોન છોડ્યા : દરમિયાન, યૂક્રેનની એરફોર્સે દાવો કર્યો છે કે રશિયાએ બુધવારે રાત્રે કિવ પર 24 ડ્રોન હુમલા કર્યા હતા. આમાંથી 18 યૂક્રેનિયન એરફોર્સ દ્વારા ઠાર કરવામાં આવ્યા. રશિયાએ મે મહિનામાં કિવ પર ત્રીજી વખત હુમલો કર્યો છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે યૂક્રેનમાં ભારે તબાહી સર્જાઈ છે. દરમિયાન બુધવારે રશિયાએ દાવો કર્યો હતો કે પુતિનને મારવા માટે ક્રેમલિન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ આ માટે સીધું યૂક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું. રશિયાનું કહેવું છે કે ક્રેમલિન પર બે ફાઈટર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બંને ડ્રોનનો હેતુ રાષ્ટ્રપતિ પુતિન જ્યાં રહે છે તે ક્રેમલિન બિલ્ડિંગને નિશાન બનાવવા નો હતો. રશિયાની સંસદ પણ આ સંકુલમાં છે.
મળતી માહિતી મુજબ, રશિયાની રડાર યુદ્ધ પ્રણાલીએ આ બંને ડ્રોનને નિશાન બનાવ્યા જ્યારે તેઓ ક્રેમલિન સંકુલની બરાબર ઉપર પહોંચ્યા. આ દરમિયાન આ બંને ડ્રોન અથડાયા હતા, જેના કારણે તેઓ રશિયન સંસદની ઇમારત પર તૂટી પડ્યા હતા. પુતિનનો ગ્રાન્ડ ક્રેમલિન પેલેસ આ સેનેટ બિલ્ડિંગથી માત્ર 300 મીટર દૂર છે. રશિયાએ સત્તાવાર રીતે કહ્યું છે કે યૂક્રેને પુતિનની હત્યા કરવા માટે આ બે ડ્રોન મોકલ્યા હતા. આ સામાન્ય ડ્રોન નહીં પરંતુ ફાઈટર ડ્રોન હતા. વાસ્તવમાં ફાઇટર ડ્રોન તે ડ્રોન છે, જે ખતરનાક મિસાઇલો અથવા અન્ય વિસ્ફોટક ઉપકરણોથી સજ્જ હોય છે. તેમાં આવા બ્લેડ લગાવવામાં આવ્યા છે, જે સરળતાથી લક્ષ્યને ખતમ કરી શકે છે. જો કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ડ્રોન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રશિયાએ અત્યાર સુધી માત્ર એટલું જ કહ્યું છે કે ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. આ બંને ફાઈટર ડ્રોન હતા. હુમલાની 2 થિયરીઓ સામે આવી. આ સમગ્ર મામલાને લઈને બે થિયરીઓ સામે આવી છે. પહેલું એ કે યુક્રેને ખરેખર રશિયન પ્રમુખ પુતિનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે બે ફાઈટર ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. આ હુમલા પાછળ રશિયા પાસે પણ નક્કર કારણ છે કે રશિયાએ તેના 30 ટકા વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. રશિયાના કારણે યૂક્રેન છેલ્લા 434 દિવસથી યુદ્ધ લડી રહ્યું છે. તેથી કદાચ તેણે પુતિનને મારવાનું કાવતરું રચ્યું હતું જેથી તે આ યુદ્ધ જીતી શકે. બીજી તરફ બીજી થિયરી છે કે રશિયાએ જ આ હુમલો કરાવ્યો છે જેથી તે યૂક્રેન અને પશ્ચિમી દેશો પર દબાણ લાવી શકે અને એક રીતે ખુલ્લેઆમ કાર્યવાહી કરી શકે. તે કોઈપણ રીતે યૂક્રેન પર જીત મેળવવા માંગે છે. શક્ય છે કે રશિયાએ જ ક્રેમલિન પર હુમલો કર્યો હોય જેથી દુનિયાને કહી શકે કે પશ્ચિમી દેશોની સાથે યૂક્રેન પણ પુતિનની હત્યા કરવા માંગે છે. તેના આધારે તે યૂક્રેન વિરુદ્ધ મોટા પાયા પર ખુલ્લેઆમ કાર્યવાહી કરવા માંગે છે. હકીકતમાં, જો રશિયા યૂક્રેન પર મોટો હુમલો કરે છે, તો એવું કહેવામાં આવશે કે યૂક્રેને પુતિનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને રશિયાએ એક રીતે બદલો લીધો છે. આ રીતે, આ હુમલો રશિયા માટે બેકઅપ તરીકે કામ કરશે.