શરાબ કૌભાંડમાં આરોપી બનાવવાના સમાચારને રાઘવ ચઢ્ઢાએ ગણાવ્યા નકલી

File Image
File Image

02 May 23 : દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાનું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે EDની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં AAP સાંસદનું નામ સામેલ છે. પરંતુ રાઘવ ચડ્ડાએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે EDની કોઈપણ ફરિયાદ કે ચાર્જશીટમાં મારું નામ ક્યાંય નથી. તેમણે કહ્યું કે આ કેસમાં મારા નામની સંડોવણીને લઈને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું, ‘હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કોઈપણ ફરિયાદમાં મારું નામ આરોપી કે શંકાસ્પદના રૂપમાં ક્યાંય નથી. એટલું જ નહીં, સાક્ષી તરીકે પણ મારું નામ EDની ચાર્જશીટમાં ક્યાંય નથી. પરંતુ દેશભરમાં ન્યૂઝ ચેનલો દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મારું નામ આરોપી તરીકે EDની ચાર્જશીટમાં છે. હું આ અહેવાલોનું ખંડન કરું છું.’ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે એવું લાગે છે કે ફરિયાદમાં મારું નામ કોઈ મીટિંગમાં હાજર હોવા અંગે છે. જો કે, આવા આક્ષેપો કરવા પાછળનો આધાર સ્પષ્ટ નથી. હું સ્પષ્ટપણે તે મીટિંગ અથવા અન્યથા સંબંધમાં કોઈપણ કથિત અપરાધના હોવાનો સ્પષ્ટ રૂપે ઇનકાર કરું છું. હું ન્યૂઝ ચેનલોને અપીલ કરું છું કે કોઈ ખોટું રિપોર્ટિંગ ન કરે. અન્યથા મને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. અહેવાલો અનુસાર, EDની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયાના પીએમ સી અરવિંદે તેમના નિવેદનમાં રાઘવ ચડ્ડાનું નામ લીધું છે. સી અરવિંદે પોતાના નિવેદનમાં કહ્યું કે મનીષ સિસોદિયાના ઘરે મીટિંગ થઈ હતી. જેમાં રાઘવ ચડ્ડા, પંજાબના આબકારી કમિશનર, આબકારી અધિકારી અને વિજય નાયર હાજર રહ્યા હતા. રાઘવ ચડ્ડાનું નામ ચાર્જશીટમાં હોવાની વાત કહેવાઈ રહી છે, પરંતુ આરોપી તરીકે નથી.

વધુમાં વાંચો… પ્રેમિકા સાથે રહેતા ફિઝીયોથેરાપિસ્ટ પતિએ તબીબ પત્ની, બે દીકરાીઓને એસિડ છાંટી સળગાવી દેવાની ધમકી આપી
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અન્ય યુવતી સાથે રહેતા પરિણીત ફિઝીયોથેરાપિસ્ટ પતિએ તેની તબીબ પત્ની અને બે દીકરીઓને એસિડ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. આથી ગભરાયેલા તબીબ પત્નીએ પતિ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, ડભોઇ રોડ વિસતારમાં તબીબ મહિલા તેમના બે દીકરી અને સાસુ સાથે રહે છે અને બરાનપુરા ખાતે મલ્ટીસ્પેશિયલ હેલ્થકેર હોસ્પિટલ ધરાવે છે. વર્ષ 2002 માં તબીબ મહિલાના લગ્ન ફિઝીયોથેરાપિસ્ટ હિતેશ જયશ્વાલ સાથે થયા હતા. જો કે, હિતેશભાઈને અન્ય યુવતી સાથે અફેર હોવાથી છેલ્લા 5 મહિનાથી તેઓ તેમની ગર્લફ્રેન્ડ સાથે સુભાનપુરા ખાતે આવેલ બીજા મકાનમાં અલગ રહે છે. દરમિયાન તબીબ મહિલા જ્યારે હોસ્પિટલ આવ્યા હતા ત્યારે તેમના સાસુનો ફોન આવ્યો હતો કે હિતેશભાઈ ઘરે આવ્યા હતા અને દીકારીઓને માર માર્યો હતો. બંગલો ખાલી કરવાની પણ ધમકી આપી. આથી, તબીબ મહિલા ઘરે પહોંચ્યા હતા અને પતિને ઠપકો આપ્યો હતો. ત્યારે પતિએ તબીબ મહિલાને લાફો માર્યો હતો અને દીકરીઓ અને તબીબ મહિલાને એસિડ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. સાથે જ બંગલો ખાલી કરવાની પણ ધમકી આપી હતી. આથી ગભરાઈ ગયેલા તબીબ મહિલાએ પાણીગેટ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુમાં વાંચો… દોડીને ટ્રેનમાં બેસવા જતા યુવકે સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયો, RPFના જવાને સતર્કતાથી જીવ બચાવ્યો, ઘટના CCTVમાં કેદ

રેલવે સ્ટેશન પર ઘણી વખત મુસાફરો દોડીને જીવના જોખમે ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા હોય છે. આથી ઘણીવાર મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશન પર આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં મુસાફરે દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો હતો. જો કે, ત્યાં ફરજ પરના આરપીએફ જવાને પોતાની સમયસૂચકતા વાપરીને યુવકને ખેંચી લેતા જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના રેલવે સ્ટેશનના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પ્લેટફોર્મ નંબર એક પર વડનગર ટ્રેન આવી હતી. ટ્રેન ઉપડતી વેળાએ એક મુસાફર યુવકે દોડીને ટ્રેનમાં બેસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અચાનક તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યાએ પટકાયો હતો. જો કે, ત્યાં ફરજ પરના એક આરપીએફ જવાન હેડ કોન્સ્ટેબલ દયાશંકર સરોજે યુવક મુસાફરને જોઈ જતા ત્વરિત તેનો હાથ પકડી ખેંચી લીધો હતો.

આથી યુવકનો જીવ બચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મુસાફરનું નામ સલીમ હોવાનું અને તેઓ સુરતથી અમદાવાદ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જો કે, દુર્ઘટનામાં મુસાફર યુવકને હળવી ઇજાઓ થઈ છે. પરંતુ, સદનસીબે તેનો જીવ બચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here