ગુજરાત ચૂંટણીમાં પરેશ રાવલે કહ્યું,’સસ્તા ગેસ સિલિન્ડરનું શું કરશો, બંગાળી ઓ માટે ખાવાનું બનાવશો?’, થઈ ગયો વિવાદ

02 Dec 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. આ પછી 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા પરેશ રાવલ, જે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેને કારણે તેમની આકરી ટીકા થઈ રહી છે.ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા પરેશ રાવલ તેમની ભાજપના પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમોનો ઉલ્લેખ કરતા એક નિવેદન આપ્યું જેના પર હવે વિવાદ શરૂ થયો છે.

એવું શું બોલ્યા પરેશ રાવલ કે થયો વિવાદ?

પરેશ રાવલે વલસાડમાં લોકોને સંબોધન ગુજરાતીમાં જ કર્યું. જેમાં તેમણે પ્રયાસ કર્યો કે તેઓ મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માંગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપી શકે. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, ‘ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તે સસ્તા થઈ જશે. લોકોને રોજગાર પણ મળી જશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે. જેવું દિલ્હીમાં થઈ રહ્યું છે. પછી તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?” આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતના જનતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાતના લોકો જનતા મોંઘવારી સહન કરી શકે છે પણ આ નહીં. વિપક્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ જે રીતે અપશબ્દો બોલે છે, તેમાં થી એક વ્યક્તિએ પોતાના મોં પર ડાયપર પહેરવાની જરૂર છે. પરેશ રાવલના આ નિવેદનને લઈને હવે સખત વિવાદ ઉભો થયો છે અને વિપક્ષી નેતાઓ તેમની આકરી ટીકા કરી રહ્યા છે.

ટીએમસી સાંસદે ઉઠાવ્યા સવાલ : આ વીડિયો શેર કરીને તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદે અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું, બાબુભાઈ આપ તો ઐસે ન થે… જો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ભારતમાં ઘૂસી જશે, તો તેનો અર્થ છે કે ગૃહમંત્રી તરીકે તેમનું કામ સારી રીતે કરી શકતા નથી. કે પછી તમે એમ કહી રહ્યા છો કે BSF સરહદની સુરક્ષા યોગ્ય રીતે કરી શકતી નથી? હાલ પરેશ રાવલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને પરેશ રાવલ પર બંગાળીઓ અને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી. હજુ સુધી પરેશ રાવલ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી.

વધુમાં વાંચો… અમદાવાદના નરોડામાં દારૂનું કટિંગ પકડાયું, દારૂની બોટલ તેમ જ વાહનો સહિત રૂ.14.33 લાખનો મુદામાલ પકડાયો

નરોડા જીઆઈડીસી મુઠિયા બસ સ્ટેન્ડ પાસે બુટલેગરોએ મગાવેલી દારૂ ભરેલી ટ્રકમાંથી નાના-નાના વાહનોમાં દારૂ ઠાલવવામાં આવી રહ્યો હતો, ત્યારે જ ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડતા બુટલેગરો અને તેના માણસો વાહનો તેમ જ દારૂ ત્યાં જ મૂકીને ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 10થી 12 આરોપી ભાગી ગયા હતા. સ્થળ પરથી પોલીસે દારૂની 732 બોટલો તેમ જ બે કાર સહિત અડધો ડઝન વાહન કબજે કર્યા હતા. નરોડા જીઆઈડીસી મુઠિયા બસ સ્ટેન્ડ પાસે જયરાજસિંહ ઉર્ફે જયેશ તેનો ભાગીદાર જ્યેશ ઉર્ફે જીગો સોલંકી તથા તેના માણસોએ વિદેશી દારૂની ટ્રક મગાવી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી વિજયપાલ મીણા, વિજય ડામોર, સંદિપ ઉર્ફે સાંઢ અને દિલીપ ઉર્ફે બાબુ ગઢવીને દારુની 732 બોટલો, બે રિક્ષા તેમજ ટુ વ્હિલર મળીને અડધો ડઝન વાહનો સાથે ઝડપી લીધા હતી. જેની કિંમત રૂ.14.33 લાખ જેટલી થાય છે.

આ અંગે ક્રાઈમબ્રાન્ચે ગુનો નોંધી નાસી છૂટેલા બુટલેગર અને તેના સાગરીતોની શોધખોળ શરૂ કરી છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાન માં રાખીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર પોલીસે સીલ કરી દીધી છે, તેમ છતાં પણ બોર્ડર ક્રોસ કરીને દારૂ ભરેલી ટ્રક નરોડા જીઆઈડીસી સુધી લાવવામાં આવી હતી. જેથી આ દારૂની હેરાફેરી પોલીસની મિલીભગતથી થતી હોવાની શંકા ઉપરી અધિકારીઓએ નકારી નથી. જ્યારે ગુજરાતમાં પણ ઠેર-ઠેર નાકાબંધી હોવા છતાં દારૂ ભરેલી ટ્રક નરોડા સુધી કેવી રીતે પહોંચી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here