16 Sep 22 : અમદાવાદમાં આજે વહેલી સવારે એક BRTS બસ એકાએક રીતે સળગી ગઈ હતી જો કે બસના ડ્રાઈવરે સમય રહેતા પોતાની સુજબુઝથી પેસેન્જર્સને નીચે ઉતારી દીધા હતા જેથી તમામ પેસેન્જર્સનો બચાવ થયો હતો. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે અચાનક જ બસના એન્જીનમાંથી ધુમાડો નીકળતાં જ બસ ડ્રાઈવરે બધા પેસેન્જર્સને બહાર જવા કહ્યું હતું અને BRTS બસ સ્ટેન્ડ પર ઉભેલા તમામ યાત્રીઓને પણ બસ સ્ટેન્ડથી દૂર જવા કહ્યું હતું.

જે BRTS બસમાં આગ લાગી હતી તે બસમાં લગભગ 25 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઇ નથી અને આ બસ RTOથી મણિનગર તરફ જઈ રહી હતી. આ ઘટના આજે સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બસ મેમનગર BRTS પર પહોચી ત્યારે બસ અચાનક બંધ પડી ગઈ હતી અને બસના એન્જીનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ બસના ડ્રાઈવરે બસના તમામ દરવાજા ખોલી નાખ્યા હતા અને બધા પેસેન્જર્સને ઉતરી જવા કહ્યું હતું અને બધા લોકોને દૂર જવા કહ્યું હતું.

જો કે થોડીક ક્ષણોમાંજ બસમાં આગ લાગવાની શરુઆત થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આ ઘટનાથી BRTS બસના માઈન્ટેન્સ પર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.

  • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરિયાણાના પ્રવાસે, આ કારણે ગોઠવાયો છે તેમનો પ્રવાસ

16 Sep 22 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની એક દિવસીય મુલાકાતે જશે. હરિયાણા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના આમંત્રણથી સહભાગી થવાના છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આ ગુરૂકુળ કૂરૂક્ષેત્રમાં નેચરલ ફાર્મીંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટ કાર્યરત કરાયેલું છે અને આ ઇન્સ્ટીટયૂટ દ્વારા અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રાસાયણમુકત ખેતી તરફ વાળવાનો સફળ આયામ હાથ ધરાયો છે.

ગુજરાતમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતાથી લાખો કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ડાંગ જિલ્લો તો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો પણ જાહેર થયેલો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘બેક ટુ બેઝિક’નો વિચાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને સાકાર કરવાની દિશામાં ગુરૂકુળ કુરૂક્ષેત્રની મહત્વની ભૂમિકા છે.

ગુજરાત અને હરિયાણાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો જે માર્ગ લીધો છે તેની સફળતા અને લાભાલાભના ચર્ચા-પરામર્શ ગુરૂકુલ કુરૂક્ષેત્ર ખાતે યોજાનારી સમીક્ષા બેઠકમાં હાથ ધરાશે.હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ કૃષિમંત્રી જે.પી.દલાલ સહિત કેન્દ્ર સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના સચિવ અને હરિયાણાના વરિષ્ઠ સચિવો આ સંવાદ બેઠકમાં જોડાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ગુરૂકુળ કુરૂક્ષેત્રની મુલાકાતમાં શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને મુખ્ય સચિવ પંકજકુમાર પણ જોડાવાના છે.