રાજકોટમાં રવિવારે યોજાનાર જી.પી.એસ.સી.ની પરીક્ષા અંગે જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો

File Image

28 Oct 22 : રાજકોટ શહેરમાં ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (જી.પી.એસ.સી.) દ્વારા તા. ૩૦/૧૦/૨૦૨૨નાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-૨ની લેખિત પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોના કુલ ૧૫ કેન્દ્રો ખાતે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી તેમજ બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી લેવાનાર છે. આ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા નીચે મુજબના પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.

આ ઉપરાંત, પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

રાજકોટ શહેરમાં હથિયારબંધી

આગામી દિવસોમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમો, રેલી, ધરણા વગેરે તથા સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતા આ સમય દરમ્યાન સમગ્ર રાજકોટમાં કાયદો વ્યવસ્થા, શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે પોલીસ કમિશનર, રાજકોટ શ્રી રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ શારીરિક ઈજા થાય તેવી વસ્તુઓ કે હથિયારો તથા સ્ફોટક પદાર્થો રાખવા તેમજ હેરફેર કરવા તેમજ વિવીધ પ્રદર્શનો યોજવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તથા પરવાના વાળા હથિયારો લઈ જાહેર જગ્યાએ જવા, હવામાં ફાયર કરવા કે વ્યક્તિઓના સમુદાયમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. તથા ચાઇનીઝ જીગઝેક ચપ્પુઓ રાખવા તેમજ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ આદેશ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ૦૧/૧૧/૨૦૨૨થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here