
દેશની નવી સંસદના ઉદ્ઘાટનને હવે માત્ર બે દિવસ બાકી છે, પરંતુ સમગ્ર ચિત્ર હજુ સ્પષ્ટ નથી. ઉદ્ઘાટન માટે 40 પક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાંથી 17 સમર્થનમાં છે, 20 વિરોધમાં છે અને 3 પક્ષોએ હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી. આ પક્ષોએ 28મી મેના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનું કહ્યું છે. તેઓએ માંગ કરી છે કે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે. આ દરમિયાન નવી સંસદના ઉદ્ઘાટન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બસપા સુપ્રીમો માયાવતીનું સમર્થન મળ્યું છે. માયાવતીએ નવી સંસદના ઉદ્ઘાટનનું સ્વાગત કર્યું છે. માયાવતીએ કહ્યું કે નવી સંસદનો બહિષ્કાર ખોટો છે. ઉદ્ઘાટનને આદિવાસી મહિલાના સન્માન સાથે જોડવું યોગ્ય નથી.
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને માયાવતીએ ત્રણ ટ્વીટ કર્યા છે. માયાવતીએ કહ્યું છે કે કેન્દ્રમાં પહેલા કોંગ્રેસ પાર્ટીની સરકાર હોય કે હવે ભાજપની, બસપાએ હંમેશા દેશ અને જનહિતને લગતા મુદ્દાઓ પર પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને તેમનું સમર્થન કર્યું છે અને 28 મેએ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટનને પણ આ સંદર્ભમાં જોતા પાર્ટી તેનું સ્વાગત કરે છે. તેમણે આગળ લખ્યું, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન ન કરવા બદલ બહિષ્કાર અયોગ્ય છે. સરકારે તે બનાવ્યું છે તેથી તેમને તેનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. આને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવું પણ અયોગ્ય છે. તેમને બિનહરીફ ન ચૂંટવાને બદલે તેમની સામે ઉમેદવાર ઉભા કરતી વખતે આ વિચારવું જોઈતું હતું.” આ પછી માયાવતીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું છે, “મને દેશને સમર્પિત થનારા કાર્યક્રમ એટલે કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ મળ્યું છે, જેના માટે હું આભાર માનું છું અને મારી શુભેચ્છાઓ આપું છું. પરંતુ પક્ષની સતત સમીક્ષા બેઠકો અંગેની મારી પૂર્વ-નિર્ધારિત વ્યસ્તતાને લીધે, હું તે સમારોહમાં હાજર રહી શકીશ નહીં.” નવી સંસદના ઉદ્ઘાટન સમારોહ ને લઈને આજે ફરી મોટો રાજકીય હોબાળો થયો છે. મોદીથી માંડીને યોગી સુધી તેઓ સંપૂર્ણ એક્શનમાં છે અને વિપક્ષ સામે હલ્લાબોલ કર્યો છે. રાષ્ટ્રપતિને લઈને સરકાર પર સવાલ ઉઠાવતા વિપક્ષ પર સરકારે પુરી તાકાતથી વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ઉદ્ઘાટન પર હોબાળો મચાવનાર કોંગ્રેસ શિલાન્યાસમાં કેમ ન આવી. બહિષ્કાર એક બહાનું છે, મોદી નિશાન છે. ભાજપે હવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના બહાને જેડીયુને પણ ઘેરી લીધું છે. ભાજપે નીતીશ કુમારને સવાલ પૂછ્યો કે બિહાર વિધાનસભાના નવા બિલ્ડિંગનું ઉદ્ઘા ટન નીતીશ કુમારના હસ્તે શા માટે કરવામાં આવ્યું હતું? મુખ્યમંત્રીએ શા માટે રાજ્યપાલના હસ્તે તેનું ઉદ્ઘાટન ન કરાવ્યું?
વધુમાં વાંચો… રાજકોટ સરકારી આઈ.ટી.આઈ. દ્વારા આયોજિત ભરતી મેળામાં ૪૭ ઉમેદવારોની પસંદગી
આઈ.ટી.આઈ.રાજકોટ દ્વારા આયોજિત ભરતીમેળામાં ૪૭ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા સતાણી ફોર્જ એન્ડ ટર્ન, મેટોડા સ્થિત કંપની માટે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.એન.સી. ઓપરેટર, ઈન્સ્પેકટર, ફોર્જિંગ પ્રેસ ઓપરેટરની જગ્યાઓ માટે અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો માટે ફિટર, ટર્નર, મશિનિસ્ટ, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ડ્રાફ્ટસમેન, વેલ્ડર, ડિઝલ મિકેનિક, ડિપ્લોમા મિકેનિકલ સહીતની શાખાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ મેળાની શરૂઆતમાં કંપનીના ડાયરેક્ટર કરણભાઈ સતાણી દ્વારા પ્રિ-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીનું સ્થળ, કંપની દ્વારા ઉત્પાદિત વસ્તુઓ, હોદ્દો, સેલેરી, કરવાની થતી કામગીરી સહિતની જરૂરી માહિતીઓની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના એચ.આર. મેનેજર જયેશભાઈ પરમાર તેમજ ટેકનિકલ ડાયરેક્ટર કરણભાઈ સતાણી દ્વારા હાજર ૬૫ ઉમેદવારોનાં મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા ફોર્જિંગ વિભાગ, સી.એન.સી. મશીનિંગ વિભાગ તથા ક્વોલિટી કંટ્રોલ માટેના ઇન્સ્પેક્શન વિભાગમાં જુદી જુદી જરૂરિયાત પ્રમાણે જરૂરી લાયકાત ધરાવતાં ૪૭ ઉમેદવારોની પસંદગી કરી કરવામાં આવી હતી. પસંદગી પામેલ ઉમેદવારોને રૂ.૧૩૦૦૦ થી ૧૮૦૦૦ પગાર આપવામાં આવશે. કંપનીના નિયમાનુસાર પગારધોરણ તેમજ રહેવાની ફ્રી સુવિધા મળવાપાત્ર છે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. સરકારી સંસ્થા દ્વારા થતાં ઉત્તમ કાર્ય બદલ કંપનીએ આઈ.ટી.આઈ રાજકોટના અધિકારીઓને બિરદાવી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ધો.૮ અને ધો.૧૦ પછી તુરંત જ આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવી વ્યવસાયિક ઉજ્જવળ કારકિર્દી ઘડી શકાય છે. આઈ.ટી.આઈ. સરકારી સંસ્થા હોવાથી ભાઈઓને ૬ માસની માત્ર નજીવી એવી રૂ. ૬૦૦ અને બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપતી રાજકોટ આઈ.ટી.આઈ. ૧૬ એકરનાં વિશાળ કેમ્પસમાં આવેલી છે. જેમાં જુદા જુદા છ વર્કશોપમાં વિવિધ ગ્રુપના ૨૬ થી વધુ ટેકનિકલ કોર્સની તાલીમ આપવામાં આવે છે, હાલ આઈ.ટી.આઈ.માં પવ્રેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય, વિદ્યાર્થીઓને લાભ લેવા તથા વધુ વિગતો માટે આઈ.ટી.આઈ.રાજકોટનો રૂબરૂ સંપર્ક કરવા આઈ.ટી.આઈ. રાજકોટનાં આચાર્ય સાગર રાડિયાએ અનુરોધ કર્યો છે.
વધુમાં વાંચો… સ્માર્ટફોને ઘટાડી હાલાકી, ખેતીની નવીનતમ પદ્ધતિઓ મોબાઈલમાં જોઈ શકું છું – ખેડૂત વિરેન ઘાડિયા
ગુજરાતના ખેડૂતો મોબાઈલ ટેક્નોલોજી અપનાવીને તેનો લાભ લેતા થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત મોબાઈલ સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી અનેક ખેડૂતોએ સ્માર્ટફોન ખરીદ્યા છે અને હવામાન તેમજ ખેતીને લગતી માહિતી આંગળીના ટેરવે મેળવતા થયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના યુવા ખેડૂત વિરેન રમેશભાઈ ઘાડીયા પણ આવા જ ખેડૂત છે, જેમને મોબાઈલ સહાય યોજનાનો લાભ મળ્યો છે.
વિરેનભાઈ ઉપલેટામાં ૧.૨૯ હેક્ટર જમીન ધરાવે છે. તેઓ કહે છે કે, રાજ્ય સરકાર દ્વારા જે સ્માર્ટફોન ખરીદી સહાય યોજના શરૂ કરવામાં આવી છે, તે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. એનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. મને આ યોજનાની જાણકારી ગ્રામસેવક મારફત મળી હતી. એ પછી મેં આઈ-ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભર્યું હતું. જે મંજૂર થતાં મેં સ્માર્ટફોનની ખરીદી કરી હતી. જેની રૂપિયા ૬૦૦૦ની સબસિડી મને સીધી મારા બેન્ક એકાઉન્ટમાં જ મળી હતી. આમ સ્માર્ટફોન ખરીદીથી લઈને સબસિડી મેળવવા સુધીની પ્રક્રિયા મારા માટે ખૂબ સરળ રહી હતી. સ્માર્ટફોનથી ખેડૂતને કેવા કેવા ફાયદા થાય છે, તે અંગે વિરેનભાઈ કહે છે કે, ખેતીવાડી ખાતાની કોઈપણ સબસિડીનું ફોર્મ ભરવું હોય તો આ મોબાઈલ થકી ઓન લાઈન ભરી શકું છું. આ ઉપરાંત ખેતીવાડીને લગતી નવી બાબતો જેમ કે, સંકલિત રોગ જીવાત નિયંત્રણ કે નવીનતમ ઓજારોની માહિતીના વીડિયો હું મોબાઈલમાં જોઈને શીખી શકું છું. હવામાન ખાતાની આગાહી કે વરસાદની સંભાવના કે અન્ય કોઈ આફતની માહિતી જાણ પણ મોબાઇલ મારફત થાય છે. જેના કારણે હું મારા ખેતરમાં કોઈ આગોતરાં પગલાં લેવા હોય તો લઈ શકું છું. આ સ્માર્ટફોનના કારણે મને ખેતીને લગતી કે સરકારી સહાય કે યોજનાઓને લગતી માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય આપવા બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના કૃષિ ખાતાનો આભાર માનું છું.