રાજકોટ – ભારતીય નાગરિકતા સાથે મતાધિકાર મેળવતા ૧૩૫ જેટલા પાકિસ્તાની

27 Nov 22 : પાકિસ્તાન છોડી અમે રાજકોટમાં કેટલાય વર્ષોથી નિરાશ્રિતોની જેમ રહેતા, જયારે અમને ભારતીય નાગરિકત્વ મળ્યું ત્યારે ખુબ ખુશી થઈ હતી, પરંતુ હવે આ દેશના નાગરિક તરીકે અમને મતદાનનો પણ અધિકાર પ્રાપ્ત થતા અમારી ખુશી બેવડાઈ ગઈ હોવાનું નિરાશ્રિત શક્તિ માતંગ અને તેમના પરિવારજનો જણાવે છે.રાજકોટમાં પાકિસ્તાનથી સ્થળાંતરીત થયેલ અનેક લોકો સ્થાયી થવા લાગ્યા છે. જેમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં ઘણા પરિવારોને ભારતીય નાગરિકત્વ મળી ચૂક્યું છે. સાથે તેઓને મતદાન કાર્ડ પણ મળી જતા ૧૩૫ જેટલા પાકિસ્તાની ભારતીય કે જેઓ હવે ભારતીય નાગરિક છે તેઓ પ્રથમ વખત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માં મતદાન કરવા ઉત્સુક છે.

પાકિસ્તાનના કરાંચીમાંથી રાજકોટ આવેલા શક્તિ માતંગની સાથે તેમના અન્ય છ પરિવારજનોને પણ મતાધિકાર મળતા રાજીપો વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ચૂંટણી કાર્ડ અમારી સાચી ઓળખ છે. અમે હવે વધુ આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકીએ છીએ. લોકો હવે અમને માનથી જુએ છે. અમે હવે નિશ્ચિંતપણે હરીફરી શકીએ છીએ. ૨૨ વર્ષીય યુવતી કેશર પાતરીયા યુવાનોને મતદાનનું મહત્વ સમજાવતા કહે છે કે, મતાધિકાર સાથે યોગ્ય વ્યક્તિને ચૂંટી દેશના ભવિષ્ય નિર્માણ કરવાનું આપણા હાથમાં છે, ત્યારે આપણે સૌએ મતદાન ચોક્કસ કરવું જોઈએ. બી.એ. નો અભ્યાસ કરતી કેશર અને તેમનો પરિવાર ભારત સ્થાયી થવા અંગે જણાવે છે કે અમને અહીં ઉજજવળ ભવિષ્ય દેખાય છે. અમારી કારર્કીદી બનાવવા માટે અહીં ખુબ સારું વાતાવરણ છે.

હજુ બે મહિના પહેલા જ જેમને વોટર આઈડી મળેલું છે તેવા સુનિલ મહેશ્વરી કે જેઓ ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરી સન્માનપૂર્વક જીવન વિતાવે છે. તેઓ મતદાર કાર્ડનું મહત્વ સારી રીતે જાણે છે. મતાધિકાર સાથે તેઓ સંપૂર્ણ ભારતીય હોવાનું ગર્વ અનુભવે છે. આ સાથે રામજીભાઈ બૂચિયા, કિશનલાલ મહેસ્વરી સહીત આ વસાહતમાં રહેતા અન્ય લોકોએ પણ મતાધિકાર મળતા વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માં આગામી તા. ૧લી ડિસેમ્બરના રોજ ઉત્સાહપૂર્વક મતદાન કરવાનો કોલ આપ્યો હતો.

ચૂંટણી કમિશન, ગુજરાત તેમજ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ અને તેમની ટીમ દ્વારા મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અર્થે સુંદર પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે, પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિકોને લોકશાહીમાં મતાધિકાર સાથે તેમની સહભાગિતા થવાથી બ્રાન્ડ એમ્બેસેડર સમાન પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

વધુમાં વાંચો… જસદણ તથા ગોંડલમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરાશે

રાજકોટ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જરૂરી વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ત્યારે મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા સખી મતદાન મથકની રચના કરવામાં આવશે. દિવ્યાંગ મતદાન મથકમાં તમામ દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન પર્યાવરણની જાળવણી અર્થે પ્લાસ્ટિકમુક્ત ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભા કરવામાં આવશે. તેમજ આદર્શ મતદાન મથક વિશેષ સુવિધાયુક્ત બનાવવામાં આવશે.

૭૨-જસદણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી રાજેશ જી. આલના નેજા હેઠળ મત વિસ્તારમાં મહિલાઓ સંચાલિત સાત મતદાન મથક રૂપાવટી પ્રાથમિક શાળા (રૂપાવટી), લીલાપુર કન્યા શાળા (લીલાપુર), વાજસુરપરા કન્યા પ્રાથમિક શાળા (જસદણ), વાજસુરપરા કુમાર પ્રાથમિક શાળા (જસદણ), બી.આર.સી. ભવન (જસદણ), સરદાર પટેલ નગર પ્રાથમિક શાળા (જસદણ), કંધેવાળિયા નવી પ્રાથમિક શાળા (વિંછીયા) ખાતે, દિવ્યાંગો સંચાલિત એક મતદાન મથક સ્ટેશન રોડ વિસ્તાર પ્રાથમિક શાળા ખાતે, ઇકો ફ્રેન્ડલી પોલિંગ બૂથ ચિતલીયા નવી પ્રાથમિક શાળા ખાતે તેમજ આદર્શ મતદાન મથક ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ ખાતે બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોડેલ બૂથમાં મતદારોને આકર્ષવા સુશોભન કરવામાં આવનાર છે.

વધુમાં, ૭૩-ગોંડલ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીશ્રી કે. વી. બાટીએ જણાવ્યું છે કે ગોંડલ વિધાનસભા મતક્ષેત્રમાં મહિલાઓ સંચાલિત સાત મતદાન મથક સરસ્વતી શિશુ મંદિર, કે. બી. બેરા ગર્લ્સ સ્કૂલ, મહારાજા ભગતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાસી જીવણ વિદ્યા મંદિર, લોહાણા વિદ્યાર્થી ભવન (ભોજરાજપરા), ગંગોત્રી હાઈ સ્કૂલ (ગુંદાળા રોડ), સ્વામી નારાયણ ગુરુકુળ (ગુંદાળા રેલવે ગેટ પાસે) ખાતે, દિવ્યાંગો સંચાલિત એક મતદાન મથક દાસી જીવણ વિદ્યાલયના પ્લે હાઉસ (કૈલાશ બાગ) ખાતે, ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન અટલ જનસેવા કેન્દ્ર (જેલ ચોક) ખાતે તેમજ એક આદર્શ મતદાન મથક કે. બી. બેરા કન્યા વિદ્યાલયના સ્ટાફ રૂમ (કોલેજ ચોક) ખાતે, બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોડેલ બૂથમાં મતદારો માટે વેઇટિંગ રૂમ તથા પીવાના ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ હશે.

વધુમાં વાંચો… મોટરસાયકલ પ્રકારના વાહનો માટે GJ- 03-MQ સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોના ઈ-ઓકશન ૦૯ ડિસેમ્બરે યોજાશે

પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટરસાયકલ પ્રકારના વાહનો માટેની GJ- 03-MQ સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરોના ઈ-ઓકશન તા. ૦૯/૧૨/૨૦૨૨ના યોજાશે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૮૦૦૦ , જયારે સિલ્વર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૩૫૦૦ તથા રેગ્યુલર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૨૦૦૦ રાખવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગોલ્ડન, સિલ્વર નંબરોના ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઇનવોઈસની તારીખ અથવા વિમાની તારીખ તે બેમાંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સી.એન.એ.માં અરજી કરનારને અરજી કર્યા તારીખથી ૬૦ દિવસ સુધી પસંદગીના નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે. પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા. ૦૨/૧૨/૨૦૨૨ સાંજના ૪ વાગ્યાથી તા.૦૭/૧૨/૨૦૨૨ સાંજના ૪ વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૦૭/૧૨/૨૦૨૨ ના રોજ સાંજના ૦૪:૦૦ વાગ્યા થી તા.૦૯/૧૨/૨૦૨૨ ના સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. ઈ-ઓકશન પુર્ણ થયે તા. ૦૯/૧૨/૨૦૨૨ ના રોજ સાંજના ૦૪-૧૫ કલાકે કોમ્પ્યુટર જનરેટેડ પરીણામ પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઈ શકાશે.

ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ-૫ માં ઈ-પેમેન્ટથી કરી ભરી દેવી તેમજ કચેરીએ ફોર્મ જમા કરાવવામાં નિષ્ફળ ગયેલ ઉમદેવારની રજિસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. તેમજ હરાજીમાં નિષ્ફળ અરજદારોના નાણાં દિવસ-૫માં પરત કરાશે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here